________________
jainology |
195
આગમસાર
અસ્થિર આત્માવાળાએ આ પ્રકારે વિચાર કરવો જોઇએ–
(૧) હે આત્મન્ ! આ દુષમ કાળ—પાંચમા આરાનું જીવન જ દુ:ખમય છે.
(૨) ગૃહસ્થ લોકોના કામભોગ અતિઅલ્પ અને અલ્પકાલીન છે.(૩) સંપર્કમાં આવનાર લોકો બહુ જ માયાવી અને સ્વાર્થી હોય છે (૪) આ ઉત્પન્ન થયેલ દુઃખ અધિક સમય તો રહેનાર નથી જ.(૫)ગૃહસ્થ જીવનમાં ઘણા બધા સામાન્ય લોકોની ગરજ કરવી પડે છે (૬) ગૃહસ્થ બનવું તે વમન કરેલ વસ્તુ ને ચાટવા એટલે ફરી ખાવા સમાન છે.
(૭) ફરી ગૃહસ્થી બનવું તે નિમ્નસ્તરમાં જવાની અથવા દુર્ગતિની તૈયારી છે.(૮) ગૃહસ્થ જીવનમાં ધર્મ પાલન અતિ કઠિન હોય છે (૯–૧૦) રોગ તેમજ સંયોગ–વિયોગના સંકલ્પ આત્મ સુખોનો નાશ કરનાર છે.
(૧૧-૧૨) ગૃહવાસ એ કલેશ, કર્મબંધ અને પાપથી પરિપૂર્ણ છે અને સંયમ એ કલેશ રહિત, મોક્ષરૂપ અને પાપ રહિત છે. (૧૩) ગૃહસ્થના સુખ–કામભોગ અત્યન્ત તુચ્છ સામાન્ય છે.
(૧૪) પોતાના શુભાશુભ કર્મ અનુસાર સુખ–દુ:ખ ભોગવવા આવશ્યક છે.(૧૫) મનુષ્ય જીવન જાકળ બિંદુ સમાન અસ્થિર છે. (૧૬) હે આત્મન્ ! નિશ્ચયથી પૂર્વે બહુ જ પાપ કર્મોનો સંચય કરી રાખેલ છે.
(૧૭) પૂર્વ સંચિત્ત દુષ્કૃતનું ફળ અવશ્ય ભોગવવું પડશે અથવા તપથી ક્ષય કરવું પડશે, ત્યારે જ મુક્તિ મળી શકે છે.
(૧૮) કોઈપણ અસ્થિર આત્મા સંયમને છોડયા બાદ પશ્ચાત્તાપ કરે છે. દેવલોકના ઇન્દ્ર, દેવ, રાજા, વગેરે પોતાના સ્થાનેથી ચ્યુત થઈ નિમ્ન સ્થાનોને પ્રાપ્ત કરી પૂર્વ અવસ્થાનું સ્મરણ કરીને ખેદ કરે છે. તેવી જ રીતે યુવાની વીતી ગયા પછી વૃદ્ધાવસ્થામાં તે સંયમ ત્યાગનાર ખેદ કરે છે.
(૧૯) જ્યારે કુટુંબ પરિવારની અનેક ચિંતાઓથી ચિંતિત થાય છે, ત્યારે કીચડમાં ફસાયેલ હાથીની જેમ પશ્ચાત્તાપ કરે છે. તેને એ વિચાર આવે છે કે અગર હું આજે જો સાધુ અવસ્થામાં હોત તો સ્થિવર કે બહુશ્રુત વગેરે બન્યો હોત.
(૨૦) વાસ્તવમાં જો મુનિ જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત બની સંયમ તપમાં લીન બને તો સંયમ મહાન સુખકર છે, તેમજ ઉચ્ચ દેવલોક સમાન આનંદકર છે પરંતુ સંયમમાં અરુચિ રાખનાર માટે એ જ સંયમ મહાન દુ:ખકર બની જાય છે.
(૨૧) આવું જાણી સદા સંયમમાં રમણતા કરવી જોઇએ અર્થાત્ સ્વાધ્યાય, ધ્યાન, તપમાં તલ્લીન રહેવું જોઇએ. (૨૨) સંયમથી વ્યુત થયેલાં તેમજ ભોગોમાં આસક્ત બનેલા જીવને અપયશ, અપકીર્તિ અને દુર્ગતિની પ્રાપ્તિ થાય છે.
(૨૩) મુનિ એવો વિચાર કરે કે– નરકના અસંખ્ય વર્ષોના દુઃખની સામે સંયમના માનસિક આદિ દુઃખ અત્યંત નગણ્ય છે; આ દુઃખ, આ શરીર અને આ ભોગ બધું જ અલ્પકાલીન છે, ક્ષણિક છે.
(૨૪) તેવી રીતે પોતાના આત્માને અનુશાસિત કરી હિત—અહિત, હાનિ—લાભનો વિચાર કરી સંયમમાં સ્થિર રહેવું જોઇએ અને મન, વચન અને કાયાથી જિનાજ્ઞાની આરાધના કરવી જોઇએ.
-
બીજી ચૂલિકા
(૧) સંસારની સમસ્ત વૃત્તિઓ અનુશ્રોત ગમન રૂપ એટલે કે પ્રવાહમાં ચાલવા સમાન છે અને સંયમના સમસ્ત આચાર પ્રતિશ્રોત ગમનરૂપ પ્રવાહની સામે ચાલવા સમાન છે. ખરેખર ઇચ્છા–સુખ, ઇન્દ્રિયસુખ તેમજ લોક પ્રવાહની અપેક્ષાએ સંયમના આચાર નિયમ વિપરીત કે વિલક્ષણ જ હોય છે. ઇન્દ્રિયાભિમુખ પ્રવૃત્તિ અને ૧૮ પાપ સેવન સંસાર(અનુશ્રુતિ) છે. ઇન્દ્રિયોથી વિરક્ત(ઉદાસીન) પ્રવૃત્તિ અને પાપ ત્યાગ પ્રયત્ન એ ધર્મ (પ્રતિશ્રુતિ ગમન) છે.
(૨) સંયમચર્યા, ગુણ, નિયમ આદિ સંવર તેમજ સમાધિની મુખ્યતાવાળા છે.
(૩) અનિયતવાસ, અનેક ઘરેથી આહાર પ્રાપ્તિ, અજ્ઞાત ઘરોથી અલ્પઆહાર ગ્રહણ, એકાન્તવાસ, અલ્પઉપધિ એ મુનિના પ્રશસ્ત આચાર છે.
આકીર્ણ–જનાકુલ સંખડી વર્જન,(જયાં મોટો માનવ સમુદાય ભેગો થયો હોય અથવા તો ભોજન સમારંભમાંથી વહોરવાનો ત્યાગ), દષ્ટ સ્થાનેથી દેવામાં આવતો આહાર જ ગ્રહણ કરવો, પશ્ચાત્ કર્મ આદિ દોષ વર્જન, મદિરા, માંસ, મત્સ્ય આહારનો ત્યાગ, વારંવાર વિગયોનો ત્યાગ એટલે કે પ્રાયઃ સામાન્ય અને નિરસ આહારજ કરવો, વારંવાર કાયોત્સર્ગ તેમજ સ્વાધ્યાયના યોગોમાં જ પ્રયત્નશીલ રહેવું તે ભિક્ષુના આવશ્યક આચાર છે.
કોઈપણ શયન, આસનમાં કે ગ્રામાદિમાં મમત્વભાવ ન કરવો, પ્રતિબદ્ધ ન થવું, ગૃહસ્થ સેવા તેમજ તેમને વંદન–પૂજન ન કરવા, સંક્લેશકારી સાથીઓ સાથે ન રહેવું, સંયમ ગુણોની હાનિ ન થાય તેનું ધ્યાન રાખવું. પુણ્યભાવથી સહયોગી, શાન્તિ પ્રદાયક, ગુણવાન સાથી ન મળે તો સંયમ છોડવાનો સંકલ્પ ન કરતાં એકલા જ સંયમ પાલન કરવું. ભિક્ષુ એકલ વિહારચર્યા કાળમાં અત્યંત સાવધાન રહે; કામભોગોમાં, ઇન્દ્રિય વિષયોમાં અનાસક્ત રહે.
એક વર્ષ સુધી પુનઃ તે ક્ષેત્રમાં ન જવું, જ્યાં ઉત્કૃષ્ટ કલ્પ ચાતુર્માસ રહેલ હોય. અન્ય પણ સૂત્રાજ્ઞાઓનું પૂર્ણ ધ્યાન રાખે.
હંમેશાં સૂતાં, ઊઠતાં મુનિ આત્મનિરીક્ષણ–ગવેષણ કરે કે– મૈં તપ સંયમમાં શું પુરુષાર્થ ર્યો છે અને ક્યો પુરુષાર્થ કરવાનો બાકી છે ? શક્તિ હોવા છતાં પણ હું, શું પુરુષાર્થ કરતો નથી ?
બીજાને મારા ક્યા અવગુણ દેખાય છે અને મને ક્યા દેખાય છે ? ક્યા દોષોને હું જાણવા છતાં પણ છોડતો નથી ? આ પ્રમાણે વિચાર કરી મુનિ કોઈ પણ દૂષણ લાગે તો તેને શીઘ્ર દૂર કરી ગુણોને ધારણ કરે.
આ પ્રમાણે પ્રયત્ન કરનાર મુનિ એકલા હોવા છતાં પણ સદા સંયમી જીવન જીવે છે, તેથી લોકો તેને આત્માર્થી, ઉચ્ચ આત્માની દૃષ્ટિએ જુએ છે. સાધકે બધી જ ઇન્દ્રિયોને સમાધિમાં રાખતા થકા, કર્મબંધથી આત્માની રક્ષા કરવી જોઇએ. આત્મરક્ષા નહીં કરનાર જન્મ-મરણ વધારે છે. સાચો આત્મરક્ષક સર્વ દુઃખોનો અંત કરી મોક્ષ પ્રાપ્ત કરે છે.
॥ દશવૈકાલિક સૂત્રનો સારાંશ સમાપ્ત I