________________
૧૩૯
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ ન હોવાથી જીવને પ્રતિબંધક તત્ત્વ કોઈ ન હોવાથી ભવારગમન રહેશે નહીં એટલે મૃત્યુ બાદ મોક્ષપ્રાપ્તિ જ થશે. તથા પ્રતિસમયે નિગોદાદિ સર્વ ભવોને આશ્રયી અનંત અનંત જીવો મૃત્યુ પામતા હોવાથી તથા સર્વ જીવોને આયુષ્ય પૂર્ણ થાય ત્યારે મૃત્યુ નક્કી હોવાથી મૃત્યુ બાદ સર્વે જીવોની મુક્તિ થશે. તેથી આ સંસાર જીવ વિનાનો થશે. સંસારનો વિચ્છેદ અને સર્વ જીવોને મુક્તિની પ્રાપ્તિ આ પ્રથમદોષ આવશે.
ભૂલશરીરના ત્યાગ પછી એટલે કે મૃત્યુ પછી તે જીવ મોક્ષે ન જાય અને ભવાન્તર કરે તો સર્વથા શરીર વિનાના અશરીરી જીવોને ભવમાં રખડવાનું કેમ બને ? અને જો કર્મ જેવું કોઈ કારણ નથી છતાં પણ પુનર્જન્મ લેવાનો પ્રસંગ માનીએ તો આમ માનતાં કારણ વિના જ જીવોને જન્મ-મરણનો સંસાર લાગુ પાડવાની આપત્તિ આવે તથા મૃત્યુ બાદ ક્યાં જવું? કયા ભવમાં જવું? કેટલા વર્ષ ત્યાં જીવવું? રોગી થવું કે નિરોગી થવું? ઈત્યાદિ કોઈ વ્યવસ્થા રહેશે નહીં. વ્યવસ્થાપક તત્ત્વ જે કર્મતત્ત્વ છે. તે ન માનવાથી આખોય આ સંસાર નિષ્કારણ અને અવ્યવસ્થાવાળો થશે. આ બીજો દોષ આવશે.
તથા કર્મ વિના પણ પુનર્ભવ થતા હોય અને સ્કૂલશરીરમાંથી નીકળેલા જીવોને બીજું કોઈ શરીર ન હોવા છતાં પણ અશરીરી એવા તે જીવોને જો આ સંસારમાં ભટકવાનું બનતું હોય તો ભવમાંથી મુક્ત થયેલા સિદ્ધના જીવોને વિના કારણે પણ અકસ્માત્ ફરીથી જન્મ-જરા-મૃત્યુ-રોગ અને શોકાદિ ભરેલા આ સંસારની પ્રાપ્તિ થશે. તેઓને પણ સંસારમાં પડવાની આપત્તિ આવશે અને તેઓને પણ જન્મ-મરણની પરંપરા લાગુ પડશે. આ ત્રીજો દોષ આવશે.
તથા જો ભવમાંથી મોક્ષમાં ગયેલા જીવોને પણ સંસારમાં રખડવાનું બનતું હોય તો મોક્ષે જાઓ કે મોક્ષે ન જાઓ. આ બને સમાન જ થશે. કારણ કે ત્યાં જઈને પણ ફરી સંસારમાં આવવાનું જ છે. જન્મ-મરણાદિની પીડા ભોગવવાની જ છે. તો ત્યાં જઈને પણ શું કરવાનું? આવા વિચારોથી મોક્ષપ્રાપ્તિ પ્રત્યે અવિશ્વાસ આવશે અર્થાત્ કોઈ જીવો મોક્ષપ્રાપ્તિની ઈચ્છા રાખશે નહીં. આ ચોથો દોષ આવશે. હે અગ્નિભૂતિ ! કર્મતત્ત્વ નહીં માનવામાં આવા અનેકદોષો આવશે. I૧૬૩૪
मुत्तस्सामुत्तिमया, जीवेण कहं हवेज संबंधो? । सोम्म ! घडस्स व्व, नभसा जह वा दव्वस्स किरियाए ॥१६३५॥ ( मूर्तस्यामूर्तिमता, जीवेन कथं भवेत् सम्बन्धः? ।
सौम्य ! घटस्येव नभसा यथा वा द्रव्यस्य क्रियया ॥)