________________
આગમચાર-પૂર્વાર્ધ
122 (૫) ભિક્ષુ હર્ષ-શોકના ભાવોનો ત્યાગ કરી, બધા પરીષહોને જીતે અને કર્મોનો નાશ કરે. આ પ્રકારે ઉપર મુજબના આચરણો દ્વારા નિઃસંદેહપણે સમાધિ પ્રાપ્ત થાય છે. (૬) આ લોકમાં ઘણા જુદા-જુદા અભિપ્રાયો અને માન્યતાવાળા લોકો રહે છે. તેનાથી દૂર જ રહેવું જોઇએ. તેવા લોકો સમાધિનો ફક્ત દેખાવ જ કરતા હોય છે પરંતુ સંયમ તપમાં પુરુષાર્થ કરી આત્મ નિગ્રહ કરતા નથી, તેથી તેઓ અંતમાં બહુજ અસમાધિ, અશાંતિ તેમજ ભવભ્રમણ ને પ્રાપ્ત કરે છે. (૭) હિંસા, જૂઠ વગેરે અઢાર પ્રકારના પાપોથી જ બધા પ્રકારના દુઃખ ઉત્પન્ન થાય છે. જ્ઞાની તેનો ત્યાગ કરી હંમેશાં શુદ્ધ સંયમમાં લીન રહે. ઇચ્છા અને આસક્તિની પકડમાંથી છૂટી, શરીરના મમત્વનો ત્યાગ કરી, જીવન-મરણની ઇચ્છા થી મુક્ત બની જાય. આ પ્રકારે આત્મ સમાધિને પ્રાપ્ત કરી ભિક્ષુ સંસાર ચક્રથી મુક્ત બની જાય છે.
અગિયારમો અધ્યયન માર્ગ (૧) કોઈ પણ જીવને દુઃખ ન દેવું, કોઈના પ્રત્યે વિપરીત આચરણ ન કરવું, વિરોધ ભાવ ન રાખવો, જગતના બધાં જ પ્રાણીને દુઃખથી પીડિત જાણી, દુઃખથી આક્રંદ કરતા જાણીને અત્યન્ત અનુકંપા ભાવ રાખવો, તે અહિંસા ભાવ છે અને તે જ જ્ઞાનનો સાર છે (૨) અહિંસા ભાવની સુરક્ષા માટે જ એષણાના ઔદેશિક, પૂતિકર્મ વગેરે દોષ થી રહિત આહારની ગવેષણા કરવી જોઇએ. (૩) અહિંસાના સંપૂર્ણ પાલનમાં ભાષાનો વિવેક પણ જરૂરી છે. સૂક્ષ્મ દષ્ટિએ ભિક્ષુ જ્યાં દયા, દાનના ભાવોની પ્રવૃત્તિમાં હિંસાનો સંભવ હોય છે, એવા મિશ્ર પ્રસંગોમાં કંઈપણ એકાંત પ્રરૂપણ, કથન કે પ્રેરણા ન કરે, પરંતુ મૌન રહે અને માધ્યસ્થ ભાવોમાં રહેતા મુનિએ કોઈપણ પ્રકારના આગ્રહમાં પડવું નહીં. (૪) દાન આદિમાં ઘણા જીવોની હિંસા પણ થતી હોય છે અને ઘણાં જીવોને શાતા પણ મળતી હોય છે. આવી પ્રવૃત્તિઓ ન કરવાની સલાહ દેવાથી અંતરાય દોષ લાગે છે અને પ્રેરણા દેવાથી હિંસાનો દોષ લાગે છે. તેથી સાધુએ ભાષા તેમજ ભાવોનો વધુમાં વધુ વિવેક રાખવો જોઇએ. (૫) આ પ્રકારે અહિંસાનું પાલન કરનાર એષણાનો તેમજ ભાષાનો વિવેક રાખનાર તથા તપનું આચરણ કરનાર, તેમજ કષાયનો. ત્યાગ કરનાર, મહા પ્રજ્ઞાવાન મુનિ મોક્ષમાર્ગની આરાધના કરે છે.
બારમો અધ્યયન- સમવસરણ. (૧) ભૂમંડલમાં ચાર મુખ્ય ધર્મવાદ હોય છે– ૧. ક્રિયાથી મોક્ષ ૨. અક્રિયા થી મોક્ષ ૩. અજ્ઞાનથી મોક્ષ ૪. વિનય થી મોક્ષ.
આ સર્વે એકાંતવાદ હોવાથી મિથ્યા છે. (૨) વાસ્તવમાં અનાદિથી આચરણમાં ગુંથાઈ ગયેલ પાપના ત્યાગ માટે ધર્મક્રિયા જરૂરી છે. પૂર્ણ આશ્રવ(કર્મ બંધ) રહિત થવા માટે છેલ્લે તો યોગોથી અક્રિય પણ થવું જરૂરી છે. વિનય તો સાધનાનો પ્રાણભૂત આવશ્યક ગુણ છે, તેથી આ ત્રણેય સાપેક્ષ છે. અજ્ઞાનવાદ તો “આંધળાનો નાવિક આંધળો' એ ઉક્તિને ચરિતાર્થ કરવા સમાન છે. (૩) કેટલાક તો અષ્ટાંગ નિમિત્તનું અધ્યયન કરી લોકોને ભવિષ્ય બતાવે છે. આ નિમિત્તોની આગાહી ઘણીવાર સાચી પડે છે તો. ઘણીવાર ખોટી પણ પડે છે, તેથી મુનિ તેનાથી દૂર રહે. (૪) સંસારમાં જીવમાત્ર પોતાના જ કરેલ કર્મોના ઉદયમાં આવવાથી દુઃખી થાય છે, આ કર્મોની શાંતિ પાપકાર્યો કરવાથી થતી નથી પરંતુ સંતોષ ધારણ કરી તેમજ લોક સ્વરૂપ જાણી, જીવોને આત્મવત્ (પોતાના જેવા જ) સમજી, હિંસા અને પરિગ્રહનો ત્યાગ કરવો. એજ શાંતિદાયક છે. (૫) જે આત્મ સ્વરૂપને સમજી લે છે, સાથે-સાથે લોકઅલોક, ગતિ–આગતિને, શાશ્વત-અશાશ્વત તત્ત્વોને, આશ્રવ–સંવર તત્ત્વને, દુઃખ અને નિર્જરાના સ્વરૂપ ને સમજી લે છે, તે જ મોક્ષમાર્ગનું અન્યને કથન કરી શકે છે. (૬) શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શમાં આસક્તિ કે દ્વેષભાવનો ત્યાગ કરનાર સંસાર ચક્રથી છૂટી જાય છે.
તેરમો અધ્યયન- યથા તથ્ય. (૧) સદ આચરણ વાળાને શાંતિ અને અસદ આચરણ વાળાને અશાંતિ પ્રાપ્ત થાય છે. (૨) સંયમ ધારણ કરીને પણ ઘણા સાધક અનુશાસકથી વિપરીત બુદ્ધિ રાખે છે, કઠોર ભાષણ કરે છે, ક્રોધ કરે છે, પૂછવા પર કપટ યુક્ત બોલે છે, ક્લેશ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરે છે, તેઓ ગુણો માટે અપાત્ર હોય છે અને પગદંડી ગ્રહણ કરનાર આંધળા સમાન ભટકી–ભટકીને અનંત ઘાતને પ્રાપ્ત કરે છે એટલે ભવભ્રમણ વધારે છે. (૩) જે ગુરુ સાંનિધ્યમાં રહીને તેમના કઠોર, અનુશાસનમાં પણ ચિત્તવૃત્તિને શુદ્ધ રાખે છે, મૃદુભાષી, અમાયાચારી, ચતુર, વિવેકી હોય છે તે અશાંતિ અસમાધિથી દૂર રહે છે. (૪) જે પોતાની જાતને જ “સર્વ માને છે, તેવા અહંકારમાં રાચે છે, અન્યનો તિરસ્કાર કરે છે અને બીજાની ગણના માત્ર પણ કરતા નથી; તેવા માની (માન કષાયવાળા) સંયમમાં સ્થિર રહી શકતા નથી. (૫) જ્ઞાન અને ચારિત્ર સિવાય અન્ય, ઘમંડ આદિ અવગુણ કોઈ પણ જીવને શરણભૂત બનતા નથી. તેથી ભિક્ષુ અકિંચન બનીને રહે, ગર્વ, માન, પ્રશંસાથી મુક્ત બને. સુસાધુ અને મૃદૃભાષી બને. કોઈની અવહેલના–નિંદા ન કરે. પોતાની પ્રજ્ઞા, તપ, ગોત્ર વગેરેનો મદ ન કરે. તેવું કરવાથી તે ઉચ્ચ અગોત્રગતિને એટલે કે મોક્ષને પ્રાપ્ત કરે છે. (૬) મુનિ ક્યારેક અનેકની સાથે રહે અને ક્યારેક એકલો બની જાય તો પણ હર્ષ-શોક ન કરે. એકાંતમાં મૌન રહે અને એવો વિચાર કરે કે જીવ એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે.