________________
મોક્ષ અધિકાર
મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે?
જે જીવ બંધનો છેદ કરતો નથી, પરંતુ માત્ર બંધના સ્વરૂપને જાણવાથી જ સંતુષ્ટ છે, તે મોક્ષ પામતો નથી. આત્મા અને બંધને જુદા કરવા તે મોક્ષ છે.
કર્મબંધની ચિંતામાં મન લાગ્યું રહે તો પણ મોક્ષ થતો નથી. કર્મસંબંધી વિચારશૃંખલા મોક્ષનું કારણ નથી. એ તો ધર્મધ્યાન રૂપ શુભ પરિણામ છે. કેવળ શુભ પરિણામથી મોક્ષ થતો નથી.
આત્મા અને બંધનું દ્વિધાકરણ તે મોક્ષ છે. આત્મા અને બંધ કયા સાધન વડે દ્વિધા (જુદા) કરાય છે? પ્રજ્ઞારૂપી કરણ વડે આત્મા અને બંધને જુદા કરાય છે.
આત્મા અને બંધ જેઓ અત્યંત નિકટતાને લીધે એકરૂપ થઈ રહ્યા છે, તેમને પ્રજ્ઞારૂપે કઈ રીતે છેદી શકાય?
આત્મા અને બંધના નિયત સ્વલક્ષણોની સુક્ષ્મ અંતઃસંધિમાં પ્રજ્ઞાછીણીને સાવધાન થઈને પટકવાથી તેમને છેદી શકાય છે.
આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, કારણ કે તે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે; અન્ય દ્રવ્યોમાં તે નથી. બંધનું સ્વલક્ષણ આત્મદ્રવ્યથી અસાધારણ એવા રાગાદિક છે. આમ હોવા છતાં ચૈત્યચેતક ભાવ વડે અત્યંત નિકટતાને લીધે, ભેદવિજ્ઞાન ના અભાવે અનાદિ કાળથી એકપણાનો વ્યામોહ (ભ્રમ) છે. તે વ્યામોહ પ્રજ્ઞા વડે અવશ્ય છેદાય છે.
પ્રશ્ન – આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું?
ઉત્તર – બંધ અને આત્માને પ્રજ્ઞા વડે ભિન્ન કર્યા બાદ બંધને છેદવો અને આત્માને ગ્રહણ કરવો. બન્નેમાં કરણ એક જ છે.
પ્રશ્ન – આત્માને ગ્રહણ શા વડે કરાય?
ઉત્તર – જેમ પ્રજ્ઞા વડે આત્માને ભિન્ન કર્યો તેવી જ રીતે પ્રજ્ઞા વડે જ આત્માને ગ્રહણ કરવો.
૪૮
સમયસાર નો સાર