________________
આગમસાર–પૂર્વાર્ધ
(૬) વાદળના ગરજવા–વરસવાની, વીજળીના ચમકવાની અને સુયોગ્ય સમય તેમજ ક્ષેત્રની ચૌભંગી બને છે. અર્થાત્ બધાં જ વિકલ્પ બને છે. આ પ્રકારે પુરુષ પણ બધા પ્રકારના હોઈ શકે છે. મેઘ અને માતા–પિતા સંબંધિત ચૌભંગીમાં બતાવવામાં આવેલ છે કે ઘણા માતા-પિતા જન્મ દે છે, પરંતુ સંરક્ષણ, ભરણ–પોષણ નથી કરતા. એક જ ક્ષેત્રમાં કે બધાં ક્ષેત્રમાં વરસાદ કરનાર વાદળને રાજાની ઉપમા દેવામાં આવેલ છે.
208
(૭) ચાર પ્રકારના વાદળ હોય છે– ૧. દસ હજાર વર્ષ સુધી જમીનને સ્નિગ્ધ કરી દેનાર ૨. એક હજાર વર્ષ સુધી ૩. દસ વર્ષ સુધી ૪. એક વર્ષ સુધી ભૂમિને સ્નિગ્ધ કરી શકનાર.
(૮) ૧. ઓછું જ્ઞાન ધરાવનાર ભંગીની છાબડી (ગમે તેટલું નાખો છતાં હંમેશાં ખાલી રહેતું પાત્ર) સમાન છે. ૨. ઓછું જ્ઞાન હોવા છતાં પણ વાણી ચાતુર્યવાળા વેશ્યાના કદંડક સમાન છે. ૩. સ્વસમય, પરસમયના જ્ઞાતા ચારિત્રનિષ્ઠ આચાર્ય શેઠના આભૂષણો, સોના, રત્નની પેટી સમાન છે. ૪. આચાર્ય પદવીને યોગ્ય સર્વગુણ સંપન્ન આચાર્ય રાજ ભંડાર સમાન શ્રેષ્ઠ છે. તે જ પ્રકારે વિશાળ છાયા, પરિવારવાળા વૃક્ષ સમાન ઉપમાવાળા આચાર્ય શ્રેષ્ઠ છે.
(૯) માર્ગ ગમનની અપેક્ષાએ ભિક્ષાચરોના ચાર પ્રકાર છે.
(૧૦) મીણ, લાખ, લાકડી, માટીના ગોળા સમાન મનુષ્યના હૃદયની કોમળતા, કઠોરતાનું અંતર હોય છે. લોઢા આદિના ગોળા સમાન મનુષ્ય ભારે કર્મી આદિ હોય છે. સોના, ચાંદી વગેરેના ગોળા સમાન મનુષ્યની ગુણ સંપન્નતા તથા હૃદયની નિર્મલતા ઉચ્ચ, ઉચ્ચતર હોય છે. (૧૧) દેવ, દેવી, મનુષ્ય અને મનુષ્યાણી આ સર્વેયનો પણ પરસ્પર સહવાસ થઈ શકે છે.
(૧૨) શરીર કૃશ અને કષાયનો પણ કોઈ એકાંત સંબંધ નથી. બધા ભંગ સંભવ છે. તે જ રીતે જ્ઞાન–વિવેક, આચરણ–વિવેક અને હૃદય—વિવેકમાં પણ બધા વિકલ્પ સંભવે છે.
(૧૩) ચારિત્ર પાલન કરવા છતાં– ૧. ક્રોધી થવાથી ૨. ક્લેશી થવાથી ૩. આહાર વગેરે માટે તપસ્યા કરવાથી ૪. નિમિત્ત-હાનિ લાભ વગેરે બતાવવાથી, જીવ અસુરત્વને પ્રાપ્ત કરે છે.
૧. પોતાની પ્રશંસા ૨. પરનિંદા–પરદોષ કથન ૩. ભસ્મ-કર્મ- રક્ષા પોટલી વગેરે કરવાથી તથા ૪. કૌતુક કર્મ-મંત્રિત જળ વગેરે પ્રયોગ કરનાર સાધક અભિયોગિક એટલે નોકર દેવ બને છે.
મિથ્યા માર્ગનો ઉપદેશ, મોક્ષ માર્ગમાં અંતરાય, કામભોગની અભિલાષા, નિદાનકરણથી જીવ મોહ કર્મમાં વૃદ્ધિ કરી દુર્લભ બોધિ બને છે.
૧. અરિહંત ૨. અરિહંત ધર્મ ૩. આચાર્ય આદિ ૪. સંઘ વગેરેના અવગુણ ગાવાથી જીવ કિલ્વિષક દેવ બને છે અને કાળાંતરે મૂંગા પશુની યોનિમાં જન્મ ધારણ કરે છે.
(૧૪) સંકલ્પ તેમજ પરિસ્થિતિની અપેક્ષાએ ૨૮ પ્રકારની પ્રવ્રજ્યા કહેવામાં આવી છે.
(૧૫) ચાર સંજ્ઞાઓ ઉત્પન્ન થવાના ચાર–ચાર કારણો છે. જેમાં એક–એક વિશેષ કારણ છે યથા ૧. પેટ ખાલી હોવાથી આહાર સંજ્ઞા ૨. કમજોર મનના કારણે– ભય સંજ્ઞા ૩. લોહી, માંસ, વીર્યની વૃદ્ધિથી– મૈથુન સંજ્ઞા ૪. પરિગ્રહના સંગ્રહને કારણે તથા તેનો ત્યાગ ન કરવાથી– પરિગ્રહ સંજ્ઞા, આ રીતે ચારેય સંજ્ઞા ઉત્પન્ન થાય છે. આ ચારેયમાં સામાન્ય ત્રણ કારણ એ છે કે તે—તે સંબંધી કર્મ ઉદયથી તેમજ જોવાથી, સાંભળવાથી, ચિંતન કરવાથી અને તત્સંબંધી વાર્તા કરવાથી આ સંજ્ઞાઓ ઉત્પન્ન થાય
છે.
(૧૬) પૂર્ણ—અપૂર્ણ, કુરૂપ–સુરૂપ, પ્રિય–અપ્રિય કુંભ સમાન મનુષ્ય પણ ગુણોથી પૂર્ણ–અપૂર્ણ આદિ હોય છે. ૧. ફૂટેલ ૨. જૂના ૩. ઝરતું હોય તેવા ૪. લક્ષણ સંપન્ન ઘડા સમાન ચારિત્ર પણ ચાર પ્રકારના હોય છે. જેમ કે– ૧. 'મૂળ' પ્રાયશ્ચિત યોગ્ય ૨. 'છેદ' પ્રાયશ્ચિત યોગ્ય ૩. સૂક્ષ્મ અતિચાર ૪. નિરતિચાર– સર્વથા શુદ્ધ ચારિત્ર.
(૧૭) મધના ઘડા અને ઝેરના ઘડા અથવા ઢાંકણા સમાન મનુષ્યના હૃદય અને જીભ પણ મીઠા તેમજ કડવા હોય છે. હૃદય અને વચન બંને મિષ્ટ અને કલુષતા રહિત હોય; એ શ્રેષ્ઠ છે.
(૧૮) આકસ્મિક ઘટનાઓને આત્મકૃત(સ્વતઃ થતા) ઉપસર્ગ સમજવા જોઇએ; દેવ, મનુષ્ય અને તિર્યંચે સર્જેલા ઉપસર્ગથી આ ઉપસર્ગ અલગ પ્રકારનો એટલે કે ચોથા પ્રકારનો ઉપસર્ગ(વિશેષ કષ્ટ) છે. આંખમાં ધૂળ પડવી, પગમાં કાંટો વાગવો, કયાંયથી પડી જવાથી, અંગોપાંગ શૂન્ય થઈ જવાથી, સાંધાઓ બંધાઈ જવાથી થનાર કષ્ટ પણ આત્મ સમુત્થ ઉપસર્ગ છે.
૧. દેવતા– કુતૂહલ, દ્વેષ, પરીક્ષા અથવા મિશ્ર હેતુથી ઉપસર્ગ કરે છે. ૨. મનુષ્ય- કુતૂહલ, દ્વેષ, પરીક્ષા અથવા કુશીલ સેવન માટે ઉપસર્ગ કરે છે. ૩. તિર્યંચ– ભય, દ્વેષ, આહાર, પોતાના બચ્ચાં કે સ્થાનના રક્ષણ અર્થે ઉપસર્ગ કરે છે. ૪. સ્વતઃ કર્મોના ઉદયથી. (૧૯) સંઘ ચાર કહ્યા છે— ૧. શ્રમણ ૨. શ્રમણી ૩. શ્રાવક ૪. શ્રાવિકા. એટલે કે ચારેય મળે ત્યારે સંઘ કહેવાય છે.
(૨૦) દ્રવ્યથી પરિગ્રહ મુક્ત અને ભાવથી આસક્તિ– મમત્વ રહિત સાધુ જ મુક્ત અને મુક્તરૂપ થાય છે. (૨૧) સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વની ક્રિયા સિવાય બધી જ ક્રિયાઓ લાગી શકે છે.
(૨૨) ક્રોધથી, ઈર્ષ્યાથી, ઉપકાર ન માનવાથી અર્થાત્ અકૃતજ્ઞ બનવાથી, તેમજ દુરાગ્રહથી ગુણોનો નાશ થઈ જાય છે. ગુણ ગ્રહણના અભ્યાસથી, સ્વચ્છંદતાના ત્યાગથી, ઉપકાર કરવાથી અને ઉપકારનો બદલો ઉપકારથી વાળવાથી ગુણોની વૃદ્ધિ થાય છે. (૨૩) ધર્મના દ્વાર ચાર છે– ૧. ક્ષમાભાવ ૨. સરળતા ૩. લઘુતા—નમ્રતા ૪. નિર્લોભતા.
(૨૪) ૧. મહા આરંભથી ૨. મહા પરિગ્રહથી ૩. માંસાહારથી ૪. પંચેન્દ્રિય વધથી; નરકના આયુષ્યનો બંધ પડે છે. ૧. કપટ ૨. ઠગાઈ ૩. જૂઠાવચન અને ૪. જૂઠા લેખ લખવાથી તિર્યંચના આયુષ્યનો બંધ પડે છે.
૧. ભદ્રતા ૨. વિનય ૩. દયાળુ, સહૃદયતા અને ૪. મત્સર (ઈર્ષ્યા– અસૂયા) ભાવરહિત થવાથી મનુષ્યના આયુષ્યનો બંધ પડે છે.