________________
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૪૫
અચેતનતા કારણ છે. જીવમાં અચેતનતા નથી પરંતુ ચેતનતા છે. માટે જીવને અવશ્ય ઉપઘાત-અનુગ્રહ થાય છે. ૧૬૩૭।।
અહીં સુધી જે ઉત્તરો ભગવાને આપ્યા તે આત્મા અમૂર્ત છે. તેને અનુલક્ષીને આ ઉત્તરો આપ્યા છે. હવે ભગવાન જણાવે છે કે હે અગ્નિભૂતિ ! સંસારી એવો આ આત્મા સર્વથા અમૂર્ત પણ નથી. શરીરધારી હોવાથી શરીરની સાથે વ્યાપ્યો છતો કથંચિદ્ મૂર્ત પણ છે એ વાત જણાવતાં કહે છે કે
-
अहवा नेगंतोऽयं संसारी, सव्वहा अमुत्तोत्ति ।
जमणाइकम्मसंतइपरिणामावन्नरूवो सो ॥१६३८ ॥
(अथवा नैकान्तोऽयं, संसारी सर्वथाऽमूर्त इति । यदनादिकर्मसन्ततिपरिणामापन्नरूपः सः ॥ )
ગાથાર્થ - અથવા સંસારી જીવ સર્વથા અમૂર્ત છે. આવો એકાન્ત નથી. કારણ કે અનાદિકાળથી જ કર્મની પરંપરાની સાથે તરૂપે (કર્મ મૂર્ત હોવાથી મૂર્તરૂપે) પરિણામ પામેલો છે. ૧૬૩૮॥
વિવેચન - સંસારી સર્વે પણ જીવો લોઢા અને અગ્નિની જેમ કાર્મણશરીરની સાથે એટલે કે કર્મની સાથે એકમેકપણાને પામેલા છે. તેથી જેમ લોઢું કદાપિ દાહ કરતું નથી, અગ્નિ જ દાહ કરે છે. કારણ કે દાહ કરવો એ અગ્નિનો ધર્મ છે. છતાં અગ્નિથી વ્યાપ્ત થયેલો લોહ પણ દાહ કરે છે. એમ કહેવાય છે દૂધ અને વિષ સાથે મળ્યા છતાં દૂધ મારક નથી. વિષ જ માત્ર મારક છે. તો પણ વિષમિશ્રિત દૂધ પણ મારક બને છે. તે દૂધ પીવાતું નથી. તેમ આત્મા એકલો હોય, કર્મરહિત હોય, ભોગ્ય શરીરાદિથી પણ રહિત જ્યારે હોય ત્યારે ભલે અમૂર્ત છે, શુદ્ધ-બુદ્ધ છે. પરંતુ કર્મની સાથે ભળ્યો છતો તેની સાથેની એકમેકતાના પરિણામને જ્યારે પામેલો છે ત્યારે કર્મ મૂર્ત હોવાથી સંસારી કર્મવાળો આ આત્મા પણ મૂર્ત જ કહેવાય છે. તેથી પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ કહે છે કે -
અથવા સર્વે સંસારી જીવ સર્વથા અમૂર્ત જ હોય, આવો એકાન્ત નથી. કારણ કે આ જીવ અનાદિકાળથી જ કર્મની પરંપરાની સાથે તદ્રુપ પરિણતિને પામેલો છે. “અગ્નિ અને લોહ” ના ન્યાયે કર્મની સાથે આ આત્મા વ્યાપ્ત થયેલો છે. તેથી કર્મ જેવું મૂર્ત છે તેવા મૂર્ત રૂપને સહવાસના કારણે ઉપચારે પામેલો છે અને કર્મ મૂર્ત છે. માટે મૂર્ત એવા કર્મથી અભિન્ન હોવાના કારણે આ જીવ કથંચિત્ મૂર્ત પણ છે. આ કારણે મૂર્ત એવા