________________
247
jainology
આગમસાર પદાર્થનું મિશ્રણ થઈ જાય કે તેને ગરમ ક્યું હોય તો તે અચિત્ત થાય છે. દાતાના હાથ, પગ કે શરીર પર પાણીના છાંટા લાગેલા હોય તે પણ સચિત્ત કહેવાય. સ્નાન ક્યા પછી કેશ વગેરે ભીના હોય તો તે પણ પાણીનો અંશ સચિત્ત કહેવાય. (૩) પાકા ફળોમાંથી બી કે ઠળિયા નીકળી જાય તો તે અચિત્ત કહેવાય અને તે પહેલાં સચિત્ત કહેવાય. મીઠું, મરચું, મસાલા નાંખેલા ટમેટામાં બી સચેત રહે છે માટે તે અચિત્ત ન કહેવાય. (૪) મેવામાં બદામ, પિસ્તા, ચારોળી વગેરે બીજરૂપ છે, તે ખંડિત ન થાય કે અગ્નિ પર ન ચઢે ત્યાં સુધી સચિત્ત કહેવાય. અંજીર વગેરે બી યુક્ત મેવા સચિત્ત છે અને અગ્નિથી શસ્ત્ર પરિણત થાય ત્યારે તે અચિત્ત થાય છે. (૫) લીલા શાકભાજી સચિત્ત હોય છે. તે શસ્ત્રથી છેદન ભેદન કે ટુકડા થયા હોય તો પણ સચિત્ત હોય છે. તે અગ્નિ પર પૂર્ણ ગરમ ન થઈ જાય ત્યાં સુધી સચિત્ત કહેવાય છે. લીંબુનો રસ અને મીઠું નાખેલા આવા શાકભાજીના પદાર્થો પણ અસંખ્ય કે અનંતજીવી હોવાના કારણે સંદેહ પૂર્ણ હોવાથી એક દિવસ પછી જ અચિત્ત સમજવા જોઇએ. (૬) મીઠું, મરચું, મસાલો નાંખેલી કાકડી વગેરે પદાર્થ પણ અસંખ્ય જીવી હોવાથી શસ્ત્ર પરિણત થતા નથી માટે તે પણ સચિત્ત ગણાય છે. (૭) દાળ, શાક તૈયાર થઈ અગ્નિ પરથી નીચે ઉતાર્યા પછી તેમાં કોથમીર વગેરે નાંખવામાં આવ્યા હોય અને તે ઉપરથી તાજા જ દેખાતા હોય તો તે પૂર્ણ અચિત્ત થતા નથી. જો કોથમરી તે પદાર્થમાં એકમેક થઈ જાય કે કરમાઈ જાય તો તેને અચેત કહેવાય. (૮) કોથમીર વગેરેની ચટણી તત્કાલ સચિત્ત કહેવાય. અધું મુહૂર્ત કે મુહૂર્ત પછી અચિત્ત થાય છે, કારણ કે તે પણ અસંખ્ય જીવી વનસ્પતિ છે. (૯) સૂકા ધાણા, જીરું, રાઈ, વરીયાળી, સુવા, અજમા, મેથી, એલચીના દાણા (બી) વગેરે બીજરૂપ સર્વે પદાર્થો સચિત્ત હોય છે. અગ્નિ વગેરેથી શસ્ત્ર પરિણત થયા પછી અચિત્ત થાય છે કે પૂર્ણ પીસાઈ જાય તો અચિત્ત થાય છે. (૧૦) ઘઉં, બાજરી, ચણા, મઠ વગેરે ધાન્ય બીરૂપ હોય છે, તે સચિત્ત હોય છે. ભાત(ધાણી રહિત) અચિત્ત હોય છે. કોઈ પણ અનાજ કે કઠોળ પાણીમાં પલાળવાથી અચિત્ત થતા નથી, પીસવાથી કે અગ્નિ પર ચઢવાથી અચિત્ત થાય. સચિત્ત પદાર્થનો કે તેને સ્પર્શિત વ્યક્તિનો વિવેક (૧) જે દાતાના હાથ–પગ વગેરે સચિત્ત પાણીથી ભીના હોય તો તેણે ગોચરી પધારેલા મુનિરાજ માટે બોલવું, ચાલવું કે ઇશારા કરવા યોગ્ય નથી, તેમ કરતાં પાણીના જીવોની વિરાધના થવાનો સંભવ રહે છે. (૨) અગ્નિ, લીલોતરી, બી વગેરે સચેત પદાર્થને સ્પર્શેલી વ્યક્તિ મુનિને ગોચરી વહોરાવી શકતી નથી. જો સહજ રીતે તે પદાર્થોનો સ્પર્શ છૂટી જાય, પછી તેના દ્વારા બોલવા, ચાલવામાં કોઈ વિરાધનાની સંભાવના રહેતી નથી. પ્રશ્ન-૧: શું રેફ્રીજરેટરમાં સંગ્રહ કરેલા ખાદ્ય પદાર્થ સાધુને માટે અકલ્પનીય ગણાય? ઉત્તર : હા, ગોચરીના દરેક નિયમોનું હાર્દ એ છે કે આહાર-પાણી વહોરાવવાના નિમિત્તે ત્રસ કે સ્થાવર કોઈ પણ પ્રાણી. વનસ્પતિની વિરાધના ન થાય, તેનો વિવેક રાખવો જોઇએ. પ્રશ્ન-૨: રેફ્રીજરેટમાં રાખેલા પદાર્થો જૈન મુનિરાજને ગ્રાહ્ય છે ? વ્રતધારી શ્રમણો પાસક(શ્રાવક) વહોરાવી શકે ? ઉત્તર : શ્રમણોપાસકે પોતાના ઉપયોગ માટે ફ્રીજમાંથી ખાદ્ય પદાર્થો બહાર કાઢયા હોય અને તે અચિત્ત હોય તો તે દાન દેવા અને ગ્રહણ કરવા યોગ્ય હોય છે. સાધુ માટે ફ્રીજમાંથી કાઢતાં સચિત્તનો સ્પર્શ થાય, પાણી અને બરફનો સ્પર્શ થાય કે ફ્રીજ ખોલતાં લાઈટ થાય વગેરે વિરાધનાઓ સામાન્ય રીતે થાય છે. જો તેમાંથી કોઈ પણ વિરાધનાની સંભાવના હોય તો તે ફ્રીજના પદાર્થો સાધુને અકલ્પનીય છે અને સાધુ માટે પદાર્થો ફ્રીજમાંથી કાઢીને વહોરાવવા શ્રાવક માટે યોગ્ય નથી. જો પરિસ્થિતિ વશ તેવું આચરણ કરવામાં આવે તો તેનું શ્રાવક અને સાધુ બંન્નેએ પ્રાયશ્ચિત્ત કરવાનું થાય છે. તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. પ્રશ્ન-૩: શું ડાયનિંગ ટેબલ પર સચિત્ત પદાર્થો રાખવા કે અચિત્ત વહોરાવવાના પદાર્થો ફ્રીજમાં રાખવા શ્રાવકને યોગ્ય છે? ઉત્તર : ડાયનિંગ ટેબલ પર જ્યારે અચિત્ત ખાદ્ય પદાર્થ રાખ્યા હોય ત્યારે સચેત પદાર્થ રાખવા શ્રાવકના વ્રતનો અતિચાર છે અને વહોરાવવા યોગ્ય પદાર્થોને ફ્રીજમાં રાખવા એ પણ શ્રાવક વ્રતનો અતિચાર જ કહેવાય. જો પદાર્થો ખરાબ થવાના કારણે ફ્રીજમાં રાખવા પડે તો પણ જમતા સમયે કે ભાવના ભાવતા સમયે તે પદાર્થો ફ્રીજમાં રખાય નહીં અન્યથા વ્રતમાં અતિચાર સમજવો. પ્રશ્ન-૪: મુનિરાજને ફળ કે મેવા કેમ વહોરાવાય? ઉત્તર : જે મેવાના પદાર્થો સચિત્ત હોય, ફળ બીજ યુક્ત હોય તો મુનિરાજને માટે અચિત્ત કરીને ન વહોરાવાય. ઘરના સભ્યોને જો સચિત્તનો ત્યાગ હોય, તો તેના માટે જે પદાર્થો અચિત્ત થાય અથવા જે ફળ કે મેવા ઘરમાં સામાન્ય રીતે અચિત્ત કરીને જ ખાવાનો રિવાજ હોય તો સંયોગ મળતાં મુનિરાજને વહોરાવી શકાય. પ્રશ્ન-૫: મુનિરાજને નિર્દોષ પાણી કેમ વહોરાવાય? ઉત્તર : જે શ્રાવક-શ્રાવિકા સચિત્તના ત્યાગી હોય, તેના ઘરના કોઈપણ સભ્ય સચિત્ત પાણી પીવાના કે સચિત્ત પાણીથી સ્નાન કરવાના ત્યાગી હોય અથવા તો કોઈ પણ કારણથી ઘરમાં ગરમ પાણી વપરાતું હોય તો તે ગૃહસ્થ માટે કરેલા પાણીમાંથી અચાનક પધારતા મુનિરાજને નિદોષપાણી વહોરાવી શકાય. તે સિવાય ઘરના કાર્યક્રમના રિવાજ અનુસાર કોઈ પણ અચિત્ત ધોવણ પાણી થતું હોય અને તે પીવા લાયક હોય અને ગૃહસ્થને અનાવશ્યક કે ફેંકવા માટે પડ્યું હોય, તે પાણીને મુનિરાજ લેવા ઇચ્છે તો વહોરાવી શકાય. પ્રશ્ન-૬: શું સાધુ માટે ગરમ પાણી કે ધોવણ પાણી બનાવી શકાય? ઉત્તરઃ સાધુ-સાધ્વી માટે ગરમ પાણી કે ધોવણ પાણી બનાવવું એ દોષ છે. તેમ કરવાનો રિવાજ થઈ જાય તો પણ તે દોષનું પ્રાયશ્ચિત્ત સાધુ-શ્રાવક બંનેએ કરી લેવું જોઇએ. પ્રાયશ્ચિત્ત ન કરવું એ શિથિલાચારના સેવન અને અનુમોદન રૂપ થાય છે. પ્રશ્ન-૭ઃ શું જૈન શ્રમણ, શ્રાવકોને શ્રાવકાચાર શીખવી ન શકે? ઉત્તર : ઉપદેશ રૂપ સમજાવવામાં સંયમની મર્યાદા રહે છે. જે શ્રમણ ભાષા સમિતિનો વિવેક જાળવી શકે તે શ્રમણ શ્રાવકોને શ્રાવકાચાર શીખવી શકે છે. તે ઉપરાંત આદેશ કે પ્રેરણા અથવા આગ્રહના વ્યવહાર પોતાની સગવડ માટે ન જ કરવા જોઇએ. તેમજ પોતાની સગવડનો સ્વીકાર કરનારની પ્રશંસા કે સન્માન વ્યાખ્યાન આદિ કોઈ સભામાં કરવું, તે પૂર્વ-પશ્ચાત સંસ્તવ દોષ છે.