________________
આગમચાર-પૂર્વાર્ધ
172 તે ઇન્દ્રિય – લાલ કીડી, કાળી કીડી, મકોડા, પુસ્તકોમાંના નાના મોટા જીવ, જમીન જેવા રંગના કંથવા, ઈતડી, ઉધઈ, કાચા મકાનમાં અને વૃક્ષની નીચે અનેક પ્રકારના જીવ, ચાંચડ, માંકડ, જૂ, લીખ આદિ તેઈન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. ચૌરેન્દ્રિય – માખી, મચ્છર, ડાંસ, નાના મોટા કરોળિયા, અનેક પ્રકારની કંસારી, વીજળી બલ્બથી થતાં મચ્છર અને નાના મોટા અનેક જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. પંચેન્દ્રિય:- કૂતરાં, ચકલી, કબૂતર, ઉદર, બિલાડી,મોટી માખી જેટલા નાના દેડકા વગેરે જીવોની વિરાધના થઈ હોય તથા માર્ગમાં લઘુનીત કફ વગેરે અશુચિ પર પગ આવ્યા હોય, ગટરોને ઓળંગવી પડી હોય અથવા ગટરના પાણી આદિ ઓળંગતા વિરાધનાનું કારણ બન્યું હોય તથા પરઠવા સંબંધી અવિધિથી કાંઈ વિરાધનાનું કારણ બન્યું હોય ઈત્યાદિ સંજ્ઞી, અસંશી જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા તેમજ બીજા સ્ત્રી, પુરુષ, પશુ પક્ષીઓની મન, વચન, કાયાથી કોઈપણ પ્રકારની આશાતના, વિરાધના કરી હોય તો મારું પાપ મિથ્યા થાઓ. મહાવ્રતના પાઠ:પહેલું મહાવ્રતઃ સંપૂર્ણ હિંસાનો ત્યાગ – છ કાય જીવોની સૂક્ષ્મ અને સ્થૂલ રૂપે મનથી, વચનથી, કાયાથી જીવન પર્યત હિંસા કરવી નહિ, કરાવવી નહિ અને કરતાને અનુમોદવી નહીં. એવા પહેલા મહાવ્રતની પાંચ ભાવના છે. (૧) યતનાપૂર્વક જોઈને ચાલવું. (૨) હંમેશાં મનને પ્રશસ્ત રાખવું. (૩) હંમેશાં સારા વચનોનો જ પ્રયોગ કરવો. (૪) ગવેષણાના નિયમોનું પૂર્ણ રૂપથી આત્મ સાક્ષીથી પાલન કરવું. (૫) વસ્તુ રાખવી, ઉપાડવી, પરઠવી વગેરે પૂર્ણ વિવેક તેમજ યત્નાની સાથે કરવું; એવા પહેલા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. (નિષ્ફલ થાઓ) બીજું મહાવ્રતઃ સંપૂર્ણ અસત્યનો ત્યાગ :- વિચાર્યા વગર, ઉતાવળમાં તેમજ ક્રોધ, માન, માયા, લોભને વશ થઈ સૂક્ષ્મ કે ભૂલ કોઈપણ પ્રકારે મનથી, વચનથી, કાયાથી જીવનપર્યત જૂઠું બોલવું નહીં,બોલાવવું નહીં, બોલવાવાળાને રૂડું માનવું નહીં. એવા બીજા મહાવ્રતની પાંચ ભાવના છે. (૧) સમજી વિચારીને શાંતિપૂર્વક બોલવું. (૨–૩) ક્રોધ-લોભ વગેરે કષાયોના ઉદય સમયે ક્ષમા–સંતોષ આદિ ભાવોને ઉપસ્થિત રાખવા, મૌન તેમજ વિવેક ધારણ કરવા. (૪) હાંસી, મજાક, કુતૂહલના પ્રસંગે અથવા તેવા ભાવ ઉપસ્થિત થાય ત્યારે પણ મૌન તેમજ ગંભીરતા ધારણ કરવી. (૫) ભય સંજ્ઞા થતાં નીડરતા તેમજ ધૈર્ય ધારણ કરવા. એવા બીજા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. ત્રીજું મહાવ્રતઃ સંપૂર્ણ અદત્તનો ત્યાગ:- ક્યાંય પણ, કોઈપણ નાની મોટી વસ્તુ આજ્ઞા વિના તથા કોઈ દ્વારા દીધા વિના મનથી, વચનથી, કાયાથી, જીવન પર્યત ગ્રહણ કરવી નહીં, કરાવવી નહીં, અદત્ત ગ્રહણ કરનારાને ભલા પણ જાણવા નહીં. એવા ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના છે. (૧) નિર્દોષ સ્થાન, શય્યા સંથારાની યાચના કરવી. (૨) તૃણ, કાષ્ટ ઘાસ, લાકડું, કાંકરો, પત્થર, આદિ પણ યાચના કરીને લેવા. (૩) સ્થાનક આદિના પરિકર્મ કરવા, કરાવવા નહીં. (૪) સહયોગી સાધુના આહાર પાણીનો સંવિભાગ કરવો, તેમના ઉપકરણ આદિ અદત્ત લેવા નહીં. (૫) વિનય, તપ, સંયમ, ધર્મના કર્તવ્યોનું ઈમાનદારીથી પાલન કરવું. તપના ચોર, રૂપનાં ચોર, વ્રતનાં ચોર, આચારના ચોર તેમજ ભગવંતની આજ્ઞાના ચોર થવું નહીં. એવા ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. ચોથું મહાવ્રતઃ કુશીલનો સંપૂર્ણ ત્યાગ :- મનુષ્ય, પશુ, દેવ સંબંધી કામ ભોગનું સેવન અથવા સંકલ્પ, ઇચ્છા કરવી નહીં, દષ્ટિ વિકાર અથવા કામ કુચેષ્ટા કરવી નહીં. મનથી, વચનથી, કાયાથી જીવન પર્યત આ પ્રકારના કુશીલ અબ્રહ્મચર્યનું સેવન સ્વયં કરવું નહીં, કરાવવું નહીં, કુશીલ સેવનારને રૂડાં પણ જાણવા નહીં. આવા ચોથા મહાવ્રતની પાંચ ભાવના છે. (૧) સ્ત્રી, પશુ વગેરેથી રહિત મકાનમાં રહેવું. (૨) સ્ત્રી સંપર્ક પરિચય વાતનો વિવેક રાખવો, (૩) સ્ત્રીના અંગોપાંગને રાગ, આસક્તિ ભાવથી જોવા સંભારવા અથવા નિરખવા નહીં, (૪) પૂર્વે ભોગવેલા ભોગોનું સ્મરણ કરવું નહીં, તેમજ નવાના કુતૂહલ આકાંક્ષા કરવા નહીં. (૫) સદા સરસ સ્વાદિષ્ટ કે અતિમાત્રામાં આહાર કરવો નહીં, અથવા ઊણોદરી તપ તેમજ રસેન્દ્રિય વિજય કરવો. એવા ચોથા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. પાંચમું મહાવ્રતઃ સંપૂર્ણ પરિગ્રહ ત્યાગ:- સોના, ચાંદી, ધન, સંપત્તિ, જમીન, જાયદાદ(વારસો) રાખવાનો સંપૂર્ણ ત્યાગ; સંયમ અને શરીરને આવશ્યક ઉપકરણો સિવાય સંપૂર્ણ નાના મોટા પદાર્થોનો ત્યાગ; ગ્રહિત અગ્રહિત બધા પદાર્થો પર મમત્વ મૂર્ણા આસક્તિ ભાવનો પૂર્ણ રૂપથી ત્યાગ; મનથી, વચનથી, કાયાથી જીવન પર્યંત. આ પ્રકારે દ્રવ્ય તેમજ ભાવ પરિગ્રહ કરવો નહીં, કરાવવો નહીં કરનારાની અનુમોદના કરવી નહીં; એવા પાંચમા મહાવ્રતની પાંચ ભાવના છે.(૧-૫) શબ્દ-રૂપ-ગંધ- રસ–તેમજ સ્પર્શના શુભ સંયોગમાં રાગભાવ આસક્તિ ભાવ કરવા નહીં. તેમજ અશુભ સંયોગમાં દ્વેષ, હીલના અપ્રસન્ન ભાવ કરવા નહીં. પુગલ સ્વભાવના ચિંતનપૂર્વક સમભાવ, તટસ્થભાવના પરિણામોમાં રહેવું. રાગદ્વેષથી રહિત બનવાનો અને કર્મ બંધ થાય નહીં તેવો પ્રયત્ન કરવો. એવા પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. છઠું વ્રતઃ રાત્રિ ભોજનનો સંપૂર્ણ ત્યાગ:- આહાર, પાણી, ઔષધ, ભેષજ વગેરે કોઈપણ ખાદ્ય પદાર્થ, લેપ્ય પદાર્થ રાત્રિના સમયે પાસે રાખવા નહીં, ખાવા-પીવા નહીં, ઔષધ ઉપચાર લેપ વગેરે કરવા નહી, આગાઢ પરિસ્થિતિથી રાત્રે રાખેલા પદાર્થ રાત્રે કામમાં લેવા નહીં, રાત્રે ઉડ્યાલ મુખમાં આવી જાય તો એને કાઢી નાખવો, દિવસમાં પણ અંધકારયુક્ત સ્થાનમાં આહાર કરવો. નહીં. અંધકારયુક્ત સ્થાનમાં ગોચરી વહોરવી પણ નહિં.
આવી રીતે દિવસ રાત્રિ ભોજન(અંધકારયુક્ત સ્થાનમાં) અને રાત્રિ–રાત્રિ ભોજનરૂપ છઠ્ઠા વ્રતની કોઈપણ મર્યાદાનું ઉલ્લંઘન થયું હોય તો મારા પાપ નિષ્ફળ થાઓ, (મિચ્છામિ દુક્કડં.) કાયોત્સર્ગમાં એમનું હું અવલોકન કરું છું.