________________
૧૨૬
બીજા ગણધર - અગ્નિભૂતિ
आह नणु मुत्तमेवं, मुत्तं चिय कज्जमुत्तिमत्ताओ ।
इह जह मुत्तत्तणओ, घडस्स परमाणवो मुत्ता ॥ १६२५ ॥
( आह ननु मूर्तमेवं, मूर्तमेव कार्यमूर्तिमत्त्वात् ।
इह यथा मूर्तत्वतो, घटस्य परमाणवो मूर्ताः ॥ )
ગણધરવાદ
=
ગાથાર્થ - આ પ્રમાણે તો કર્મ મૂર્ત સિદ્ધ થશે. ઉત્તર કાર્ય મૂર્ત હોવાથી કર્મ મૂર્ત જ છે. જેમ ઘટકાર્ય મૂર્ત હોવાથી કારણભૂત પરમાણુઓ પણ મૂર્ત જ છે. ૧૬૨૫
વિવેચન - અગ્નિભૂતિ હવે નીચે જણાવાતો પ્રશ્ન જ્યારે કરે છે ત્યારે તેઓ મૂર્ત અને અમૂર્તના સાચા અર્થને જાણતા નથી તેથી તે આવા પ્રકારનો પ્રશ્ન કરે છે અથવા મૂર્ત અને અમૂર્તનો સાચો અર્થ શું છે તે સમજાવવા માટે ગ્રંથકારશ્રી શિષ્ય પાસે આવો પ્રશ્ન કરાવે છે કે -
પુણ્યાત્મક કર્મથી સુંદર શરીર, સુંદર ઈન્દ્રિયો અને સુંદર ધન-વૈભવાદિ જો મળે છે અને પાપાત્મક કર્મથી અસુંદર શરીર, અસુંદર (ખોડખાંપણવાળી) ઈન્દ્રિયો અને નિર્ધનતા-જર્જરિત ગૃહાદિ જો મળે છે. તો ફળસ્વરૂપે પ્રાપ્ત થયેલાં શરીર-ઈન્દ્રિયો અને ધનવૈભવ આદિ પદાર્થો મૂર્ત છે (ચક્ષુગોચર છે. આંખે દેખાય છે) તો તેનું કારણ માનેલું કર્મ પણ મૂર્ત જ હોવું જોઈએ. (ચક્ષુગોચર હોવું જોઈએ-આંખે દેખાવું જોઈએ) જેનું કાર્ય મૂર્ત તેનું કારણ પણ મૂર્ત જ હોય છે. જેમકે ઘર એ મૂર્ત છે (ચક્ષુગોચર છે) તો તેના કારણભૂત ઈટ-ચૂનો-લોખંડ-લાકડું વગેરે પદાર્થો પણ મૂર્ત જ છે. (ચક્ષુગોચર જ છે) તેમ કર્મ પણ મૂર્ત જ ચક્ષુગોચર સિદ્ધ થશે અને તે દેખાતું તો નથી. તો આ કેમ ઘટે ? આવો પ્રશ્ન કોઈક કરે છે.
મૂર્ત-અમૂર્ત શબ્દના વ્યવહારનય અને નિશ્ચયનયથી જુદા જુદા અર્થ છે. ચક્ષુથી દેખાય તે મૂર્ત અને ચક્ષુથી ન દેખાય તે અમૂર્ત આ અર્થ વ્યવહારનયને આશ્રયી છે. કારણ કે વ્યવહારી જીવો દેખાતા ને મૂર્ત અને ન દેખાતાને અમૂર્ત સમજે છે. વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ જેમાં હોય તે મૂર્ત અને વર્ણાદિ ગુણો જેમાં ન હોય તે અમૂર્ત આ અર્થ નિશ્ચયનયને આશ્રયી છે. પ્રશ્ન કરનાર શિષ્ય આવા વ્યવહાર-નિશ્ચયનયજન્ય અર્થને ન જાણતા હોય તે રીતે વ્યવહારનયના અર્થને જ લક્ષ્યમાં રાખીને આ પ્રશ્ન કરે છે. ચક્ષુથી દેખાય તે મૂર્ત અને ચક્ષુથી ન દેખાય તે અમૂર્ત. આ અર્થનું જ મનમાં રટન રાખીને શિષ્ય પ્રશ્ન કરે છે કે શરીરાદિ મૂર્ત (ચક્ષુગોચર) છે તો તેના કારણભૂત કર્મ પણ મૂર્ત (ચક્ષુગોચર) હોવું જોઈએ. તેથી જો કર્મ કારણ હોય તો તે કર્મ દેખાવું જોઈએ. પરંતુ મૂર્ત-અમૂર્ત શબ્દનો