________________
ગણધરવાદ ત્રીજા ગણધર - વાયુભૂતિ
૧૭૭ જુદા એક એક ભૂતની બનેલી છે. (જૈનદર્શન પ્રમાણે તો પાંચે ઈન્દ્રિયો દારિક વર્ગણાના પુગલોની બનેલી છે અને તે પાંચે ઈન્દ્રિયોમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ ગુણો છે જ. આ વાત જૈનદર્શનને અનુસાર જાણવી.) નૈયાયિક-વૈશેષિક આદિ દર્શનકારોનું માનવું છે કે સ્પર્શનેન્દ્રિય વાયુની બનેલી છે, રસનેન્દ્રિય જલની બનેલી છે, ઘ્રાણેન્દ્રિય પૃથ્વીની બનેલી છે, ચક્ષુરિન્દ્રિય તેજની બનેલી છે અને શ્રોત્રેન્દ્રિય આકાશની બનેલી છે. તેથી જ તે તે ઈન્દ્રિયો પોતપોતાના દ્રવ્યના અસાધારણ એક એક ગુણને જાણનારી છે. આ પ્રમાણે તે દર્શનકારોની માન્યતા છે.
ચેતના એ ભૂતોની બનેલી આ પાંચે ઈન્દ્રિયોથી ભિન્ન સ્વરૂપવાળા એવા કોઈક તત્ત્વનો (આત્મતત્ત્વનો) ધર્મ છે. પણ ભૂતોનો ધર્મ ચેતના નથી. કારણ કે ભૂતોની બનેલી ઈન્દ્રિયો દ્વારા જાણેલો વિષય ઈન્દ્રિયો ચાલી જાય તો પણ અથવા ઈન્દ્રિયોનો વ્યવહાર ન હોય તો પણ પાછલા કાલમાં અનુસ્મરણમાં આવે છે માટે ભૂતોની બનેલી ઈન્દ્રિયો પોતે તે તે વિષયને જાણનારી નથી. પરંતુ ઈન્દ્રિયો દ્વારા અંદર રહેલો કોઈક તે ઈન્દ્રિયોનો માલિક જાણનારો છે. જેમ જુદી જુદી પાંચ બારીઓથી જોયેલા જુદા જુદા વિષયો તે તે બારીઓ બંધ થયા પછી પણ જોનારા એવા દેવદત્તને સ્મરણમાં આવે જ છે અને સ્મરણમાં રહે જ છે. માટે બારીઓ જોનારી નથી, પણ બારીઓ દ્વારા બારીઓથી ભિન્ન એવો દેવદત્ત જોનારો છે. તેમ અહીં પણ સમજવું.
ભાવાર્થ આ પ્રમાણે છે - અનેક સાધન વડે જાણેલા અનેક વિષયનું જો એક જ વ્યક્તિ અનુસ્મરણ કરે, તો તે એક વ્યક્તિ, તે અનેક સાધનોથી ભિન્ન હોય છે. જેમકે પાંચ બારીઓ વડે જોયેલા અનેક વિષયોનું અનુસ્મરણ કરનાર દેવદત્ત જેમ બારીઓથી ભિન્ન પદાર્થ છે તેમ અહીં પણ સમજવું. અર્થાત્ પાંચ ઈન્દ્રિયો જાણનારી નથી પણ તેનાથી ભિન્ન એવો આત્મા જાણનારો છે. ભૂતાત્મક એવી પાંચ ઈન્દ્રિયસમુદાયથી જે પદાર્થ ભિન્ન નથી હોતો પણ અભિન્ન હોય છે તે જાણેલા અનેક વિષયોનું અનુસ્મરણ કરનાર એક પદાર્થ પણ નથી હોતો, પરંતુ અનેકરૂપ હોય છે. જેમકે શબ્દાદિને જાણનારું પાંચ ઈન્દ્રિયો દ્વારા થયેલું પાંચ પ્રકારનું મનોવિજ્ઞાનવિશેષ.
પાંચે ઈન્દ્રિયો દ્વારા થયેલાં પાંચ મનોવિજ્ઞાન ભિન્ન-ભિન્ન એક-એક વિષયને જાણનારાં છે. પરંતુ પાંચ વિષયોનું અનુસ્મરણ કરનાર એક જ્ઞાન નથી, જ્યારે અહીં દેવદત્તાદિ એક જ પુરુષ પાંચે ઈન્દ્રિયોના વિષયનું અનુસ્મરણ કરનાર છે. તેથી તે દેવદત્ત નામનો આત્મા ભૂતાત્મક ઈન્દ્રિયોથી ભિન્ન પદાર્થ છે અને તે જ જીવ છે. તે પાંચે બારીઓ દ્વારા પાંચ વિષયને જાણીને તેનું અનુસ્મરણ કરનારા એવા દેવદત્તને જો તે બારીઓથી