________________
ગણધરવાદ
૧ ૨૫
બીજા ગણધર - અગ્નિભૂતિ (अथवा फलात् कर्म, कार्यत्वतः प्रसाधितं पूर्वम् ।
परमाणवो घटस्येव क्रियाणां तत् फलं भिन्नम् ॥)
ગાથાર્થ - અથવા ફળવિશેષની પ્રાપ્તિ સ્વરૂપ કાર્ય દ્વારા કર્મ પહેલાં (૧૬ ૧૩ માં) સિદ્ધ કર્યું જ છે. જેમ ઘટાત્મક કાર્યના કારણભૂત પરમાણુઓ હોય છે તેમ, આ રીતે ક્રિયાનું ફળ (કર્મ) કંઈક ભિન્ન છે. /૧૬૨૪l
વિવેચન - એક સરખી સમાન ખેતી કરનારાઓમાં કોઈકને ધાન્યપ્રાપ્તિ થાય છે અને કોઈકને ધાન્યની પ્રાપ્તિ થતી નથી. એકસરખી સમાન વસ્તુનો વેપાર સાથે શરૂ કરનારા જીવોમાં પણ એકને ગરાગી જામે છે, અર્થપ્રાપ્તિ થાય છે અને બીજાને ગરાગી જામતી નથી, અર્થપ્રાપ્તિ થતી નથી. આમ સમાન સાધન-સામગ્રીવાળા જીવોમાં પણ જે ફળની વિશેષતા દેખાય છે, ફળભેદ જણાય છે તે ફળભેદ કારણ વિના સંભવતો નથી. તે ફળભેદની પાછળ પણ કોઈક કારણ છે. જે આ કારણ છે તે જ “પુણ્ય-પાપ રૂપ કર્મતત્ત્વ છે. જેમ પરમાણુ સૂક્ષ્મ હોવાથી જગતમાં દેખાતા નથી. પરંતુ તે પરમાણુઓનો બનેલો (કાર્યભૂત) એવો ઘટ અવશ્ય દેખાય છે. હવે જો ન દેખાતા એવા પરમાણુઓ આ સંસારમાં હોત જ નહીં તો આ ઘટ બનત શેનો ? એટલે કે ઘટાત્મક કાર્ય પણ ન જ થાત. પરંતુ ઘટાત્મક કાર્ય થાય છે. માટે તેના કારણભૂત પરમાણુ ભલે અદેશ્ય હોય, ચક્ષુથી દેખાતા ન હોય તો પણ તે અવશ્ય છે જ. તેવી રીતે ધાન્યાદિની પ્રાપ્તિરૂપ દશ્ય ફળમાં ભેદવિશેષ પ્રત્યક્ષ દેખાય જ છે. તેથી તેના કારણભૂત પુણ્ય-પાપ સ્વરૂપ અદેશ્ય એવું કર્મતત્ત્વ અવશ્ય છે જ. આમ સ્વીકારવું જોઈએ. આ વાત અમે ૧૬ ૧૩ માં કહી ગયા છીએ.
શુભાશુભ ક્રિયાઓથી કર્મ બંધાય છે. માટે શુભાશુભ ક્રિયા એ કર્મબંધનું નિમિત્ત કારણ છે અને પુણ્યબંધ-પાપબંધરૂપ કર્મતત્ત્વ એ શુભાશુભ ક્રિયાઓનું કાર્ય છે. કારણથી કાર્ય સદા કથંચિ ભિન્ન હોય છે. જેમ તુરી-વેમાદિ અને પટ, દંડ-ચક્રાદિ અને ઘટ, તેમ ક્રિયાથી કર્મ કથંચિત્ ભિન્ન છે. આમ જાણવું જોઈએ.
શુભાશુભ ક્રિયાઓથી પુણ્ય-પાપરૂપ કર્મબંધ થાય છે અને બંધાયેલા તે પુણ્ય પાપકર્મના વિપાકોદયથી સુખ-દુઃખની પ્રાપ્તિ થાય છે અને તે કારણથી જીવ સુખી-દુઃખી થાય છે. શુભક્રિયા કરનારા, પુણ્યનો બંધ કરનારા, સુખી જીવો અલ્પ અને અશુભ ક્રિયા કરનારા, પાપકર્મનો બંધ કરનારા અને દુઃખી જીવો સદા બહુ હોય છે. /૧૬૨૪ો