________________
ગણધરવાદ ત્રીજા ગણધર - વાયુભૂતિ
૧૯૩ (૧) હે ગૌતમ ગોત્રીય વાયુભૂતિ ! જેમ બીજ વાવવાથી અંકુરા થાય છે અને ઉગેલા અંકુરાઓમાંથી શાખા-પ્રશાખા-ફૂલ અને ફળ દ્વારા બીજની ઉત્પત્તિ થાય છે. અંકુરાની ઉત્પત્તિ બીજમાંથી થઈ અને તે બીજની ઉત્પત્તિ પૂર્વકાલીન અંકુરામાંથી થઈ. પરંતુ આ બન્નેમાં પ્રથમ કોણ ? તે કહી શકાતું નથી. કારણ કે તેની આદિ જ નથી. જો આદિ હોય તો અવશ્ય કહી શકાત. પણ આ સંતાન (પરંપરા) અનાદિની છે. તેવી જ રીતે ભાગ્યશરીરની પ્રાપ્તિ કાર્મણશરીરથી (કર્મથી) થાય છે અને તે કર્મની ઉત્પત્તિ ભોગ્યશરીર દ્વારા થાય છે. આમ કર્મ અને ભાગ્યશરીરનો કાર્ય-કારણભાવ હોવાથી એટલે કે હેતુ અને હેતુમભાવ હોવાથી આ બન્નેની સંતાન પરંપરા અનાદિની છે. એટલે મનમાં ક્યારેય પણ આવો વિચાર ન કરવો કે જીવ સૌથી પ્રથમ શુદ્ધ હતો અને પછી તેને કર્મ લાગ્યાં, અથવા જીવ સૌથી પ્રથમ અશરીરી હતી અને તેને ભાગ્યશરીર પ્રથમ પ્રાપ્ત થયું, તેના દ્વારા કર્મો બંધાયાં. આવા વિચારો ન કરવા. કારણ કે આ બન્નેની સંતાન=પરંપરા અનાદિની છે. આ જીવ સત્તાથી સ્ફટિકની જેવો છે. શુદ્ધ-બુદ્ધ એટલે કે સત્તાથી વીતરાગ-શુદ્ધ અને અનંત ગુણવાળો અવશ્ય છે. પરંતુ સાથે સાથે અનાદિકાલથી શરીર અને કર્મની સાથે સુવર્ણ અને માટીની જેમ (કંચનોપલવ) લેપાયેલો પણ છે જ. આ વાત સમજવા માટે રાત્રિ અને દિવસ રૂપ કાલની પરંપરા જેમ અનાદિ છે. પિતા અને પુત્રની પરંપરા જેમ અનાદિની છે. ઈડું અને મરઘી વગેરે પક્ષીની પરંપરા જેમ અનાદિની છે. તેમ કર્મ અને ભાગ્યશરીરની પરંપરા અનાદિની છે. આવાં ઉદાહરણો સ્વયં સમજી લેવાં.
(૨) જેમ ઘડો બનાવવામાં દંડ-ચક્ર-ચીવર આદિ કેટલીક સામગ્રી કરણભૂત છે. અને ઘટ એ કાર્યભૂત છે. હવે સામગ્રીરૂપ કરણ અને ઘટાદિ સ્વરૂપ કાર્ય જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં તે બન્નેનો યોગ કરીને કાર્ય કરનારો કર્તા કુલાલ (કુંભાર) અવશ્ય હોય જ છે. કર્યા વિના કરણ અને કાર્યનો યોગ થતો નથી. તેવી જ રીતે કર્મ અને ભાગ્યશરીર આ બન્ને વચ્ચે પણ કરણ-કાર્યભાવ છે. તેથી તે કરણ-કાર્યનું મુંજન કરનાર કર્તા નામનો પદાર્થ (જીવ) તે બન્નેથી ભિન્ન છે અને ભિન્ન કર્યા હોવો પણ જોઈએ જ.
(૩) જેમ ઘટ-પટ આદિ પદાર્થો અમુક પ્રકારના ચોક્કસ નિયત-આકારવાળા જ બનાવાય છે. તેથી તે પ્રતિનિયત આકારવાળા પદાર્થોનો કુલાલ-વણકર આદિ કોઈક અવશ્ય કર્તા છે. જેને જેનો અનુભવ હોય છે તે જ કર્તા તે કાર્ય કરી શકે છે. તેવી જ રીતે આ શરીર પણ અવશ્ય પ્રતિનિયત આકારવાળું જ બને છે. તેથી તેનો પણ કોઈક શરીરની અંદર રહેલો જ પદાર્થ કર્તા હોવો જોઈએ અને જે આ કર્તા છે તે જ જીવ છે. /૧૬૬૫-૧૬૬૬-૧૬૬૭ll