________________
૧૫૬
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
તથા જો આ પ્રમાણે કોઈ પણ કારણ વિના જ સ્થૂલશરીરોની ઉત્પત્તિ થતી હોય આકસ્મિક અને ગમે તે જીવને ગમે તેવા શરીરાદિની પ્રાપ્તિ થવાનો પ્રસંગ આવે પણ તે યુક્તિયુક્ત નથી. કારણ કે જે નિષ્કારણ બનતું હોય અને આકસ્મિક રીતે બનતું હોય તે આદિવાળું અને પ્રતિનિયત વ્યવસ્થિત આકારવાળું હોય નહીં. જેમકે “મેઘઘટા’” જેમ વિના કારણે વાદળો થાય છે અને આકસ્મિક રીતે થાય છે. તેથી વાદળોનો કોઈ પ્રતિનિયત વ્યવસ્થિત આકાર નથી તેવી રીતે સ્થૂલભોગ્ય શરીરોનું પણ જો કોઈ કારણ ન હોય અને અકસ્માત રીતે જ બનતાં હોય તો મનુષ્યની કુક્ષિએ મનુષ્યનો જ આકાર, પશુની કુક્ષિએ પશુનો જ આકાર, અને પક્ષીની કુક્ષિએ પક્ષીનો જ આકાર અને તે પણ સર્વે મનુષ્યોના શરીરમાં પોતપોતાના સ્થાને જ હાથ-પગ-આંખ-કાનની રચના, સર્વે પશુઓના શરીરમાં ચાર પગ, પુંછડું, શીંગડા આદિની યથાયોગ્ય યથાસ્થાને જ રચના અને સર્વ પક્ષીઓમાં પાંખો, ઉડવાનો વ્યવહાર, પાંખોને સંકોચવા-વિકસાવવાની કલા વગેરે પ્રતિનિયત જ આકારવાળું શરીર કેમ બને ? જેમાં કારણ ન હોય તે તો મેઘઘટાની જેમ અનિયતાકારવાળું બનવું જોઈએ. પણ ભોગ્યશરીરોની ઉત્પત્તિ તો આદિવાળી અને પ્રતિનિયતાકાર વાળી જ બને છે. તેથી તે રચના આકસ્મિક નથી. પરંતુ સર્વે પણ સ્થૂલભોગ્ય શરીરોની રચના “કર્મહેતુક” જ છે.
તથા સર્વે જીવોનાં શરીરો જાતિની અપેક્ષાએ સમાન અને વ્યક્તિની અપેક્ષાએ ભિન્નભિન્ન વર્ણાદિવાળાં બને છે. તેથી સમજાય છે કે “કર્મ” નામના ઉપકરણથી સહિત
એવા કર્તાભૂત આ જીવ વડે જ શરીરો બનાવાયાં છે. જેમ દંડ-ચક્રાદિ ઉપકરણવાળા કુંભાર વડે ઘટાદિ બનાવાય છે. તેમ કર્મ નામના ઉપકરણ સહિત જીવ વડે ગર્ભાવાસમાં આ સ્થૂલશરીર બનાવાય છે. કારણ કે સ્થૂલશરીરની રચના ગર્ભાવસ્થામાં જ થાય છે અને ત્યાં કર્મ સિવાય બીજું કોઈ ઉપકરણ સંભવતું નથી. માટે આ વાત ફરી ફરી અનેક રીતે સમજાવાઈ ગઈ છે.
(૩) હવે જો સ્વભાવને વસ્તુ ન માનવામાં આવે, અકારણતા ન માનવામાં આવે પરંતુ વસ્તુનો ધર્મ છે. આમ જો માનવામાં આવે તો શું આ સ્વભાવ આત્માનો ધર્મ છે કે જડ એવા પુદ્ગલદ્રવ્યનો ધર્મ છે ?
જો આત્માનો ધર્મ છે એમ કહો તો આત્મા અમૂર્ત હોવાથી તેના ધર્મભૂત એવો આ સ્વભાવ પણ વિજ્ઞાન આદિની જેમ અમૂર્ત જ થશે અને જે અમૂર્ત હોય છે તે આકાશાદિની જેમ મૂર્ત એવી શરીર-રચનાનું કારણ બનતું નથી. તેથી સ્વભાવ એ શરીરરચનાનું કારણ બનશે નહીં.