________________
૧૦૪
બીજા ગણધર - અગ્નિભૂતિ
अत्थि सुहदुक्खहेऊ कज्जाओ बीयमंकुरस्सेव । सो दिट्ठो चेव मई, वभिचाराओ न तं जुत्तं ॥१६१२॥
(अस्ति सुखदुःखहेतुः कार्यात् बीजमङ्कुरस्येव ।
स दृष्टश्चैव मतिर्व्यभिचाराद् न तद् युक्तम् ॥)
ગણધરવાદ
ગાથાર્થ - જેમ અંકુરાનું કારણ બીજ છે. તેમ સુખ અને દુઃખ એ કાર્ય હોવાથી તેનું કારણ કર્મ છે. કદાચ તમારી એવી મતિ થાય સુખ-દુઃખનો તે હેતુ દૃષ્ટ-પ્રત્યક્ષ દેખાતી વસ્તુને જ માની લઈએ તો શું દોષ ? તો ત્યાં વ્યભિચાર દોષ હોવાથી તે બરાબર નથી. ૧૬૧૨॥
વિવેચન - આનંદ-પ્રમોદ થવો એ સુખનો અનુભવ અને શોક-પીડા વગેરે થવાં તે દુઃખનો અનુભવ છે. સંસારી જીવોમાં આવા પ્રકારનાં સુખ-દુઃખોનો અનુભવ થતો જ હોય છે. આ વાત આ-બાલ-ગોપાલમાં જાણીતી છે. પ્રત્યેક પ્રાણીમાં અનુભવ સિદ્ધ-પ્રસિદ્ધ એવા આ સુખ અને દુઃખનું કોઈક ને કોઈક કારણ હોવું જોઈએ. કેમકે સુખ અને દુઃખ એ એક પ્રકારનું કાર્ય છે. જે જે કાર્ય હોય છે તેનું અવશ્ય કોઈને કોઈ કારણ હોય જ છે. જેમકે અંકુરા જે ઉગે છે તેનું કારણ બીજ છે. એવી રીતે સુખ અને દુઃખનું જે કારણ છે તે જ પુણ્ય-પાપના નામે કર્મ છે. તેથી ‘‘તદ્ અસ્તિ’’ તે કર્મ છે જ.
પ્રશ્ન - કદાચ તમને મનમાં આવો પ્રશ્ન થાય કે સુખનું કારણ ફુલની માળા, ચંદન, સ્ત્રી આદિ પ્રત્યક્ષ નજરે દેખાતી ભોગ્ય વસ્તુઓ જ છે અને દુઃખનું કારણ સર્પ-વિષ તથા કાંટા વગેરે દૃશ્યમાન એવી સામગ્રી જ છે. આમ પ્રત્યક્ષ દેખાતી સામગ્રીને જ સુખ અને દુઃખનું કારણ માની લઈએ તો શું દોષ ? શા માટે અદૃષ્ટ એવા કર્મને સુખ-દુઃખનું કારણ માનવું ? જ્યાં સુધી પ્રત્યક્ષ દૃષ્ટ એવું કારણ સંભવતું હોય ત્યાં સુધી અદૃષ્ટ કારણની કલ્પના કરવાની જરૂર શું ? દૃષ્ટકારણને છોડીને અર્દષ્ટકારણની કલ્પના કરવી તે ઉચિત નથી. આમ કરવાથી સર્વત્ર આમ જ માનવું પડે તેથી અતિપ્રસંગ દોષ આવે. માટે સુખદુઃખનું કારણ કર્મ નથી પણ બાહ્ય સામગ્રી માત્ર જ કારણ છે. આવો પ્રશ્ન હે અગ્નિભૂતિ ! તમને થાય તો તે યુક્ત નથી.
ઉત્તર
ઉપરોક્ત પ્રશ્નના ઉત્તરમાં જાણવું કે દૃષ્ટને કારણ માનવામાં વ્યભિચાર દોષ આવે છે. માટે દૃષ્ટને કારણ માનવું ઉચિત નથી. આ વ્યભિચારદોષ કેવી રીતે આવે છે તે વાત આગલી ગાથામાં જ સમજાવે છે. ૧૬૧૨॥
-