________________
બીજા ગણધર - અગ્નિભૂતિ
आभट्ठो य जिणेणं, जाइ-जरा-मरणविप्पमुक्केणं । नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१६०९ ॥
ગણધરવાદ
(आभाषितश्च जिनेन, जाति जरा मरणविप्रमुक्तेन । नाम्ना च गोत्रेण च सर्वज्ञेन सर्वदर्शिना ॥ )
22
ગાથાર્થ - - જન્મ-જરા અને મૃત્યુથી રહિત, સર્વજ્ઞ અને સર્વદર્શી એવા જિનેશ્વરપ્રભુ શ્રી મહાવીર પરમાત્માએ અગ્નિભૂતિને નામથી અને ગોત્રથી બોલાવ્યા. ૧૬૦૯।।
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ જન્મ-જરા અને મૃત્યુને જિતનારા બન્યા હોવાથી આવા પ્રકારની સર્વ સંસારી જીવોને લાગેલી ત્રણે પ્રકારની દુઃખદાયી એવી ઉપાધિમાંથી મુક્ત બનેલા છે. ત્રણે કાલના, ત્રણે લોકના, સર્વદ્રવ્યોના સર્વપર્યાયોને જોવાવાળા અને જાણવાવાળા બનેલા છે. તેવા શ્રી મહાવીરપ્રભુએ (આ અગ્નિભૂતિના જીવની કલ્યાણપ્રાપ્તિની ભવિતવ્યતા બરાબર પાકી ચૂકી છે એવું કેવલજ્ઞાન અને કેવલદર્શન વડે જોવા અને જાણવાના કારણે) અગ્નિભૂતિ એવા નામથી અને ગૌતમગોત્રવાળા એવા ગોત્રથી વાત્સલ્ય ભરેલી અમૃત જેવી મીઠી વાણીથી બોલાવ્યા. કે હે ગૌતમગોત્રીય અગ્નિભૂતિ ! તમે ભલે આવ્યા. આગળ આગળ ભગવાન કંઈ બોલે તે પહેલાં નામથી અને ગોત્રથી ભગવાને બોલાવ્યા ત્યારે જ તેના મનમાં આવા પ્રકારની ચિંતા થઈ કે શું આ શ્રમણ મારું નામ પણ (મેં કહ્યા વિના જ) જાણે છે ? તરત જ પોતે જ પોતાના મનને પ્રત્યુત્તર પણ આપે છે કે “હું તો સર્વ વિશ્વમાં પ્રખ્યાત છું. મને આ સંસારમાં કોણ ન જાણે ? મારું નામ માત્ર તે શ્રમણ બોલે તેથી મને કંઈ આશ્ચર્ય ન થાય. તેમના ઉપર અહોભાવ કંઈ ન ઉપજે. પરંતુ જો મારા હૃદયમાં રહેલી શંકા (હૃદયગત સંદેહ) જાણી જાય અને મારા પૂછ્યા વિના જ યથોચિત સુંદર ઉત્તર આપીને તે શંકા દૂર કરે તો હજુ મને કંઈક આશ્ચર્ય થાય. તેમના પ્રત્યે દ્વેષને બદલે સદ્ભાવવાળો ભાવ ઉપજે. આવા પ્રકારના વિચારો મનમાં ચાલી રહ્યા છે. કલ્યાણની પ્રાપ્તિ નિકટ કાલમાં જ થવાની છે. તેથી ભગવાનને જોતાં જ ક્રોધ, ઈર્ષ્યા અને અહંકાર ઢીલા પડતા જાય છે. કષાયો આપોઆપ ઓગળતા જાય છે. ભગવાન પણ વિના પૂછે સમજાવે છે. તેઓશ્રીની પૂછ્યા વિના નીકળતી સંદેહભંજક અમૃતવાણીથી હૃદય પલટાતું જાય છે. આ જ વાત ગ્રંથકારશ્રી હવે પછીની ગાથામાં કહે છે. ૧૬૦૯॥
૧. મૂલગાથામાં છેલ્લો ં શબ્દ વાક્યાલંકારમાં છે તથા સવ્વન્દૂ અને સવ્વરિસી શબ્દો લુપ્તતૃતીયાન્ત (એકવચન) હોય એમ લાગે છે.