________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
૧૭૯
વિવેચન - પાંચ ભૂતોની બનેલી પાંચ ઈન્દ્રિયો કે ભૂતાત્મક એવું શરીર, આ જ્ઞાન કરનાર નથી. પરંતુ ભૂતાત્મક એવી ઈન્દ્રિયોથી ભિન્ન એવો કોઈ પદાર્થ (આત્મા) છે કે જેને જ્ઞાનાત્મક બોધ થાય છે. આવું આત્મતત્ત્વ-સાધક અનુમાન આ ગાથામાં બે હેતુઓ દ્વારા બતાવ્યું છે. તે અનુમાન આ પ્રમાણે છે
ગણધરવાદ
ઈન્દ્રિયોથી ભિન્ન એવું કોઈક તત્ત્વ આ શરીરમાં છે કે જેને આ ઘટ છે, આ પટ છે, આ સર્પ છે, આ રજ્જુ છે ઈત્યાદિ વિષયને સમજાવનારી મતિ (બોધ) ઉત્પન્ન થાય છે. આ પ્રતિજ્ઞા થઈ. કારણ કે ચક્ષુથી વસ્તુ જોયા પછી કોઈ રોગથી ચક્ષુ ચાલી જાય અને અન્ધત્વ આવે તો પણ પૂર્વકાલમાં તે ચક્ષુથી જોયેલી વસ્તુનું સ્મરણ થાય છે. એવી જ રીતે શ્રોત્રેન્દ્રિયથી શબ્દ અને શબ્દ બોલનારાને ઓળખ્યા પછી કોઈ રોગવિશેષથી શ્રોત્રેન્દ્રિયની શક્તિ નાશ પામી જાય અને બહેરાપણું આવી જાય તો પણ પૂર્વકાલમાં સાંભળેલો અને જાણેલો જે શબ્દ અને શબ્દ બોલનારી વ્યક્તિ હતી તે બન્ને વિષયનું સ્મરણ બરાબર થાય છે. માટે, આ જ્ઞાન કરનાર ઈન્દ્રિયોથી ભિન્ન એવું કોઈક તત્ત્વ શરીરમાં છે. આ પ્રમાણે પાંચે ઈન્દ્રિયોમાં સમજવું. સારાંશ કે ઈન્દ્રિયોનો વિરામ થવા છતાં પણ પૂર્વકાલમાં ઈન્દ્રિયોથી જાણેલો વિષય ઈન્દ્રિયોનો નાશ થાય તો પણ તેના પછીના કાલમાં સ્મરણમાં રહે છે. માટે ઈન્દ્રિયો પોતે જાણનારી નથી પરંતુ ઈન્દ્રિયો દ્વારા જાણનારો માલિક આ શરીરમાં કોઈક અન્ય દ્રવ્ય છે અને તે જ આત્મા છે. આ એક હેતુ થયો. જેમકે કોઈ એક ઘરની જુદી જુદી પાંચ બારીઓમાંથી રસ્તા ઉપર જતી-આવતી સ્ત્રીઓને તથા પુરુષોને જોનારો દેવદત્તાદિ નામધારી પુરુષ બારીઓથી જુદો પદાર્થ છે. પરંતુ બારીઓ પોતે જોનારી નથી. તેની જેમ. આ ઉદાહરણ થયું. આ એક હેતુ દ્વારા અનુમાન સમજાવ્યું.
અથવા આ જ પ્રતિજ્ઞા અને આ જ ઉદાહરણમાં બીજો હેતુ રજુ કરીને બીજું અનુમાન જણાવે છે કે -
ઈન્દ્રિયો દ્વારા ઈન્દ્રિયોથી ભિન્ન એવું કોઈ અન્ય દ્રવ્ય (આત્મદ્રવ્ય) જ વિષયોનો બોધ કરનારું છે. આ પ્રતિજ્ઞા થઈ. કારણ કે ઈન્દ્રિયોનો વ્યાપાર ચાલુ હોવા છતાં પણ ક્યારેક એટલે કે ઉપયોગદશા ન હોય ત્યારે સામે જ રહેલી વસ્તુઓનો પણ બોધ થતો નથી માટે. જ્યારે મન અન્ય વિષયના ચિંતનમાં ડુબેલું હોય અથવા શૂન્ય મનસ્ક હોય ત્યારે આંખો ખુલ્લી હોવા છતાં અને વિષય સામે હોવા છતાં વિષય દેખાતો નથી. કાન સાબદા હોય તો પણ વક્તાએ શું કહ્યું ? તેનો ખ્યાલ રહેતો નથી. માટે ઈન્દ્રિયો પોતે