________________
આવકાર
આ. વિજય મુનિચન્દ્રસૂરિ પંડિતવર્ય ધીરુભાઈ પાસેથી આ વખતે ‘ગણધરવાદ'નું અનુવાદ-વિવેચન પ્રાપ્ત થાય છે તે ઘણા આનંદનો વિષય છે.
–
અધ્યાપકોને મોટે ભાગે લખવાનો સમય હોતો નથી. વિદ્વાન લેખકોને અધ્યાપન કરવાનું ન હોવાથી વિદ્યાર્થીની સમસ્યાઓથી તેઓ વાકેફ નથી હોતા.
પં. ધીરુભાઈ સૂરતમાં અધ્યાપન કાર્ય કરે છે. અભ્યાસીઓની બધી સમસ્યાઓ-પ્રશ્નોને જરા પણ અકળાયા વિના સુલઝાવે છે. એમના આવા વિશિષ્ટ અધ્યાપનગુણના કારણે એમના વર્ગમાં સંખ્યા પણ સારી હોય છે.
છેલ્લા કેટલાક વર્ષોથી મે થી સપ્ટેમ્બર અમેરિકામાં પ્રવચનાદિ માટે જાય છે. ત્યાં મળતાં અવકાશનો લેખન-વિવેચનમાં ઉપયોગ કરે છે. એટલે સંઘને આવા પ્રકાશનો મળે છે.
‘ગણધરવાદ’નું થોડુંક વિવેચન ‘કલ્પસૂત્ર’ના પ્રવચન દરમિયાન પર્યુષણમાં થતું જ હોય છે. પણ, અહીં વધુ વિશદ અને સરળ ભાષામાં ઉપલબ્ધ થાય છે તે આનંદનો વિષય છે.
૫૦ વર્ષ પૂર્વે પં. દલસુખ માલવણિયાએ અને એ પછીના દસકામાં ન્યાયવિશારદ પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુસૂરિજી મ.સા.ના ગણધરવાદ ઉપરના વિવેચન પ્રગટ થયેલા.
આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.ના વિવેચનનો કે. રામપ્પાએ કરેલ અંગ્રેજી અનુવાદ દિલ્હીથી મોતીલાલ બનારસીદાસે પ્રગટ કર્યો છે.
આ જગત મુખ્યતયા બે વિભાગમાં વહેંચાયેલું છે. જીવ અને જડ. એટલે પ્રશ્નો પણ આ બે સંબંધમાં જ થાય. કેટલીક વિચારધારાઓ અદ્વૈતવાદી છે. આમાંથી કેટલાક માત્રજીવને સ્વીકારે છે. જડને સ્વીકારતા નથી. કેટલાક આનાથી વિપરિત રીતે જડને સ્વીકારે છે જીવને નથી સ્વીકારતા. કેટલાક બન્નેને માને છે પણ એના સ્વરૂપ બાબત માન્યતાઓમાં ભેદ ધરાવતા હોય છે.
અગિયાર ગણધરોના પ્રશ્નો આપણને આવા કોઈને કોઈ પ્રકારના હોય એવું સ્પષ્ટ સમજાય છે. પરમાત્મા મહાવીર પ્રભુના કાળે ચાલતી દાર્શનિક ધારાઓનું દર્શન ગણધરોના સંશયમાં થાય છે. જ્યારે પરમાત્માએ આપેલા ઉત્તરોમાં એ માન્યતાની ભૂલોનું સંશોધન થઈ વાસ્તવિકતાનું પ્રગટીકરણ થાય છે. જૈનદર્શનની માન્યતા પણ પ્રભુના ઉત્તરમાં સ્પષ્ટ થાય છે.
‘ગણધરવાદ’ તરીકે પ્રસિદ્ધિ પામેલી આ દાર્શનિક ચર્ચા સામાન્ય અભ્યાસી સમજી શકે એવી શૈલિમાં રજૂ થાય છે તે આનંદનો વિષય છે. અભ્યાસીઓને જિજ્ઞાસુઓને આનાથી સુંદર લાભ થશે. સહુ આનું અધ્યયન કરી પોતાના સમ્યગ્દર્શનને નિર્મળ બનાવે એ જ અભિલાષા.