________________
આગમ-કથાઓ
88
નવનિધાન; આ બધું જ હોવા છતાં ચક્રવર્તી એકલો, અસહાય બની મૃત્યુ આવતાં નરકમાં ચાલ્યો જાય છે. અર્થાત્ આ બધા જ પદાર્થ મૃત્યુ અને દુઃખોથી બચાવી શકતા નથી. આ રીતે જેનું કોઈ રક્ષક નથી તે સર્વ અનાથ છે.
(૨) સંયમ ધર્મ સ્વીકાર કરનાર માણસ સનાથ હોય છે. ધર્મ તેને દુઃખમાં પણ સુખી રહેવાની પ્રેરણા કરે છે. મૃત્યુ સમયે પણ મહોત્સવ જેવા આનંદનો અનુભવ કરાવે છે અને અંતમાં દુર્ગતિમાં જવા દેતો નથી. તેથી આવો સંયમધર્મ યુક્ત આત્મા સનાથ બને છે. માટે હે રાજન્ ! હવે તો હું સનાથ થઈ ગયો છું.
(૩) કેટલીક વ્યક્તિઓ સંયમ સ્વીકાર કરવા છતાં પણ અનાથ હોય તે બીજા પ્રકારની અનાથતા છે. એટલે કે સંયમધારણ કર્યા પછી પણ કેટલાક સાધક આત્માને દુર્ગતિથી બચાવી શકતા નથી. જેમ કે– ૧. જે મહાવ્રતોનું સમ્યક્ પ્રકારે પાલન કરતો નથી. ૨. મન, ઇન્દ્રિય અને કષાયનો નિગ્રહ કરતો નથી. ૩. ૨સોમાં આસક્ત રહે છે. ૪. ચાલવા, બોલવા, ગવેષણા કરવામાં પણ સંયમની મર્યાદાઓ છે, તેનું ધ્યાન રાખીને પાલન કરતો નથી અર્થાત્ સમિતિ, ગુપ્તિનું સમ્યક્ પ્રકારે પાલન કરતો નથી. ૫. જે લોકોને ભૂત–ભવિષ્યના નિમિત્ત કહે છે; રેખા, લક્ષણ, સ્વપ્ન આદિનું ફળ બતાવે છે; વિદ્યામંત્રથી ચમત્કાર બતાવે છે; સાવધ અનુષ્ઠાનોમાં અને ગૃહકાર્યોમાં ભાગ લે છે. ૬. જે ઔદેશિક ખાદ્ય પદાર્થ આદિ લે છે અથવા એષણીય–અનેષણીય જે મળે તે લે છે.
આ રીતે જે સ્વીકૃત ઉત્તમ સંયમની વિરાધના કરે છે, તે પણ અનાથ છે. એટલે કે જેનો સંયમ દૂષિત બની જાય છે તે દુર્ગતિથી બચી શકતો નથી. તેથી સાધુ થવા છતાં તે અનાથ છે.
સૂત્રમાં આવા સાધુની નગ્નતા, મુંડન આદિ વૃતિઓને મોક્ષમાર્ગની સાધનામાં મહત્વહીન નિરર્થક બતાવી છે. કાચના ટુકડાની સમાન ખોટી બતાવી છે. એવા સંયમચ્યુત સાધકોને બન્ને લોકમાં સંક્લેશ પ્રાપ્ત કરનારા અને કર્મક્ષય નહીં કરનારા બતાવ્યા છે.
જે રીતે વિષ પીવું, ઉલ્ટું શસ્ત્ર ગ્રહણ કરવું અને અવિધિથી યક્ષને(દેવને) સાધવો દુઃખદાયી નીવડે છે; તે જ રીતે સંયમની વિધિથી વિપરીત આચરણ તે સાધકનું હિત કરી શકતું નથી.
આ પ્રમાણે ધર્મનો સ્વીકાર કરવો તે પહેલી સનાથતા છે અને સંયમ ગ્રહણ કર્યા પછી જિનાજ્ઞાનું પ્રામાણિકપણે યથાર્થ પાલન કરવું બીજી સનાથતા છે. બન્ને પ્રકારની સનાથતા ધારણ ર્યા પછી જ જીવન સફળ અને આરાધક બને છે.
એકવીસમું અધ્યયન : સમુદ્રપાલમુનિ
પ્રાસંગિક =
જૈન દર્શનના જાણકાર(પારંગત) પાલિત શ્રાવકને સમુદ્રપાળ નામનો પુત્ર હતો. એક વખત સમુદ્રપાલે પોતાના ભવનમાં બેઠા–બેઠા ચોરને મૃત્યુદંડ માટે લઈ જતાં જોયો. તેના અશુભ કર્મોનાં કડવા ફળોનું ચિંતન કરતાં-કરતાં તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને સંયમ સ્વીકાર્યો. અંતમાં કર્મ ક્ષય કરી નિર્વાણ પામ્યા.
(૧) મુનિ ત્રસ—સ્થાવર બધા જીવો પ્રત્યે અનુકંપા રાખે. સાવધ યોગોનો ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્યાગ કરે. (૨) પોતાના બળને જાણીને મુનિ સંયમમાં વિચરણ કરે અને તપ ધારણ કરે. (૩) સિંહની સમાન સદા નિર્ભય બની વિચરે. (૪) પરીષહોને સમ્યક પ્રકારે સહન કરી કર્મ ક્ષય કરે પરંતુ કિંચિતમાત્ર પણ ગભરાય નહીં. (૫) આશ્રવનો સદા નિરોધ કરે. અકિંચન અને અમમત્વી બને.
બાવીસમું અધ્યયન : અરિષ્ટનેમિ
પ્રાસંગિક :– બાવીસમાં તીર્થંકર શ્રી અરિષ્ટનેમિ પોતાના વિવાહ પ્રસંગે જાન લઈને જતાં માર્ગમાં પશુઓના કરુણ પોકાર સાંભળી તુરત જ પાછા વળ્યા. એક વર્ષ સુધી દાન આપી સંયમ સ્વીકાર કર્યો. યથાસમયે અરિષ્ટનેમિ ભગવાનના ભાઈ રથનેમિ અને સતી રાજેમતીએ પણ સંયમ અંગીકાર કર્યો. એકવાર વરસાદમાં ભીંજાઈ જતાં સતી રાજેમતી એક ગુફામાં વસ્ત્ર સૂકવવા ગયાં. તે જ ગુફામાં ધ્યાનસ્થ રહેલા રથનેમિની દૃષ્ટિ રાજેમતિ ઉપર પડતાં સંયમમાં વિચલિત થયા. રાજેમતિને ખ્યાલ આવતાં વિવેક અને વીરતાપૂર્વક રથનેમીને સંયમમાં સ્થિર કર્યા. અંતે બન્ને કર્મક્ષય કરી મુક્ત થયા.
(૧) કૃષ્ણ વાસુદેવ અરિષ્ટનેમિના પિત્રાઈ મોટાભાઈ હતા. તેઓએ ભગવાનના વિવાહમાં સક્રિય ભાગ લીધો હતો.
(૨) ભગવાન અરિષ્ટનેમિનું શરીર ૧૦૦૮ લક્ષણોયુક્ત ઉત્તમ સંઘયણ અને સંસ્થાનથી સંપન્ન હતું.
(૩) જીવો પ્રત્યેના અનુકંપાના ભાવથી તેઓએ વિવાહનો ત્યાગ કર્યો હતો.
(૪) કૃષ્ણ વાસુદેવે અરિહંત અરિષ્ટનેમિને દીક્ષા ગ્રહણ કરતી વખતે શ્રેષ્ઠ આરાધના કરવાના શુભાશીષ આપ્યા.
(૫) ભોગાસક્ત વ્યકિત પણ મનુષ્યભવને દુર્લભ કહી મનુષ્ય સંબંધી ભોગોમાં આનંદ માને છે. જ્યારે મોક્ષાર્થી સાધક “ભોગો તો પ્રત્યેક ભવમાં પ્રાપ્ત થનારા છે’” તેમ જાણી મનુષ્ય ભવની દુર્લભતાને મોક્ષ પ્રાપ્તિના હેતુભૂત સમજે છે. કારણકે ભોગોની સુલભતા તો અન્ય ગતિમાં પણ થાય છે પરંતુ સંયમ અને મોક્ષની આરાધના ફક્ત મનુષ્યભવમાં જ થાય છે. તેથી દુર્લભ મનુષ્ય ભવનો ઉપયોગ જ્ઞાની આત્મા મુક્તિ સાધનમાં જ કરે અને બાકી બધા કાર્યોને તેઓ મનુષ્યભવના દુરુપયોગ રૂપ સમજે.
(૬) સ્વ–પરની એકાંત હિત ભાવનાથી કહેવાયેલા કટુ વચન પણ સુભાષિત વચન હોય છે.
(રાજેમતિએ ભોગોને, વમેલાને ચાટવા સમાન કહયા અને વમનનુ આહાર તો કાગડા, કુતરા કરે. એમ કહયું.) (૭) શબ્દોને પ્રભાવશાળી બનાવી ઉચ્ચારણ કરવું તે ક્રોધ અને અભિમાનથી ભિન્ન છે.
(૮) કષાયનો ત્યાગ કરી, ઇન્દ્રિયોને વશમાં રાખી ગુપ્તિઓથી યુક્ત થઈને, દઢતાથી સંયમના નિયમોનું પાલન કરવાથી જીવ આત્મકલ્યાણ સાધી શકે છે. આ જ ગુણોના આસેવન અને ધારણથી રથનેમિ મુનિ અને રાજેમતી સતીએ આત્મ કલ્યાણ સાધ્યુ હતું.
ત્રેવીસમું અધ્યયન : કેશી—ગૌતમ સંવાદ