________________
કથાસાર
jain
115 (૧૦) અવિનયી જેમ બિલાડી દૂધના તપેલાને ઢોળીને ધૂળયુક્ત દૂધ પી જાય છે. તેમ જે અહંકારવશ આચાર્યની શાસ્ત્રોક્ત વાત સાંભળી ન સાંભળી કરીને આજુબાજુની મિથ્યા વાતોમાં રસ ધરાવે છે તે શ્રોતા પણ અયોગ્ય છે. (૧૧) વિશિષ્ટ પ્રકારનો ઉદર વાસણમાંથી થોડું દૂધ પીએ છે તથા આજુબાજુ ચાટીને સાફ કરે છે અને ફરી પાછું દૂધ પીએ છે. તેવી રીતે જે શિષ્ય આચાર્યનો ઉપદેશ સાંભળીને મનન કરે છે, ફરી સાંભળે છે અને હૃદયમાં ઉતારે છે. તેવા શ્રોતા ઉપદેશ કે જ્ઞાનને યોગ્ય છે. (૧૨) વૈયાવચ્છ ન કરે : ચાર બ્રાહ્મણોને એક ગાય દક્ષિણામાં મળી. વારાફરથી ચારે બ્રાહ્મણ એક–એક દિવસ ગાયને દોહતા હતા અને ગાયનું દૂધ વાપરતા. પરંતુ બીજે દિવસે ગાયનો વારો બીજાનો છે એમ વિચારી ગાયને ઘાસચારો દેતા નહીં કે સાર સંભાળ રાખતા નહીં તેથી બિચારી ગાય મરી ગઈ. તેવી રીતે આચાર્યની સેવા કરવામાં જેઓ આળસ કરે કે ઉદાસીન રહે તથા સેવાનું કાર્ય અન્યના ભરોસે રાખે તેઓ ઉપદેશ ગ્રહણ કરવાને અયોગ્ય છે. (વૈયાવચ્છ નું મહત્વ જ્ઞાનથી વિષેશ છે, તથા તે અનુકંપા ભાવ છે.) (૧૩) પ્રત્યેનીકને : એક રાજા પાસે એક દિવ્ય ભેરી હતી અને એ વિઘ્ન વિનાશક તથા રોગ વિમુક્ત કરનારી હતી. ભેરીને વગાડવાથી આસપાસના વર્તુળમાં જ્યાં સુધી ભેરીનો અવાજ પહોંચે ત્યાં સુધી કોઈ બીમાર થતો નથી અને બીમાર હોય તો સ્વસ્થ થઈ જતો. એ ભેરીના અવાજની અસર છ મહિના સુધી રહેતી. ફરી પાછી છ મહિને ભેરી વગાડવામાં આવતી. ભેરીની પ્રશંસા સાંભળીને લોકો દૂર દૂરથી આ વર્તુળ(નગરમાં)માં રહેવા આવતા. પરંતુ તેઓને આ નગરમાં છ મહિના સુધી રહેવું મુશ્કેલ લાગતું તેથી ભેરી રક્ષક ગુપ્ત રીતે પુરસ્કાર લઈને તે ભેરીનો નાનો ટુકડો તોડીને આગંતુકને આપી દેતો અને ત્યાં ગમે તે લાકડાના ટુકડા જોડીને ભેરી વગાડતો. તેથી ભેરીનો અવાજ મંદ પડતો ગયો તથા ભેરીનો રોગ નાશક પ્રભાવ પણ મંદ પડતો ગયો. ભેરીનું નિરીક્ષણ કરતાં ભેદ ખુલી ગયો અને ભેરી રક્ષકને રજા અપાઈ ગઈ. વિદ્યા અને દેવની આરાધના કરીને રાજાએ બીજી ભેરી પ્રાપ્ત કરી લીધી અને નવો ભરી રક્ષક રાખ્યો. જેમ ભેરી ને ખંડિત કરનારો રક્ષક અયોગ્ય છે, તેમ શાસ્ત્રવિનાની વાતો, ધર્મગ્રંથો વિરુદ્ધના વાક્યો, અહીં તહીંથી સાંભળેલી વાતો ઉચ્ચારે તેવા શિષ્યો અયોગ્ય છે. પ્રભાવહીન ભેરીની જેમ શાસ્ત્રોને જે વિકૃત કરે તેવા શ્રોતાઓ પણ અયોગ્ય છે. બીજો ભેરી રક્ષક યોગ્ય વ્યકિત હતો અને એ રક્ષકથી રાજા ઘણો ખુશ હતો. રાજાએ એને આજીવિકાની રકમ ખૂબ વધારી આપી. તેવી રીતે યોગ્ય શિષ્ય જિનવાણીની રક્ષા કરે અને જન્મ જન્માંતરો સુધી સુખનો ભોક્તા બને. (૧૪) પોતાના દોષ ન જોતાં બીજાનાં દોષ જુએ: એક રબારી અને રબારણ ઘીના ઘડા ગાડામાં ભરી નગર તરફ વેચવા લઈ જતા હતાં. ગાડામાંથી ઉતરતી વેળાએ બન્નેની અસાવધાનીથી ઘી ભરેલો ઘડો જમીન પર ઢોળાઈ ગયો. બન્ને એકબીજા પર આક્ષેપ, પ્રત્યાક્ષેપ કરવા લાગ્યા, પણ કોઈએ પોતાની ભૂલ સ્વીકારી નહીં ને વિવાદ વધતો ગયો. તેટલામાં નીચે પડેલું ઘી કુતરો ચાટી ગયો. થોડીવાર પછી બન્ને શાંત થયા ને ઘી વેચીને ઘર તરફ ચાલવા લાગ્યા. ત્યાં સુધીમાં રાત પડી ગઈ હતી અને અંધારામાં ચોરોએ બન્નેનું મેળવેલું ધન લૂંટી લીધું. આવી રીતે એ લોકોનું ધન પણ ગયું ને ઘી પણ ગયું. જે શિષ્ય સ્વયંની ભૂલ ગુરુના કહેવા છતાં પણ સ્વીકારતો નથી ને કલહ કંકાશ કરે છે તે શ્રુત જ્ઞાનરૂપી ઘીની સંપત્તિ ખોઈ નાખે છે. એવા શિષ્ય અયોગ્ય છે. જે આહીર દંપતિ શીધ્ર પોતાની ભૂલ સ્વીકારી ઘીના ઘડાને સંભાળી લે અને શીઘ્ર વેચીને દિવસના સમયે જ ઘરે પહોંચી જાય છે, તેને વધારે નુકસાન થતું નથી. તેમ જે શિષ્ય શીધ્ર પોતાની ભૂલ સ્વીકારી આચાર્યના ચિત્તની આરાધના કરે છે તે શ્રતગ્રહણને યોગ્ય છે. શ્રોતાના ત્રણ પ્રકાર છે :- (૧) જાણિયા(જ્ઞાયિકા) :- તત્વ જિજ્ઞાસુ, ગુણજ્ઞ, બુદ્ધિમાન, શ્રદ્ધાવાન, આત્માન્વેષી, ગુણોને ગ્રહણ કરીને દોષોને છોડી દે તેવા તથા હંસ સમાન સહજ સ્વભાવવાળા શ્રોતા પ્રથમ જ્ઞાયિકા–સમજદાર પરિષદમાં આવે છે. (૨) અજ્ઞાયિકાઃ- જેઓ અબુધ બાળકની જેમ સરળ હૃદયના હોય છે તેઓ કોઈ પણ પ્રકારના મત મતાંતરથી દૂર હોય છે. તેઓ હીરાની ખાણમાંથી નીકળેલા અણઘડ હીરા જેવા હોય છે. તેને હરાઘસુ ઇચ્છે તેવા નિત નવા ઘાટ આપે છે. તેવી રીતે આવા શ્રોતાઓને આચાર્યનો ઉપદેશ અંતરમાં ઊતરી જાય છે, તેઓ ગુણવાન, સન્માર્ગગામી, સંયમી, વતી, વિદ્વાન, તપસ્વી બની શકે છે. આવા સરળ સ્વચ્છ હૃદયના અબોધ શ્રોતા અજ્ઞાયિકા–અજાણ પરિષદમાં આવે છે. (૩) દુર્વિદગ્ધા:- જેમ ગામડાનો કોઈ અજ્ઞાની પંડિત શાસ્ત્રોક્ત જ્ઞાન ધરાવતો નથી પરંતુ સ્વયંને મહાપંડિત, જ્ઞાની સમજે છે તથા અનાદર તથા અપમાનના ભયથી જ્ઞાની પંડિત પાસેથી જ્ઞાન ગ્રહણ કરતો નથી. તેવા શ્રોતાઓ વાયુ ભરેલી મશક જેવા ખાલી હોય છે. આવા અભિમાની, અવિનીત, દુરાગ્રહી, ખોટી મનમાની કરનારા પંડિત શ્રોતાઓની ગણતરી ત્રીજી દુર્વિદગ્ધા પરિષદમાં આવે છે. પ્રથમ શ્રેણીના શ્રોતાઓ(પરિષદ) શાસ્ત્ર શ્રવણ કરવા માટે યોગ્ય છે. બીજી શ્રેણીના શ્રોતાઓ(પરિષદ) પણ શાસ્ત્ર શ્રવણ કરવા યોગ્ય છે.
પરંતુ ત્રીજી શ્રેણીના શ્રોતાઓ(પરિષદ) સર્વથા શાસ્ત્ર શ્રવણ કરવા અયોગ્ય છે. તેઓ શાસ્ત્રનો ખરો અર્થ–પરમાર્થ સમજી શકતા નથી. તેમજ તેઓ શાસ્ત્રજ્ઞાનથી સ્વયંનું તથા અન્યનું કાંઈ પણ હિત કરી શકતા નથી. બલ્ક, તે જ્ઞાનને અહિતકારી બનાવી દે છે.
જ્ઞાન-પ્રમાણ-વાદ સંબંધ કોઈ શ્રોતા અનુસરણીય તો કોઈ વિપરિત એટલે કે વાદી હોય છે. કોઈ શ્રોતા શ્રધ્ધાનંત તો કોઈ શ્રોતા અશ્રધ્ધાળ હોય છે. કોઈ શ્રોતા વિષયનાં જ્ઞાત તો કોઈ શ્રોતા અજ્ઞાત હોય છે. કોઈ શ્રોતા બુધ્ધીમાન, પ્રજ્ઞાવંત તો કોઈ અબુધ, જડ હોય છે. કોઈ સરલ અને કોઈ વક્ર હોય છે. કોઈ પુણ્યશાળી, ભાગ્યશાળી આત્મા તો કોઈ અભાગી હોય છે. કોઈ શ્રોતા અશુભ હેતુવાળા તો કોઈ શુભ હેતુ વાળા હોય છે. કોઈ અજ્ઞાન પ્રેરીત તો કોઈ જ્ઞાન પ્રેરીત હોય છે.