________________
ગણધરવાદ
૧૫૫.
બીજા ગણધર - અગ્નિભૂતિ (૧) જો સ્વભાવ એ એક પ્રકારની વસ્તુવિશેષ છે એમ કહેશો તો ઘટપટાદિની જેમ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી તે વસ્તુ જણાતી નથી. માટે તે વસ્તુ નથી. કારણ કે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી જે વસ્તુ ન જણાતી હોય છતાં તેવી સ્વભાવાત્મક કોઈ વસ્તુવિશેષ છે. આમ જ માનવાનો આગ્રહ રખાતો હોય તો તે કર્મતત્ત્વ છે એમ પણ કેમ નથી સ્વીકારાતું? “કર્મતત્ત્વ છે” આમ પણ માની લેવું જોઈએ. કારણ કે અમારા મતે તો કર્મતત્ત્વ સપ્રમાણ છે. પરંતુ તમારા અભિપ્રાયે કર્મતત્ત્વ માનવું એ પ્રમાણયુક્ત નથી. તો પ્રમાણ વિનાની એવી સ્વભાવ નામની વસ્તુવિશેષ પણ કેમ મનાય ? સારાંશ કે પ્રમાણોથી સિદ્ધ ન થતા એવા સ્વભાવને જો સ્વીકારો છો, તો તમારી દૃષ્ટિએ પ્રમાણોથી સિદ્ધ ન થતાં એવાં કર્મોને પણ કેમ ન સ્વીકારાય ?
વળી તમને પુછું કે આ સ્વભાવ નામની એક પ્રકારની વસ્તુવિશેષ છે. આમ તમે સ્વભાવને વસ્તુવિશેષ માની છે તો તે સ્વભાવ નામની વસ્તુ મૂર્તિ છે કે અમૂર્ત છે? તમે સ્વભાવને એક વસ્તુ અર્થાત્ એક પદાર્થ માન્યો છે. તો તે કાં તો વર્ણાદિ ગુણોવાળું મૂર્તદ્રવ્ય હોવું જોઈએ અથવા તો તે વર્ણાદિ ગુણો વિનાનું અમૂર્તદ્રવ્ય હોવું જોઈએ. કહો આ બે પ્રકારમાંથી સ્વભાવ નામનો પદાર્થ કેવો છે ?
જો “સ્વભાવ” નામનો જે આ પદાર્થ માન્યો છે તે મૂર્તિ છે એમ કહો તો અમે જેમ કર્મતત્ત્વને કારણ માન્યું છે અને તે મૂર્ત એવું પુદ્ગલ દ્રવ્ય છે એમ કહીએ છીએ. તેવી જ રીતે તમે સ્વભાવ નામનું મૂર્તદ્રવ્ય કારણ માન્યું. આખર તો બીજા નામે કર્મતત્ત્વ જ તમે સ્વીકાર્યું. હવે જો આ “સ્વભાવ” નામનો પદાર્થ અમૂર્ત છે આમ કહેશો તો તે સ્વભાવ અમૂર્ત હોવાથી અથવા ઉપકરણ વિનાનો પદાર્થ હોવાથી આકાશ જેમ કોઈનો કર્તા નથી તેમ આ સ્વભાવ પણ કોઈ પણ પર્યાયનો કર્તા થશે નહીં. સ્વભાવને અમૂર્ત માનીને તેનાથી સ્થૂલ ભોગ્ય શરીરાદિ બને છે એમ માનશો તો સ્વભાવ જે કારણ છે તે અમૂર્ત અને સ્કૂલ ભોગ્ય જે શરીરાદિ છે તે કાર્ય થશે. આમ થવાથી કારણ-કાર્ય અનુરૂપ ન હોવાથી આકાશાદિ અમૂર્ત પદાર્થથી જેમ ભોગ્ય શરીરાદિ બનતાં નથી તેમ અમૂર્ત એવા સ્વભાવથી પણ શરીરાદિ મૂર્ત કાર્ય ઘટશે નહીં. આ રીતે સ્વભાવ એ કોઈ પદાર્થવિશેષ એટલે કે વસ્તુવિશેષ હોય, તો તે ઘટતું નથી.
(૨) હવે જો “સ્વભાવ” ને અકારણતા માનવામાં આવે એટલે કે સ્થૂલ એવાં ભોગ્યશરીરો તેના કારણભૂત એવા કાર્મણ શરીર વિના જ ઉત્પન થાય છે. જો ખરેખર વિના કારણે અકસ્માત જ શરીરાદિની ઉત્પત્તિ થતી હોય તો અકારણતા = કારણાભાવ સર્વત્ર તુલ્ય હોવાથી સર્વ જીવોનાં સર્વ ભોગ્યશરીરોની ઉત્પત્તિ એકી સાથે બનવી જોઈએ.