________________
ગણધરવાદ બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૦૩ તો પણ ભૂમિમાં બીજ વાવેલું છે એમ માનવું જ પડે છે. કારણ કે જો બીજ વવાયું જ ન હોત તો તેના કાર્યસ્વરૂપે પ્રગટ થયેલા અંકુરા હાલ જે પ્રત્યક્ષ દેખાય છે તે ન હોત. પરંતુ અંકુરા દેખાય છે તો અવશ્ય બીજ કોઈએ વાવેલું છે જ. તેમ સંસારી જીવોમાં કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ અતિશય સુખી અને કોઈ અતિશય દુઃખી પ્રત્યક્ષ દેખાય છે. તેથી પ્રગટ થયેલા સુખ-દુઃખના અનુભવ સ્વરૂપ કાર્યનું કોઈક કારણ અવશ્ય હોવું જોઈએ, જે કારણ છે તે જ કર્મ છે. આમ તમારા જેવા છઘસ્થ જીવો માટે અનુમાન પ્રમાણનો વિષય આ કર્મતત્ત્વ છે અને સર્વજ્ઞ આત્માઓને માટે આ કર્મતત્ત્વ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય છે હું સર્વજ્ઞ છું તેથી મને પ્રત્યક્ષ છે.
પ્રશ્ન - અગ્નિભૂતિ ભગવાનને પ્રશ્ન કરે છે કે જો કર્મ તમને પ્રત્યક્ષ દેખાય છે અને જો સાચેસાચ તે કર્મ છે જ. તો મને કેમ પ્રત્યક્ષ દેખાતું નથી ? જો કર્મ જેવી કોઈ વસ્તુ હોય અને તમને દેખાતી હોય તો મને પણ દેખાવી જોઈએ. જેમ સામે પડેલ ઘટ-પટ તમને દેખાય છે તો મને પણ દેખાય જ છે.
ઉત્તર - તમારો આ પ્રશ્ન ઉચિત નથી. જે પદાર્થ એકને પ્રત્યક્ષ દેખાય તે પદાર્થ બીજાને પણ પ્રત્યક્ષ દેખાય જ એવો નિયમ નથી. જંગલ અને સરોવરમાં જ રહેનાર સિંહ સરભ અને હંસ જેવા પ્રાણીઓ ત્યાં વસવાટ કરનારાને જ પ્રત્યક્ષ હોય છે. સર્વને પ્રત્યક્ષ હોતા નથી. નાના નાના બાલજીવોમાં પણ આ વાત જાણીતી છે. નાયગરાનો ધોધ કેનેડા અને અમેરિકા નહી ગયેલાને પ્રત્યક્ષ નથી. આગ્રાનો તાજમહેલ આગ્રા નહીં ગયેલાને પ્રત્યક્ષ નથી. રાણકપુર અને આબુનાં જૈન મંદિરો ત્યાં નહી ગયેલાને પ્રત્યક્ષ નથી. છતાં તે તે પદાર્થો જગતમાં નથી એમ નહીં પરંતુ અવશ્ય છે જ. તેની જેમ આ કર્મતત્ત્વ પણ અવશ્ય છે જ, મને પ્રત્યક્ષ દેખાય છે. જેમાં તમારા સંશયને મેં જાણ્યો તેમ કર્મ પણ મને સાક્ષાત્ દેખાય છે.
એવો પ્રશ્ન પણ ન કરવો કે “તમે સર્વજ્ઞ જ છો” આવો વિશ્વાસ મને કેમ થાય? તમારી સર્વજ્ઞતા મને માન્ય નથી આમ ન કહેવું. કારણ “દ સંધ્યાત્તિ ને સત્રસંશયછે” (૧૫૭૯) ઈત્યાદિ ગાથાઓમાં ઈન્દ્રભૂતિના પ્રસંગે પૂર્વે જ સમજાવાઈ ગયું છે. તથા એકલા એકલા છુટા છુટા જગતમાં પડેલા પરમાણુઓ ઈન્દ્રિયગોચર થતા નથી. પણ તે સર્વેનો સમૂહ મળીને ઘટ-પટાત્મક જે કાર્ય થાય છે તે ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ થાય છે. તેથી પરમાણુઓ જેમ કાર્યના પ્રત્યક્ષથી પ્રત્યક્ષ કહેવાય છે તેમ કર્મનું કાર્ય જે સુખ-દુઃખનો અનુભવ થવો તે છે, તે કાર્ય પ્રત્યક્ષ જણાય છે. માટે કાર્ય દ્વારા તેના કારણભૂત કર્મ તમને પણ કથંચિત્ પ્રત્યક્ષ છે. તે વધારે સ્પષ્ટ આગળ આવતી ગાથામાં સમજાવે છે. ૧૬૧૧.