________________
આગમસાર–પૂર્વાર્ધ
68
ભગવાન મહાવીર સ્વામીનો પૂર્વ–દેવ ભવ, ચ્યવન, સંહરણ, જન્મ, બાલ્યકાળ, યૌવનકાળ, ભોગમય જીવન, વૈરાગ્ય, દીક્ષા, તપ–સંયમમય છદ્મસ્થ જીવન, કૈવલ્ય પ્રાપ્તિ, તીર્થ પ્રવર્તન અને નિર્વાણ સંબંધી સમસ્ત વર્ણન યુક્ત નાટકનું પ્રદર્શન ર્યું; નાટય વિધિનો ઉપસંહાર કરતાં દેવકુમાર દેવકુમારીઓએ મૌલિક ચાર પ્રકારના વાજીંત્ર વગાડ્યા, ચાર પ્રકારના ગીત ગાયા, ચાર પ્રકારના નૃત્ય દેખાયા અને ચાર પ્રકારનો અભિનય બતાવ્યો. પછી વિધિયુક્ત વંદન નમસ્કાર કરી સૂર્યાભદેવની પાસે આવ્યા. સૂર્યાભદેવે સમસ્ત વિકુર્વણાને સમેટી લીઘી. અને ભગવાનને વંદન–નમસ્કાર કરતાં પોતાના વિમાનમાં આરૂઢ થયા અને દેવલોકમાં
ચાલ્યા ગયા.
(શંકા : સમિકતી દેવોએ આ પ્રમાણે ન કરવું જોઇએ, સાધુસંઘને જ્ઞાન અધ્યયન અને સ્વાધ્યાયમાં તેથી વિક્ષેપ થાય છે. પ્રમાદ અને આસિકેત પણ થઈ શકે છે.
સમાધાનઃ પ્રભુનું મહાતમ્ય બતાવવા કે હું આટલો ૠધ્ધિશાળી પણ ભગવાનને વંદન કરું છું કારણ કે તેઓ મારા કરતા પણ ઉચ્ચ અને વંદનીય છે. આજના સમયમાં આ શંકા તથ્ય છે, તેથી હવે આનું અનુકરણ કરી સાધુસંતો સમક્ષ નાટય સમારંભ તો ન જ કરી શકાય.)
સૂર્યાભ વિમાનનું વર્ણન સૌધર્મ નામનું પ્રથમ દેવલોક સમભૂમિથી અસંખ્ય યોજન ઉપર છે. તે દેવલોકમાં ૩૨ લાખ વિમાન છે. તેની વચ્ચે પાંચ અવતંસક(મુખ્ય) વિમાન છે. (૧) અશોક અવતંસક (૨) સપ્તપર્ણ અવતંસક (૩) ચંપક અવતંસક (૪) આમ્ર અવતંસક. આ ચારે ચાર દિશામાં છે તેની વચ્ચે પ્રથમ દેવલોકના ઇન્દ્રનું સૌધર્માવતંસક વિમાન છે. આ સૌધર્માવતંસક વિમાનની પૂર્વ દિશામાં અસંખ્ય યોજન દૂર સૂર્યાભ નામનું વિમાન છે. જે સાડા બાર લાખ યોજન લાંબુ–પહોળું છે.
-
સૂર્યાભ વિમાનથી ૫૦૦ યોજન દૂર ચારે દિશાઓમાં એક–એક વનખંડ છે. જે ૫૦૦ યોજન પહોળા અને સૂર્યાભ વિમાન જેટલા લાંબા છે. તેના નામ – અશોક વન, સપ્તપર્ણ વન, ચંપક વન અને આમ્રવન છે. વનખંડમાં ઠેર ઠેર વાવડીઓ, પુષ્કરિણીઓ, કૂવા, તળાવ આદિ છે. જે વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. તેમાં ઉતરવા માટે ચારે દિશાઓમાં પગથીયા છે. તેની વચ્ચે ઠેર ઠેર નાના—મોટા પર્વત અને મંડપ છે. જ્યાં બેસવા–સૂવા માટે ભદ્રાસન છે. વનખંડમાં અનેક જગ્યાએ કદલીગૃહ, વિશ્રામગૃહ, પ્રેક્ષાગૃહ, સ્નાનગૃહ, શ્રૃંગારગૃહ, મોહનગૃહ, જલગૃહ, ચિત્રગૃહ, આદર્શગૃહ આદિ શોભી રહ્યા છે. વિધવિધ લતા મંડપો છે જેમાં અનેક પ્રકારના આસન, શયનના આકારની શિલાઓ છે. ચારે વનખંડોમાં વચ્ચો વચ્ચ એક એક પ્રાસાદાવતંસક છે જેમાં પલ્યોપમની સ્થિતિવાળા એક એક દેવ રહે છે. જેના નામ – અશોક દેવ, સપ્તપર્ણ દેવ, ચંપક દેવ, આમ્ર દેવ છે. વનખંડનો અવશેષ ભૂમિ ભાગ સમતલ, સુંદર, સુખદ સ્પર્શવાળો રમણીય છે. અનેક પ્રકારના પંચરંગી મણિ, તૃણ અને તેની મધુર ધ્વનિથી સુશોભિત છે. પુણ્યફળનો ઉપભોગ કરનાર દેવ–દેવીઓ અહીં ક્રીડા કરે છે.
-
ઉપકારિકાલયન :– સુઘમાં સભા અને અન્ય પ્રમુખ સ્થાનોથી યુક્ત રાજધાની સમાન પ્રસાદમય ઘેરાયેલ ક્ષેત્રને ઉપકારિલયન કહ્યું છે. આ ક્ષેત્ર જંબુદ્વીપ જેવડું છે. તેની મધ્યમાં એક મુખ્ય પ્રાસાદ છે જે ૫૦૦ યોજન ઊંચા ૨૫૦ યોજન વિસ્તારવાળો છે. તેની ચારે તરફ ચાર ભવન અડધા પ્રમાણના છે, જે ચારે પણ અન્ય અર્ધ પરિમાણના ચાર ચાર ભવનોથી ઘેરાયેલા છે. તે ભવન પણ અન્ય અર્ધ પરિમાણના ચાર ભવનોથી ઘેરાયેલા છે. અર્થાત્ (૧ + ૪ + ૧૬ + ૬૪)૮૫ પ્રાસાદ છે.
આ ઉપકારિકાલયન સૂર્યાભ વિમાનની વચ્ચે મધ્યમાં છે. સમભૂમિથી કંઈક ઊંચાઈ પર છે. તેમાં પ્રવેશ કરવાને માટે ચારે દિશાઓમાં પગથિયા છે. તેની ચારે બાજુ પદ્મવર વેદિકા રૂપ પરકોટા છે અને તેની ચારે બાજુ બે યોજનથી કંઈક ન્યૂન પહોળું વનખંડ છે. (નોંધ: પક્ષીઓ ઉડવાની શક્તિ ધરાવે છે, છતાં થોડું નજીકનાં ક્ષેત્ર માટે ચાલે પણ છે તેવીજ રીતે દેવોને પણ પગથીયાનો – સોપાનનો ઉપયોગ છે.)
સુધર્મ સભાનું બાહય વર્ણન :– મુખ્ય પ્રાસાદવતંસકના ઈશાન ખૂણામાં અનેક સ્તંભો પર બનેલી સુધર્મ સભા છે. તેની ત્રણ દિશામાં ત્રણ દ્વાર અને ત્રણ સોપાનશ્રેણી (પગથીયા) છે. પશ્ચિમમાં નથી. આ દ્વાર સોળ યોજન ઊંચા અને આઠ યોજન પહોળા છે. દ્વારની સામે મંડપ છે, મંડપની આગળ પ્રેક્ષાગૃહ છે. પ્રેક્ષાગૃહની વચ્ચે મંચ છે, મંચની વચ્ચે ચબૂતરો(મણિપીઠિકા) છે, તેની ઉપર એક એક સિંહાસન છે. તેની આસપાસ અનેક ભદ્રાસન છે.
પ્રેક્ષાગૃહની સામે પણ મણિપીઠિકા છે. તેના પર સ્તૂપ છે. સ્તૂપની સામે મણિપીઠિકા પર ચૈત્યવૃક્ષ છે, ચૈત્યવૃક્ષની સામે ઓટલા પર માહેન્દ્ર ધ્વજ છે. અને તેની સામે નંદા નામની પુષ્કરિણી છે.
સુધર્મસભાનું આત્યંતર વર્ણન :– સુધર્મ સભાની ચારે તરફ કિનારા ઉપર ૪૮ હજાર ઘર જેવા ખુલ્લા વિભાગ છે. તેમાં ૪૮ હજાર લાંબી ખુરશીઓ સમાન આસન છે. સુધર્મ સભાની વચ્ચે ૬૦ યોજન ઊંચા માણવક ચૈત્ય સ્તંભ છે. જેના ૪૮ તળિયા અને ૪૮ પાળ છે. અર્થાત્ ૪૮ વળાંકમાં ગોળાકાર છે. જેના મધ્યભાગમાં અનેક ખીલીઓ છે જેમાં શીંકા લટકી રહ્યા છે અને શીકામાં ગોળ ડબ્બીઓ છે. ડબ્બીઓમાં ''જિન દાઢાઓ'' છે. જે દેવો માટે અર્ચનીય એવં પૂજનીય છે.
માણવક ચૈત્ય સ્તંભની પૂર્વમાં સિંહાસન અને પશ્ચિમમાં દેવશય્યા છે. દેવ શય્યાના ઈશાન ખૂણામાં માહેન્દ્ર ધ્વજ છે. માહેન્દ્ર ધ્વજની પશ્ચિમમાં આયુધ શાળા છે. આયુદ્ઘ શાળાના ઈશાન ખૂણામાં સિદ્ધાયતન છે. સિદ્ધાયતનનું બાહ્ય વર્ણન સુધર્મસભાના બાહ્ય વર્ણન જેવું જ છે. સિદ્ધાયતની અંદર ૧૦૮ જિન પ્રતિમાઓ છે. તેની પાછળ એક છત્ર ધારક અને બાજુમાં બે ચામર ધારકની પ્રતિમાઓ છે. આગળ બબ્બે યક્ષ, ભૂત, નાગ આદિની મૂર્તિઓ છે. ત્યાં ૧૦૮ ઘંટડીઓ, ચંદન કળશ, થાળ, પુષ્પગંગેરી, ધૂપકડુચ્છક આદિ છે. સિદ્ધાયતનના ઈશાન ખૂણામાં અભિષેક સભા છે. તેના ઈશાન ખૂણામાં અલંકાર સભા છે. તેના ઈશાન ખૂણામાં વ્યવસાય સભા છે; તેમાં પુસ્તક રત્ન છે. જેમાં દેવોના જીતઆચાર કર્તવ્ય કલ્પ આદિ નું વર્ણન છે અને ધાર્મિક લેખ છે.
(અહીં પ્રતિમાના વર્ણનના પાઠમાં વર્તમાન ચોવીસીના ઋષભ અને વર્ધમાનનાં નામવાળી પ્રતિમા ત્યાં શાસ્વત કેવી રીતે છે? વળી પ્રતિમાનાં વર્ણનમાં દાંત, જીભ અને તાળવાનું વર્ણન આવે છે. કોઈ પણ પ્રતિમાને દાંત,જીભ હોતા નથી સિવાયકે મોઢું ખુલ્લું હોય.)