________________
(૨૧) ગયા. દરેક મુનિને અલગ-અલગ સ્થિતિ-રસ ધરાવતાં કર્મો સત્તામાં હોય, બીજી પણ અનેક અપેક્ષાએ ભિન્નતા હોય, તો બધાનો એક સાથે મોક્ષ કેવી રીતે સંભવે ? આવા તો શાબ, પ્રદ્યુમ્ન, દ્રાવિડ, વારિખિલ્લ, નારદજી, પાંડવો વગેરે અનેક દૃષ્ટાન્તો છે. અહીં પૂજ્યશ્રીએ એ જ સમાધાન કર્યું હતું કે તે કરોડો મુનિઓએ પોતપોતાના નાયકમાં પૂર્ણપણે આત્મસમર્પણ કર્યું હતું. તેથી નાયકની સાથે જ તેમનો મોક્ષ થયો હતો.
ગણધરવાદ પર વિસ્તૃત મીમાંસા કરવા જઈએ તો કદાચ દળદાર ગ્રંથમાં ય સમાઈ ન શકે. માટે કેટલાક દૃષ્ટિકોણથી ગણધરવાદની મીમાંસા કર્યા બાદ ટૂંકમાં એટલું કહેવા માંગુ છું કે- આ માત્ર ગણધરોની શંકાઓનું નિરાકરણ નથી, પરંતુ નાસ્તિકતાનું નિરાકરણ છે. આસ્તિકતાની વિજયપતાકા છે. ભૌતિકવાદના ભુક્ક-ભુક્કા બોલાવી દેવાનું સામર્થ્ય અહીં સમાયેલું છે, તો અધ્યાત્મવાદના અઢળક ગૂઢ રહસ્યો પણ અહીં છુપાયેલા છે.
પ્રસ્તાવનામાં સૂત્રકાર-ટીકાકાર આદિ વિષયોની સુંદર માહિતી આપી હોવાથી એ વિષયમાં પુનરુક્તિ કરતો નથી. પ્રસ્તુત અનુવાદ કરનાર સુશ્રાવક પંડિતવર્ય શ્રી ધીરુભાઈ વિદ્વાન-ધીર-ગંભીર હોવાની સાથે સરળ પ્રકૃતિના છે, આ બાબત તેમના પરિચય વિના પણ તેમના દ્વારા લિખિત અનુવાદો દ્વારા પ્રગટ થયા વિના રહેતી નથી. પ. પૂ. માલધારી શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પૂર્વ ટીકાઓ કરતાં સુગમ ટીકા રચી છે, છતાં પણ મંદમતિઓને, તેમાંય આજની પેઢીને વિશેષથી ઉપયોગી બને, એ માટે એક સરળ અનુવાદની જરૂર હતી જ. આજે આ આવશ્યકતાની પૂર્તિ થઈ રહી છે. ગણધરવાદની તર્કસભર વાણીને ખૂબ જ સરળ-સુગમ શૈલીમાં રજુ કરીને શ્રી ધીરુભાઈએ અધ્યેતાવર્ગ પર મહાન ઉપકાર કર્યો છે. આ પૂર્વે પણ તેમણે યોગગ્રન્થો, કર્મગ્રન્થો, ન્યાયગ્રન્થો આદિ અનેક ગંભીર શાસ્ત્રો પર વિશદ અનુવાદ પ્રકાશિત કરેલ છે. તેમનો જ્ઞાનયજ્ઞ સ્વ-પર કલ્યાણકર બની રહે એવી શુભેચ્છાઓ સહ તેમને શતશઃ ધન્યવાદ આપું છું તથા ગણધરવાદના પ્રસ્તુત અનુવાદનું સંશોધન કરવાનો મને લાભ આપ્યો એ બદલ આભાર માનું છું. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય કે સંશોધનમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્ મહા વદ ૧૨, સં. ૨૦૬૫,
– વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ અષ્ટાપદ સ્થાપત્ય તીર્થ,
શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરસેવક વાસણા, અમદાવાદ.
આ. કલ્યાણબોધિસૂરિ