________________
260
આગમસાર–પૂર્વાર્ધ આશ્રવનું સ્થાન પણ નિર્જરારૂપ અને નિર્જરાનું સ્થાન પણ બંધરૂપ થઈ જાય છે, જ્યારે સિદ્ધાન્ત તો જ્ઞાનને સદાય આગળ રાખે છે. માટે ધ્યાનમાં જ્ઞાનનો નિષેધ થઈ શકતો નથી. રાગ-દ્વેષના મૂળભૂત વિષય તો ઇન્દ્રિય વિષય, આશા, તૃષ્ણા અને હિંસા વગેરે પાપ છે, તે બધા ત્યાજ્ય છે પરંતુ સ્વાધ્યાય તો ઉપાદેય તત્ત્વ છે, યથાસમયે વૃદ્ધિ કરવાને યોગ્ય છે, આત્યંતર તપ છે. ધ્યાનને પ્રાપ્ત કરાવવામાં આલંબન રૂપ છે. સંપૂર્ણ સાર:- કોઈ પણ આલંબનમાં સ્થિરતા મેળવતાં ધ્યાન કહેવાય છે તે સિવાય સુપ્તાવસ્થા, ચિત્ત વિહલતા અથવા અવ્યક્ત ચિત્તાવસ્થાને ધ્યાન કહેવામાં નથી આવતું. અશુભ આર્ત-રૌદ્રના ચિંતનોથી નિવૃત્ત થઈ ધર્મ તત્ત્વના ચિંતનમાં આવી, સ્થિર થવાનો અભ્યાસ કરી, સ્થિર થવું, તેને ધર્મધ્યાન કહેવાય છે.
ધ્યાનની આસપાસના તત્ત્વો ગપ્તિ - મન, વચન અને કાયાનો નિગ્રહ કરવો, તેમાં પ્રવૃત્તિને અલ્પ, અલ્પતમ કરવી, સહજ આવશ્યક ચિંતન સિવાય અન્ય સંકલ્પોનો નિગ્રહ કરવો, મનને વધુને વધુ વશ કરવું તે મન ગુપ્તિ છે.
વચન પ્રયોગ કરવા માટે ઉત્પન્ન થતી ઇચ્છાનો નિગ્રહ કરવો, અત્યન્ત અલ્પ અથવા આવશ્યકતા હોય તો જ બોલવું, તે સિવાય મૌન રહેવું, તેને વચન ગુપ્તિ કહેવાય છે.
- કાયાની ચંચલતા, ઇન્દ્રિયોની ચંચલતા, ખાવું-પીવું, ચાલવું, ફરવું મોજ- શોખ કરવા આદિ અનેક પ્રવૃત્તિઓથી ઉદાસીન બની કાર્યોના પ્રવર્તન અલ્પ, અલ્પતમ કરવા તે કાય ગુપ્તિ કહેવાય. સમિતિ:- સમિતિમાં નિગ્રહ કરવાનો નથી. દિવસ-રાતમાં જે આવશ્યક કર્તવ્ય કરવાના હોય તે કરવા છતાં પણ જતના (જયં ચરે જયં ચિટ્ટ) આદિનું અવશ્ય પાલન કરવું. અર્થાત્ દરેક પ્રવૃત્તિ જતનાપૂર્વક કરવી; દરેક કાર્યમાં વિવેક રાખવો; આ રીતે સમિતિમાં નિગ્રહના સ્થાને વિવેક–જનાની મુખ્યતા છે. સ્વાધ્યાય :- આગમ કથિત તત્ત્વોનું અધ્યયન-સ્વાધ્યાય કરવો, કંઠસ્થ કરવું, અર્થ સમજવા, શંકા સમાધાન કરવા, પુનરાવર્તન કરવું, સ્વયં અનુપ્રેક્ષણ કરી અર્થ–પરમાર્થની ઉપલબ્ધિ કરવી, શ્રુત નવનીતને યથાઅવસરે ભવી જીવો સમક્ષ પીરસવું તેવા વાચના, પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ સ્વાધ્યાયના અંગ છે. ધ્યાન :- (૧) સંયોગ વિયોગના ગાઢતર સંકલ્પ-વિકલ્પ આર્તધ્યાન છે. (૨) બીજાના અનિષ્ટનો સંક્લિષ્ટ સંકલ્પ રૌદ્રધ્યાન છે. (૩) આત્મલક્ષી બાર ભાવનાદિના અનુપ્રેક્ષણ તે ધર્મ ધ્યાન છે. (૪) અત્યંત શુક્લ અને સૂક્ષ્મતમ આત્મ અનુપ્રેક્ષા કરવી, આત્મભાવમાં દઢતાની અવસ્થા પ્રાપ્ત થવી તેને શુક્લ ધ્યાન કહેવાય છે. ધ્યાન અને સ્વાધ્યાય :- જ્ઞાન તથા જ્ઞાનના પરમાર્થનું અનુપ્રેક્ષણ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય ધર્મ ધ્યાનનું આલંબન છે પરંતુ ધ્યાન સ્વાધ્યાયના પાંચ પ્રકારથી ભિન્ન તત્ત્વ, ભિન્ન તપ છે.
પરંપરાએ વ્યવહારમાં કહેવાતું ધર્મધ્યાન તો ધર્માચરણ માટેનો રૂઢ શબ્દ છે. તેવી જ રીતે બીજા પ્રહરનું આગમ કથિત ધ્યાન પણ તે આગમોના અર્થનું ચિંતન, મનન અને અવગાહન માટે રૂઢ પ્રયોગ છે. કારણ કે બીજા પ્રહરમાં ઉત્કાલિક સૂત્રોનો સ્વાધ્યાય કરવો; ગુરુ પાસે અર્થની વાચના લેવી અને પ્રથમ પ્રહરમાં કરાયેલ સ્વાધ્યાયના અર્થ–પરમાર્થનું અનુપ્રેક્ષણ કરવું ઇત્યાદિ વિધાનોથી પણ તે સ્વાધ્યાય પ્રવૃત્તિ રૂપ ધર્મધ્યાન જ છે, એવું આગમ પાઠોથી તથા સ્વાધ્યાયના કહેવાયેલ પાંચ ભેદોના વર્ણનથી. સ્પષ્ટ થાય છે. તેથી જ ધ્યાનની પોરસીનું બીજું નામ અર્થ પોરસી તેમ અનેક જગ્યાએ કહેવામાં આવ્યું છે.
ધ્યાન સ્વતંત્ર છે, સ્વાધ્યાયથી ભિન્ન છે. તેને સ્વાધ્યાયની પરિભાષાથી અને સ્વાધ્યાયના પાંચ ભેદોથી અલગ સમજવું જોઇએ. ધ્યાન તપની અપેક્ષાએ આગમમાં (પુવ્યરત્તા વરત્ત કાલ સમયંસિ ધમ્મ જાગરિયં જાગરમાણે)તથા (જો પુલ્વરત્તાવરરત્ત કાલે, સંપેહએ અપ્પગપ્પણ) આદિ વાક્ય આવ્યા છે. તથા આગમમાં ધ્યાનની અનુપ્રેક્ષાઓ પણ સ્વતંત્ર કહેવામાં આવી છે.
તાત્પર્ય એ છે કે પુગલ લક્ષી યા પરલક્ષી અનુપ્રેક્ષણની તલ્લીનતા અશુભ ધ્યાન છે. આત્મલક્ષી, સંયમલક્ષી અનુપ્રેક્ષણની. તલ્લીનતા શુભ ધ્યાન છે તથા તત્તલક્ષી અનુપ્રેક્ષણ સ્વાધ્યાયના ભેદરૂપ અનુપ્રેક્ષા છે. વ્યત્સર્ગ:- મન, વચન અને કાયાની પ્રવૃત્તિને સમયની મર્યાદા કરી વોસિરાવી દેવી; સંઘ સમૂહ અને સંયોગોનો ત્યાગ(શક્ય હોય તેટલો કે સર્વથા ત્યાગ) કરવો વ્યુત્સર્ગ તપ છે. તેમાં કાયોત્સર્ગનો, મૌન વ્રતનો અને એક વસ્તુ યા ક્રિયા પ્રેક્ષણનો (જ્ઞાતા-દષ્ટા ભાવનો) સમાવેશ સમજવો જોઇએ.
સ્વાધ્યાય તથા તેના અનુપ્રેક્ષણરૂપ ધ્યાન કલાકો સુધી થઈ શકે છે. વ્યુત્સર્ગરૂપ કાયોત્સર્ગ અને મૌનવ્રત લાંબા સમય સુધી શક્તિ અનુસાર, સ્થિરતા(દઢતા) અનુસાર થઈ શકે છે; પરંતુ ધ્યાન ક્ષણિક હોય છે. તે મિનિટ, બે મિનિટ અથવા ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહી શકે છે, તેથી વધુ ન રહી શકે. જાપ અને લોગસ્સ :- જાપ અને લોગસ્સ આદિનું પુનરાવર્તન કરવું તે વ્યુત્સર્ગ પણ નથી. તે પ્રવર્તન આગમ આધારે નથી પણ પરંપરા માત્ર છે. જો કે તે સાધકની માત્ર પ્રાથમિક ભૂમિકા રૂપે સ્વીકારેલ છે.
નમસ્કાર અથવા વિનય પ્રવર્તન મર્યાદાથી થાય છે. દા.ત. ગુરુ કે માતા- પિતા આદિને પ્રણામ, ચરણ સ્પર્શ, વંદન યથાસમયે જ થાય છે. તેનું કોઈ રટણ કરે, વારંવાર પ્રણામ કરે તે અનુપયુક્ત છે. ગુણકીર્તન પણ યથા સમયે એક વખત પ્રગટ રૂપે કરવું યોગ્ય છે. વારંવાર કરવું તે આગમ સંમત કે ઉન્નતિશીલ પ્રવર્તન નથી તેમજ ધ્યાન આદિ રૂપ પણ(વાસ્તવમાં) નથી. પરંતુ આ જાપ પ્રવૃત્તિ આશ્રવત્યાગ સાધક છે અને સામાન્ય સાધકોની છે; પ્રાથમિક અવસ્થારૂપ છે; તેમજ સ્વાધ્યાય આદિ કરવાની યોગ્યતા રહિત વ્યક્તિ માટે આલંબનરૂપ છે. સર્વથા ત્યાજ્ય નથી અને સદાને માટે તેમાં જ રોકાઈ જવાય નહીં. યથાશક્ય સ્વાધ્યાય અને ધ્યાનની વૃદ્ધિ કરવામાં પ્રયત્નશીલ બનવું જોઇએ.