________________
આગમ-કથાઓ
108
સિદ્ધોના સુખનું જ્ઞાન :– સિદ્ધોના સુખને આપણે પ્રત્યક્ષ જાણી શકતા નથી કેમકે તે અરૂપી હોવાથી પરોક્ષ હોય છે. તેથી તેમને
ઉપમા દ્વારા જાણવા જોઈએ.
સિદ્ધોને જે અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે તે મનુષ્ય કે દેવને પણ પ્રાપ્ત થતું નથી. કારણ મનુષ્ય અને દેવોના સુખ બાધાઓથી ભરપૂર તથા વિનાશી હોય છે. કલ્પના કરવામાં આવે કે દેવોના જીંદગીભરના બધા જ સુખોને એકઠા કરવામાં આવે અને તેને અનંતી વખત વર્ષાવર્ગિત ગુણવામાં આવે તો પણ તે મોક્ષ સુખની તોલે ન આવે.
ન
અન્ય કલ્પનાએ– એક સિદ્ધના સંપૂર્ણ સુખને અનંતવર્ગથી ભાગવામાં આવે અને જે સુખરાશિ ભાગફળના રૂપમાં આવે તે પણ એટલી અધિક હોય છે કે સંપૂર્ણ આકાશમાં સમાઈ શકતી નથી.
જેમ નગરને જોઈ, તેના સુખનો અનુભવ કરી પાછો ફરેલો કોઈ અસભ્ય વનવાસી પુરુષ નગરના અનેક વિધ ગુણોના સુખને જાણતો–સમજતો હોવા છતાં પણ પોતાના સાથી અન્ય વનવાસીઓને તે સુખ સુવિધાને જંગલની કોઈ શ્રેષ્ઠ વસ્તુની ઉપમા આપીને પણ હકીકતે સમજાવી શકતો નથી કારણ કે જંગલમાં ઉપમા આપી શકે તેવી કોઈ વસ્તુ નથી, તેમ સર્વજ્ઞ-સર્વદર્શી તીર્થંકર, કેવળજ્ઞાની ભગવંત પણ છદ્મસ્થોને સાંસારિક પદાર્થોની ઉપમાથી, સિદ્ધોના વાસ્તવિક સુખોને જાણતા હોવા છતાં સમજાવી શકતા નથી. માત્ર શ્રદ્ધા ઉત્પન્ન કરાવવા માટે અંશતઃ સમજાવી શકે છે. હકીકતમાં સિદ્ધોના સુખ અનુપમ છે. તેને ઉપમા આપવા માટે સંસારમાં કોઈ પદાર્થ નથી. અહીં પણ અપેક્ષાએ સૂક્ષ્માંશમાં ઉપમા દ્વારા શ્રદ્ધા ઉત્પન્ન કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
જેવી રીતે કોઈ પુરુષ પોતાની ઇચ્છાનુસાર સર્વ ગુણો–વિશેષતાઓથી યુક્ત સ્વાદિષ્ટ ભોજન કરી, ભૂખ, તરસથી મુક્ત થઈ અપરિમિત તૃપ્તિ, ઇચ્છિત આનંદનો અનુભવ કરે છે; તે રીતે સદાય પરમ તૃપ્તિ યુક્ત, અનુપમ શાંતિયુક્ત સિદ્ધપ્રભુ વિઘ્ન રહિત, શાશ્વત, પરમસુખમાં નિમગ્ન રહે છે.
તે સર્વ દુ:ખોથી પાર થઈ ચૂકયા છે અર્થાત્ તેઓએ સંપૂર્ણ દુ:ખના મૂળને નષ્ટ કરી નાખ્યું છે. જન્મ, જરા અને મૃત્યુના બંધનથી સર્વથા મુક્ત થયા છે. તેથી તે સિદ્ધ પરમાત્મા અનુપમ સુખ સાગરમાં સદા માટે અવસ્થિત છે.
પરિશિષ્ટ – ૧ ચૌદ ગુણસ્થાનોનું સ્વરૂપ
જીવની આત્મિક-આધ્યાત્મિક હીનાધિક, ઊંચનીચ અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. આવા જીવનાં ગુણસ્થાન ચૌદ કહેવામાં આવેલ છે. જેમાં ચોથા ગુણસ્થાનથી ચૌદમાં ગુણસ્થાન સુધીનાં અગિયાર ગુણસ્થાનવાળાં ઉન્નતિશીલ– પ્રગતિશીલ આત્મસ્થાનમાં અવસ્થિત હોય છે. શેષ ૧ થી ૩ ગુણસ્થાનવાળા અવનત આત્મસ્થાનમાં હોય છે. તે ૧૪ ગુણસ્થાનોનું સ્વરૂપ આ પ્રકારે છે– પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનઃ- (૧) જે પરભવ, પુનર્જન્મ, કર્મસિદ્ધાંત અને જીવના અનાદિ અસ્તિત્વને માનતા નથી. (૨) અઢાર પ્રકારનાં પા૫, ૨૫ ક્રિયાઓ અને આઠ પ્રકારનાં કર્મનાં બંધ, ઉદય આદિને માનતા નથી. (૩) જે સુદેવ, સુગુરુ, સુધર્મ, સત્શાસ્ત્ર—આગમની શ્રદ્ધા કરતા નથી પરંતુ સ્વછંદતા, સ્વેચ્છાએ કુદેવ, કુગુરુ, કુધર્મ અને કુશાસ્ત્રોમાં શ્રદ્ધા કરે છે. (૪) શ્રાવકનાં ૧૨ વ્રત અને સાધુનાં પાંચ મહાવ્રતોની, સમિતિ–ગુપ્તિની તેમજ અન્ય પણ જિનાજ્ઞાની સમ્યક શ્રદ્ધા કરતા નથી. (૫) જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, આ તત્ત્વોની તીર્થંકર ભગવાને પ્રરૂપેલ સ્વરૂપ પ્રમાણે શ્રદ્ધા કરતા નથી. (૬) ઈશ્વરને સંસારના કર્તા માને છે. (૭) યજ્ઞ, હવન, પશુ–બલિ આદિમાં ધર્મ માને છે, અન્ય પણ નાની મોટી હિંસાકારી સાવધ પ્રવૃત્તિઓને, છ કાય જીવોની હિંસાવાળી પ્રવૃત્તિઓને ધર્મ માને છે. (૮) જિનેશ્વર ભગવંત કથિત સિદ્ધાંતથી ઓછી અધિક કે વિપરીત પ્રરૂપણા કરે છે. (૯) અનેકાંતિક સિદ્ધાંતને છોડી દ્રવ્ય–ભાવ કે નિશ્ચય-વ્યવહાર વગેરે કોઈ પણ એકાંતના આગ્રહમાં પડી જાય છે. સાત નયોનો વિચાર કરવાને બદલે દુર્રયમાં પડી જાય છે. વિવેકબુદ્ધિ છોડી બધા નિક્ષેપોને એક સરખા માની લે છે. (૧૦) કલહ, ક્રોધ અને રંજભાવને દીર્ઘકાળ સુધી ટકાવી રાખે છે. (૧૧) કોઈ પણ પાપકૃત્યમાં અતિ આસક્ત, વૃદ્ધ,લીન બને છે અર્થાત્ લોભ, પરિગ્રહ, નિંદા (પર પરિવાદ), માયા, જૂઠ, ચોરી અને જીવહિંસા આદિ કોઈ પણ પાપકાર્યમાં તલ્લીન બની જાય છે. (૧૨) જે જિનેશ્વર ભગવંતો પર કે તેના ધર્મ પર અથવા તેના માર્ગ પર ચાલતાં ધર્મગુરુઓ પર દ્વેષ રાખે છે ઈત્યાદિ, ઉપરોક્ત દરેક અવસ્થામાં રહેલ જીવોને વ્યવહારથી મિથ્યાત્વ ગુણસ્થાનવર્તી જાણવા જોઈએ.
નિશ્ચય દષ્ટિની અપેક્ષાએ મિથ્યાત્વ મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય થવાથી અને ઉદય રહેવાથી જીવ મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહે છે. આ જીવનું પ્રથમ ગુણસ્થાન છે. તેમાં રહેલા જીવોની અપેક્ષાએ તેના ત્રણ પ્રકાર છે :– (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાંત (૩) સાદિ સાંત. અનાદિ અનંત અભવીની અપેક્ષાએ છે. અનાદિ સાંત ભવીની અપેક્ષાએ છે અને સાદિ સાંત પ્રતિપાતી(પડિવાઈ) સમકિતની અપેક્ષાએ છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તનની હોય છે.
આ ગુણસ્થાનમાં મરનારા કે આયુષ્ય બાંધનારા જીવ ચાર ગતિમાં ભ્રમણ કરે છે. આ ગુણસ્થાનવર્તી જીવ કર્મોનો વિશેષ બંધ કરતા રહે છે. તેઓ કર્મવૃદ્ધિ અને સંસારવૃદ્ધિ કરે છે. આ ગુણસ્થાન પાંચ અનુત્તર વિમાન સિવાય સંસારના બધાં જીવોમાં હોઈ શકે છે. બીજું સાસ્વાદન ગુણસ્થાન :- જે જીવે ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કરી લીધું છે, તેવા અથવા તેનાથી ઉપરના કોઈ પણ ગુણસ્થાનવાળા પ્રથમ ગુણસ્થાનમાં કહેલ કોઈ પણ પ્રકારના વિચારોની અવસ્થા પ્રાપ્ત કરે અથવા નિશ્ચયથી મિથ્યાત્વના ઉદયાભિમુખ થાય ત્યારે તે ચોથા આદિ ગુણસ્થાનોથી પડી પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનમાં જાય છે. તે સમયે ચોથા આદિ ગુણસ્થાનોથી વ્યુત થઈને પ્રથમ ગુણસ્થાને પહોંચતાં વચ્ચે ક્ષણિક કાળમાં આત્માની જે અવસ્થા હોય છે, તે જ બીજું સાસ્વાદન ગુણસ્થાન છે. જેમ કે વૃક્ષ ઉપરથી તૂટેલું ફળ જમીન પર પડે તે પહેલાં માર્ગમાં થોડો સમય વ્યતીત કરે છે, તેવી અવસ્થા બીજા કે ગુણસ્થાનની સમજવી જોઈએ.
આ ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકા જેટલી હોય છે અર્થાત્ એક સેકંડના હજારમાં ભાગથી પણ ઓછી સ્થિતિ હોય છે. તેથી આ ગુણસ્થાનનું અસ્તિત્વ ઈકચિત્ માત્ર છે, જે છદ્મસ્થોને અનુભવગમ્ય નથી. આ ગુણસ્થાન એકેન્દ્રિયોમાં હોતું નથી. શેષ