________________
jainology |
આગમસાર
સિદ્ધોના ગુણો મહાન હોવા છતાં પણ લોકમાં ધર્મ પ્રવર્તનની અપેક્ષાએ, તીર્થ સ્થાપનાની અપેક્ષાએ અરિહંત ભગવાન અતિ નિકટ ઉપકારી હોવાથી તેમને પ્રથમ પદમાં રાખવામાં આવેલ છે.
163
(૩) આચાર્ય : જિનશાસનમાં સાધુ–સાધ્વીજીઓના અનુશાસ્તા, સંઘ શિરોમણી, ગુણ સંપન્ન, પ્રતિભાવંત, મહાશ્રમણને આચાર્ય પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. તે પોતાના નિશ્રાગત(અધીનસ્થ) સાધુ–સાધ્વીના સંયમ ગુણોના સાચા સંરક્ષક હોય છે. તેમને આ ત્રીજા પદમાં નમસ્કાર કરવામાં આવેલ છે.
(૪) ઉપાધ્યાય : સંઘમાં અધ્યાપન સુવિધા તેમજ વ્યવસ્થા માટે, શિષ્યોને યથાક્રમે આગમ અઘ્યયન કરાવવા, આચાર્યના સહયોગી ઉપાધ્યાય નિયુક્ત કરવામાં આવે છે. જેઓ સ્વયં આગમોના ગહન અધ્યેતા(અભ્યાસી) ગીતાર્થ-બહુશ્રુત હોય છે,પોતાના જીવનમાં તે જ્ઞાનને આત્મસાત કરેલા હોય છે અને આચાર્ય દ્વારા પોતાની પાસે નિયુક્ત શિષ્યોને કુશળતાથી યોગ્યતા અનુસાર અધ્યયન કરાવે છે. જિન શાસનમાં આગમજ્ઞાનની પરંપરાને પ્રવાહિત કરવા– વાળા આવા મહાજ્ઞાની સાધુઓને ચોથા પદમાં નમસ્કાર કરવામાં
આવે છે.
(૫) સાધુ–સાધ્વી : અધ્યાત્મ સાધનામાં ૧૮ પાપોનો ત્યાગ કરી ધર્મની સમ્યક આરાધના કરનારા, પાંચ મહાવ્રતોનું પરિપૂર્ણ પાલન કરનારાને સાધુ–સાધ્વી કહેવામાં આવે છે. આ સાધુ–સાધ્વી સામાન્ય તેમજ વિશેષ અનેક શ્રેણીવાળા હોઈ શકે છે. અલ્પશ્રુત અને બહુશ્રુત અથવા મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની આદિ બધા જ સાધુઓને આ પાંચમા પદમાં નમસ્કાર કરવામાં આવે
છે.
અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય આ ત્રણે પદોવાળા પણ સૌ પ્રથમ પાંચમા પદમાં જ પ્રવેશ કરે છે પરંતુ ત્યારપછી પોતાની યોગ્યતા અને કાર્યક્ષમતાથી અરિહંત આદિ પદોને પ્રાપ્ત કરે છે.
(૮) આ પાંચ નમસ્કરણીય પદોને મન, વચન, કાયા દ્વારા નમસ્કાર કરવાથી પાપોનો એટલે પાપ કર્મોનો નાશ થાય છે અર્થાત્ અનેક કર્મોની નિર્જરા થાય છે. આ પાંચ પદોને કરવામાં આવેલ નમસ્કાર અલૌકિક મંગલ સ્વરૂપ થાય છે, અર્થાત્ લૌકિક રીતે જે અનેક મંગલ માનવામાં આવે છે, તે સર્વ મંગલોમાં આ નમસ્કારરૂપ મંગલ સર્વોચ્ચ મંગલ સ્વરૂપ છે. તેથી દરેક મંગલની આવશ્યકતાના સ્થાને આ પાંચ પદોને નમસ્કાર કરવા યોગ્ય ગણાય છે.
(૯) આ પ્રકારે આ પંચ પરમેષ્ઠિ નમસ્કાર મંત્ર સમસ્ત અધ્યાત્મગુણ સંપન્ન આત્માઓનો અર્થાત્ નમસ્કરણીઓનું સંકલન સૂત્ર છે (૧૦) આ મહામંત્રમાં કોઈ પણ વ્યક્તિનું નામાંકન કરવામાં આવેલ નથી, એ જ આ મંત્રની વિશાળતાનું દ્યોતક છે.
અર્થાત્ ઉપર્યુક્ત ગુણ સંપન્ન સમસ્ત અરિહંતોને, સમસ્ત સિદ્ધોને, સમસ્ત આચાર્યોને, સમસ્ત ઉપાધ્યાયોને તથા સમસ્ત સાધુ–સાધ્વીઓને આ નમસ્કાર મંત્રમાં વંદન નમસ્કાર કરવામાં આવે છે.
પ્રથમ આવશ્યક(અધ્યયન) સામાયિક સૂત્ર :
:
(૧) આ સૂત્ર સામાયિક ગ્રહણ કરવાનું પ્રતિજ્ઞાસૂત્ર છે. સામાયિકમાં સાવધ યોગોનો ત્યાગ કરવામાં આવે છે.
(૨) સાવધ યોગનો અર્થ થાય છે કે બધા જ પ્રકારના, કુલ ૧૮ પ્રકારના પાપકાર્યો. આ ૧૮ પ્રકારના પાપોનો યાવજ્જીવન ત્યાગ કરવાથી આજીવન સામાયિક થાય છે, આથી યાવજ્જીવનની સામાયિકને ગ્રહણ કરનારને સાધુ કહેવામાં આવે છે. એક મુહૂર્ત માટે આ અઢારપાપોનો ત્યાગ કરવાથી શ્રાવકની સામાયિક થાય છે.
(૩) આ પાપોના ત્યાગની સાથે સામાયિકમાં વધુમાં વધુ સમભાવની પ્રાપ્તિ થવી એ પણ 'સામાયિક' શબ્દનો સાચો તાત્પર્ય અર્થ છે. (૪) સાધુઓની આવી આજીવન સામાયિકમાં ત્રણ કરણ અને ત્રણ યોગથી પાપ કાર્યોનો ત્યાગ હોય છે.
(૫) પાપ કરવું નહિ, કરાવવું નહિ અને પાપ કર્મ કરવાવાળાને અનુમોદન ન આપવું તેને ત્રણ કરણનો ત્યાગ કહેવામાં આવે છે. (૬) મનથી, વચનથી, શરીરથી આ ત્રણેયથી પાપ કાર્ય ન કરવું, તેને ત્રણ યોગથી પાપ કાર્યનો ત્યાગ કહેવામાં આવે છે.
(૭) આ પ્રકારે આ સામાયિક પ્રતિજ્ઞાસૂત્રથી સામાયિક ગ્રહણ કરનાર, અઢાર પાપોને મન, વચન તથા કાયાથી કરતા નથી. બીજાઓને આ પાપ કાર્યો કરવાની પ્રેરણા કે આદેશ પણ આપતા નથી અને પાપ કાર્યો કરવાવાળાની પ્રશંસા કરતા નથી, તેમના કૃત્યોને સારા પણ જાણતા નથી. પાપ કાર્યોથી ઉપાર્જન થયેલ પદાર્થોની પણ પ્રશંસા કરતા નથી.
(૮) તે અઢાર પાપ આ પ્રમાણે છે– ૧. હિંસા ૨. જૂઠ ૩. ચોરી ૪. કુશીલ ૫. પરિગ્રહ–ધનસંગ્રહ ૬. ગુસ્સો ૭. ઘમંડ ૮. કપટ ૯. લાલચ-તૃષ્ણા ૧૦. રાગ ૧૧. દ્વેષ ૧૨. કલેશ–ઝઘડા ૧૩. કલંક લગાડવું ૧૪. ચુગલી ૧૫. પરનિંદા ૧૬. હર્ષ-શોક ૧૭. ધોખો–ઠગાઈ અથવા કપટ યુક્ત જૂઠ ૧૮. અસત્ય સમજ, ખોટી માન્યતા, ખોટા સિદ્ધાંતોની માન્યતા–પ્રરૂપણા.
એક મુહૂર્તની કે આજીવન સામયિક ગ્રહણ કરનાર, પોતાની તે સામાયિક અવસ્થા દરમ્યાન હિંસાદિ પાપ કે ગુસ્સો, ઘમંડ, નિંદા, વિકથા, રાગ–દ્વેષ અથવા ક્લેશ, કદાગ્રહ આદિ કદાપિ કરી શકતા નથી. તે વિચારોથી પરમ શાંત અને પવિત્ર હૃદયી બની હંમેશા પોતાની જાતને આવા પાપોના ત્યાગમાં સાવધાન રાખે છે. ત્યારે જ તે સામાયિકવાન સાધુ અને સામાયિકવ્રતવાળા શ્રમણોપાસક (શ્રાવક) કહેવામાં આવે છે.
બીજો આવશ્યક(અધ્યયન) ચોવીસ જિન સ્તુતિ સૂત્ર :
(૧) આ સૂત્ર ‘લોગસ્સ’ શબ્દથી શરૂ થાય છે, તેથી તેનું પ્રસિદ્ધ નામ ‘લોગસ્સનો પાઠ’ છે. ગ્રંથોમાં તેને ‘ઉત્કીર્તન’ નામથી કહેલ છે. કારણ કે તેમાં તીર્થંકર ભગવંતોના ગુણકીર્તન કરવામાં આવેલ છે. આગમમાં આ સૂત્રના ‘જિન સંસ્તવ’ અને ‘ચતુર્વિશતિસ્તવ’ એવા નામ મળે છે.
(૨) આ સૂત્રમાં સાત ગાથાઓ છે. પ્રથમ ગાથામાં તીર્થંકર ભગવાનના પરિચયની સાથે તેમના કીર્તનની પ્રતિજ્ઞા છે. ત્યાર પછીની ત્રણ ગાથાઓમાં ચોવીસ તીર્થંકરોને નામની સાથે સન્માનપૂર્વક વંદન કરવામાં આવ્યા છે. અંતિમ ત્રણ ગાથાઓમાં તીર્થંકરોના ગુણ તેમજ મહાતમ્ય(મહત્ત્વ)નું કથન કરેલ છે. અંતમાં ઉપસંહારરૂપે સભક્તિ મોક્ષ પ્રદાન કરવાની પ્રાર્થના પણ કરેલ છે.