________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
જાણનારી નથી. પરંતુ તે ઈન્દ્રિયોની અંદર રહેલો એવો અન્ય કોઈ માલિક જાણનારો છે. જો અંદર જાણનારો કોઈ અન્ય ન હોત અને ઈન્દ્રિયો પોતે જ જાણનારી હોત તો વિસ્ફારિત ચક્ષુને અને સાજી-તાજી શ્રોત્રેન્દ્રિયને પોતાનાથી જાણી શકાય એવા યોગ્ય દેશમાં જ રહેલી (અર્થાત્ નજીકમાં જ રહેલી) રૂપ અને શબ્દાદિ વસ્તુઓનો અનુપયુક્ત દશામાં પણ એટલે કે અન્ય વિષયમાં મનવાળાને પણ અથવા શૂન્યચિત્તવાળાને પણ બોધ થવો જોઈએ. ઈન્દ્રિયોનો વ્યવહાર ચાલુ હોય તો પણ અનુપયુક્ત દશામાં બોધ થતો નથી. તેથી જણાય છે કે પાંચે ઈન્દ્રિયોના સમૂહથી અતિરિક્ત એવું કોઈક અન્ય દ્રવ્ય (જીવદ્રવ્ય) આ શરીરમાં છે. તેને જ આ બોધ થાય છે. આ બીજો હેતુ થયો. જેમકે પાંચ બારીઓથી જોનારો અન્ય એવો દેવદત્ત જો ન હોય તો ખુલ્લી બારીઓ પણ પોતે વિષયનો બોધ કરનારી બનવી જોઈએ, પણ આમ બનતું નથી. તેમ અહીં જાણવું. આ ઉદાહરણ થયું.
૧૮૦
આ બન્ને અનુમાન પ્રયોગનો તાત્પર્યાર્થ એ છે કે જે સાધનોનો ઉપરમ (વિરામ) થવા છતાં તે સાધનો દ્વારા જાણેલા અર્થોનું જો અનુસ્મરણ થતું હોય તો તે અનુસ્મરણ કરનારો કર્તા તે સાધનભૂત પદાર્થોથી ભિન્ન છે, આમ સમજવું જોઈએ. જેમ બારીઓ દ્વારા જોયેલા પદાર્થોનું બારીઓ બંધ થવા છતાં અનુસ્મરણ કરનાર એવો દેવદત્ત બારીઓથી ભિન્ન છે તેવી જ રીતે ઈન્દ્રિયોથી જોયેલા-સાંભળેલા-જાણેલા પદાર્થોનું અંધત્વ-બધિરત્વ આવવા છતાં શરીરમાં રહેલા આત્માને અનુસ્મરણ થાય છે. તે ઉપરથી નિશ્ચિત થાય છે કે આ આત્મા ઈન્દ્રિયોથી અર્થાન્તર પદાર્થ છે.
બીજા અનુમાનનું તાત્પર્ય એ છે કે જ્યારે આત્માનો ઉપયોગ (મન દ્વારા વિષય જાણવાનો પ્રયત્ન) અન્ય વિષયમાં હોય અથવા ઉપાધિઓના કારણે શૂન્યચિત્ત હોય ત્યારે ઈન્દ્રિયોનો વ્યવહાર ચાલુ હોવા છતાં ય નિકટવર્તી પદાર્થોનો પણ બોધ થતો નથી. તેથી
આ આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે. કારણ કે જે સાધનોનો વ્યવહાર ચાલુ હોવા છતાં પણ
તેના વિષયમાં આવતા પદાર્થોનો બોધ જો ન થતો હોય તો તે બોધ કરનારો પદાર્થ તે તે ઈન્દ્રિયો કરતાં ભિન્ન છે. જેમકે બારીઓ બધી ખુલ્લી હોવા છતાં પણ તે બારીઓ દ્વારા જોનારો દેવદત્ત અન્ય-મનસ્ક હોવાના કારણે અથવા શૂન્યચિત્ત હોવાના કારણે વિષયને ન જાણતો તે દેવદત્ત બારીઓથી ભિન્ન છે તેમ અહીં સમજવું.
સારાંશ કે જે ઈન્દ્રિયો છે તે બારીઓની જેમ સાધન માત્ર છે, કરણકારક છે. પરંતુ તે ઈન્દ્રિયો પોતે વિષયબોધ કરનારી નથી. અર્થાત્ કર્તાકારક નથી. કર્તાકારક તો ભૂતાત્મક એવી તે ઈન્દ્રિયો અને શરીરથી ભિન્ન એવો તેની અંદર રહેલો આત્મા જ છે. ૧૬૫૮॥