________________
૧૭૪ ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ નથી. કારણ કે તે ચેતના ભૂતોમાં જણાતી નથી પણ ભૂતથી અતિરિક્ત આત્મામાં જ જણાય છે માટે તમારો હેતુ અસિદ્ધ છે.
જો આ ચેતના ભૂતોનો જ ધર્મ હોત તો મૃતશરીરમાં પણ ભૂતો વિદ્યમાન હોવાથી ચેતના દેખાવી જોઈએ. કદાચ તમે એમ કહો કે ત્યારે ત્યાં વાયુનો અભાવ છે એટલે મૃતશરીરમાં ચેતના દેખાતી નથી, તો આ યુક્તિ પણ બરાબર નથી. મુખ પહોળું કરીને નળી દ્વારા એટલે નાની પ્લાસ્ટીકની પાઈપ દ્વારા વાયુ ઉમેરી શકાય છે. જ્યારે આવો વાયુ ઉમેરીએ ત્યારે પણ તે મૃતશરીરમાં ચેતના દેખાતી નથી. જો માત્ર વાયુના જ અભાવે ચેતના ન જણાતી હોય તો વાયુ તો ઉમેરી શકાય છે. તથાપિ ચેતના આવતી નથી. માટે આ દલીલ બરાબર નથી.
હવે કદાચ એમ કહો કે મૃતશરીરમાં તેજ દ્રવ્ય-અગ્નિદ્રવ્ય નથી. કારણ કે જીવંતશરીરમાં અગ્નિ-જઠરાગ્નિ-ગરમી હોય છે તે મૃતશરીરમાં નથી માટે મૃતશરીરમાં ચેતના દેખાતી નથી. તો ત્યાં પણ આ જ ઉત્તર છે કે નળી દ્વારા તે મૃતશરીરમાં અગ્નિનો પ્રક્ષેપ કરી શકાય છે. તો પણ મૃતશરીરમાં ચેતના દેખાતી નથી. શરીરનો અગ્નિસંસ્કાર કરતી વખતે આખા શરીરમાં અગ્નિ પ્રવેશ કરાવાય છે. છતાં તેમાં ચેતના આવતી નથી માટે આ દલીલ પણ બરાબર નથી.
હવે કદાચ એવી દલીલ કરવામાં આવે કે નળી દ્વારા વાયુનો અને અગ્નિનો મૃતશરીરમાં જે પ્રવેશ કરાવાય છે તે તો જગદ્વર્તી સામાન્ય વાયુનો અને સામાન્ય તેજનો પ્રવેશ કરાવાય, તેનાથી ચેતના ન આવે, પરંતુ શ્વાસોચ્છવાસ સ્વરૂપ જે પ્રાણવાયુ છે અને તૈજસશરીર સ્વરૂપ જે વિશિષ્ટ અગ્નિ છે તે બન્ને વિશિષ્ટ એવા તેજ અને વાયુ મૃતશરીરમાં નથી માટે ચેતના આવતી નથી તો તેનો ઉત્તર એ થયો કે પ્રાણવાયુ અને તૈજસશરીરાત્મક અગ્નિ, જીવદ્રવ્ય વિના હોતા જ નથી. જીવ હોય તો જ પ્રાણવાયુ બને અને તેજસશરીરરૂપ અગ્નિ બને. તેથી આત્મદ્રવ્યને છોડીને આવા વિશિષ્ટ તેજ-વાયુ સંભવતા જ નથી. આમ બીજી રીતે તમે આત્મદ્રવ્ય જ સ્વીકાર્યું કહેવાય. જીવ હોય તો જ તેના દ્વારા લેવાતા-મુકાતા વાયુને પ્રાણવાયુ કહેવાય તથા જીવ દ્વારા લેવાયેલા આહારને પકાવનાર અને જીવનું જ બનાવેલું તૈજસ શરીર હોય છે. આ રીતે આત્મદ્રવ્યને સ્વીકારવા સિવાય તે તેજ અને વાયુનું વિશિષ્ટપણું શું? કંઈ જ નહીં. માટે ભૂતોના બનેલા શરીરમાં જ શરીરથી ભિન્ન એવું આત્મા નામનું દ્રવ્ય છે. તેના જ શ્વાસવાયુ અને તૈજસાદિ ભાવો છે. એટલે બીજી રીતે પણ તમે જીવ જ સ્વીકાર્યો કહેવાય. ll૧૬૫૫