________________
ગણધરવાદ
૧૦૧
બીજા ગણધર - અગ્નિભૂતિ ગાથાર્થ - હે અગ્નિભૂતિ ! તમને કર્મને વિષે સંદેહ છે. તે કર્મ પ્રત્યક્ષાદિ પ્રમાણજ્ઞાનોનો અવિષય છે. પરંતુ તમે સંદેહ ન કરો. તમને પણ તે કર્મ અનુમાનસાધનવાળું છે. જે કર્મ સુખ-દુઃખના અનુભવરૂપ ફળવાળું છે. ll૧૬૧૧/l
વિવેચન - અગ્નિભૂતિએ પરમાત્માને કંઈ પૂછવું જ નથી, મનમાં અનેક વિચારોમાં તે પ્રવર્તે છે. તે અગ્નિભૂતિ કંઈ બોલે તે પહેલાં જ ત્યાં પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ કહે છે કે હે આયુષ્યમાન્ અગ્નિભૂતિ ! જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મરૂપે પરિણામ પામનારા એવા મૂળભૂત કાર્મણવર્ગણાના પરમાણુઓનો જે સમૂહ છે તે આ આત્મા વડે મિથ્યાત્વાદિ હેતુઓ દ્વારા ગ્રહણ કરાયો છતો ભાવિમાં દુઃખ-સુખાદિ ફળ આપવા સ્વરૂપે કર્મરૂપે પરિણામ પામે છે તે કર્મને વિષે “આવું કર્મ છે કે નથી” આમ તમને સંદેહ છે. આવો સંદેહ થવાનું મુખ્ય કારણ એ છે કે તે કર્મ પ્રત્યક્ષ અને અનુમાનથી જાણી શકાતું નથી. ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ દેખાતું નથી. કર્મને સિદ્ધ કરે એવું નિર્દોષ અનુમાન તમારી દૃષ્ટિએ કોઈ સંભવતું નથી, તેથી અનુમાનગોચર પણ નથી. વળી કોઈ સર્વજ્ઞ નથી કે જેને આપ્તપુરુષ માની તેનું વચન સ્વીકારી શકાય. હાલ જે આગમશાસ્ત્રો, વેદ-પુરાણ આદિ મળે છે તેમાં કોઈકમાં કર્મ છે એમ કહે છે અને કોઈકમાં કર્મ નથી એમ કહે છે. આમ પરસ્પર વિરુદ્ધ વચનો હોવાથી કર્મ આગમપ્રમાણથી પણ ગમ્ય નથી. આથી પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણભૂત જે જ્ઞાન છે તે જ્ઞાનના વિષયમાં કર્મ જણાતું નથી. માટે તમે કર્મનો સંદેહ કરો છો.
(૧) કર્મ પ્રત્યક્ષપ્રમાણથી ગોચર નથી. કારણ કે પ્રત્યક્ષપ્રમાણ પાંચ બાધેન્દ્રિયો અને એક મન એમ છ ઈન્દ્રિયોથી થતું જે સાક્ષાત્ જ્ઞાન થાય છે તે જ છે અને તેવા પ્રત્યક્ષથી કર્મ જણાતું નથી. માટે ખરશૃંગની જેમ ઈન્દ્રિયગ્રાહ્ય ન હોવાથી નથી. જેમ ગધેડાનાં શીંગડાં કોઈ ઈન્દ્રિયોથી જણાતાં નથી માટે નથી જ. તેમ કર્મ પણ ઈન્દ્રિયોથી દેખાતું જણાતું નથી માટે નથી.
(૨) કર્મ અનુમાનપ્રમાણથી પણ ગ્રાહ્ય નથી કારણ કે જે સાધ્ય અને સાધન તથા તે બન્નેની વ્યાપ્તિ (સહચારત્વ) પૂર્વકાલમાં નજરોનજર પ્રત્યક્ષ કર્યું હોય તો જ હેતુ દેખવાથી સાધ્યનું અનુમાન થઈ શકે છે. અહીં પૂર્વકાલમાં કર્મ કે કર્મને સિદ્ધ કરે તેવો હેતુ સાક્ષાત્ નજરોનજર ક્યારેય જોયો જ નથી કે જેથી અનુમાન દ્વારા કર્મની સિદ્ધિ થાય. જો તે બન્ને પૂર્વકાલમાં ક્યારેય એકવાર પણ સાક્ષાત્ જોયેલાં હોય તો તો પ્રત્યક્ષગ્રાહ્ય જ થઈ ગયાં, અનુમાન કરવાનું રહેતું જ નથી. આવી વ્યાપ્તિ ક્યારેય જોઈ નથી તેથી અનુમાન થતું નથી. માટે કર્મતત્ત્વ અનુમાનગ્રાહ્ય પણ નથી.