________________
૧૭૬ ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ રીતે ભૂતગત-ચેતનામાં પણ આ વાત સમાન છે. જે તમે એમ કહો છો કે “ભૂતોના સમુદાય માત્રમાં ચેતના દેખાય છે માટે ચેતના એ ભૂતોનો ધર્મ છે. આ તમારો પ્રત્યક્ષ દેખાતો અનુભવ પણ “આત્મ તત્ત્વસાધક અનુમાન વડે બાધિત થાય છે. માટે તમારો આ અનુભવ ખોટો છે. તે આ પ્રમાણે -
જેમ ભૂમિમાં બીજ વાવવામાં ન આવ્યું હોય તો પૃથ્વી-પાણી વગેરે હોવા છતાં વિવક્ષિત વનસ્પતિ ઉત્પન્ન થતી નથી. તે જ રીતે ચારે ભૂતોના બનેલા શરીરમાં જો આત્મતત્ત્વ ન હોય તો એટલે કે મૃત શરીરમાં ચેતના જણાતી નથી. માટે ચેતના આત્માની સાથે અન્વય વ્યતિરેક સંબંધવાળી છે. પરંતુ ભૂતોની સાથે અન્વય વ્યતિરેક સંબંધવાળી નથી, માટે ચેતના એ આત્માનો ધર્મ છે પરંતુ ભૂતોનો ધર્મ નથી. જો તમે અમારી સમજાવેલી વાત નહી સ્વીકારો અને ચેતના એ પ્રત્યેક ભૂતોનો જ ધર્મ છે. આમ માનશો તો તમને જ પ્રત્યક્ષ વિરોધ દોષ આવશે. તે આ પ્રમાણે -
રેતીના કણોમાં જેમ તેલ નથી પણ તેલનો અભાવ છે. તેની જેમ પ્રત્યેક ભૂતોમાં ચેતના નથી પણ ચેતનાનો અભાવ જ સાક્ષાત્ જણાય છે. તેથી “પ્રત્યેક ભૂતોમાં ચેતના છે કેમકે સમુદાયમાં દેખાય છે” આવા પ્રકારનાં ગાણાં ગાવાં તે પ્રત્યક્ષથી સર્વથા વિરુદ્ધ છે. કારણ કે જીવના અભાવકાલે મૃત શરીરમાં ચેતના દેખાતી નથી. માટે ભૂતોમાં ચેતના માનવામાં તમને પ્રત્યક્ષવિરોધ આવશે. /૧૬૫૬/
પ્રશ્ન - જેમ બીજસાધકાનુમાન છે તેમ આત્મસાધનાનુમાન શું છે ? તે હવે જણાવે છે -
भूइंदियोवलद्धाणुसरणओ तेहिं भिन्नरूवस्स । चेया पंचगवक्खोवलद्धपुरिसस्स वा सरओ ॥१६५७॥ ( भूतेन्द्रियोपलब्धानुस्मरणतस्तेभ्यो भिन्नरूपस्य ।
चेतना पञ्चगवाक्षोपलब्धपुरुषस्येव स्मरतः ॥)
ગાથાર્થ - પાંચ ભૂતોની બનેલી ઈન્દ્રિયો દ્વારા જાણેલા વિષયનું પાછલા કાલે અનુસ્મરણ થતું હોવાથી ચેતના તે પંચ ભૂતાત્મક ઈન્દ્રિયોથી ભિન્ન સ્વરૂપવાળા (આત્મા નામના) પદાર્થનો ધર્મ છે. જેમ પાંચ બારીઓ દ્વારા જોનારો પુરુષ (બારીઓ બંધ થવા છતાં) જોયેલા વિષયનું અનુસ્મરણ કરતો હોવાથી બારીઓથી ભિન્ન છે તેમ અહીં સમજવું. ll૧૬૫૭ll
વિવેચન - નૈયાયિક-વૈશેષિક આદિ દર્શનકારોના મત પ્રમાણે પાંચે ઈન્દ્રિયો જુદા