________________
૨૯૬
સમાધિમરણ
વિકારભાવ ન હતો. તેને પ્રતિબોધ કરવા ગુરુએ રાજપુત્રી લક્ષ્મણાનું પણ દ્રષ્ટાંત આપ્યું; છતાં તે રૂપી સાધ્વી બોલી કે-હે ભગવાન! મારામાં એવું કાંઈ પણ શલ્ય નથી. એમ કહેવાથી તેણે માયાથી ફરી સ્ત્રીપણું ઉપાર્જન કર્યું. ગુરુએ તેને સંલેખના કરાવી નહીં. શીલસન્નાહ મુનિ એક માસની સંલેખના કરીને કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા.
માયા શલ્ય ન છોડવાથી રૂપી સાધ્વી વિરાઘભાવને પામી. રૂપી સાધ્વી વિરાધકભાવે મરણ પામીને તે દેવી થઈ. ત્યાંથી ચ્યવીને કામવાસનાથી વિહળ એવી બ્રાહ્મણની પુત્રી થઈ અને ત્યાંથી તે નરકે ગઈ. નરકમાંથી નીકળીને તિર્યંચ થઈ. એ પ્રમાણે ત્રણ ઊણા લાખ ભવ સુધી પરિભ્રમણ કરીને પછી મનુષ્યભવ પામી તે ભવમાં સાધુપણાના ગુણને પામી, પણ માયાને લીધે ઇન્દ્રની ઇન્દ્રાણી થઈ. ત્યાંથી ચ્યવીને તે ગોવિંદની સ્ત્રી થઈ તે ભવમાં ચારિત્ર લઈ, નિરતિચારપણે તેને પાળીને તે મોક્ષે ગઈ.” (ચોસઠપ્રકારની પૂજાના આધારે)
સમાધિમરણ માટે દેહાધ્યાસ ન ઘટાડ્યો તો મળેલો આવો યોગ વ્યર્થ જશે
“મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ અને પાંચ જ્ઞાન તથા ત્રણ રત્ન મળી ૩૬ માળાનો જે ક્રમ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ ગોઠવ્યો છે તેનો વિચાર થવા તથા સમાધિમરણની તૈયારીરૂપ એ ક્રમ આરાધવા ઇચ્છા અને અનુકૂળતા હોય તો હરક્ત નથી. રોજ ન બને તો પૂર્ણિમા કે તેવો કોઈ દિવસ નક્કી કરી અઠવાડિયે-પખવાડિયે ભાવપૂર્વક ક્રમ સેવવાથી તે તે પ્રકૃતિઓનું ઓળખાણ અને કર્મરહિત થવાના ઉપાયની ઝાંખી થાય તેવું બળ મળવા યોગ્ય છેજી. જેટલી જાગૃતિ આત્મહિતમાં રહેશે, તેમાં વિશેષ પુરુષાર્થ થશે તેટલી સમાધિ મરણની તૈયારી થાય છે. દેહાધ્યાસ ઘટાડવા તો જરૂર પુરુષાર્થ કર્તવ્ય છેજી. આમ ને આમ દેહાદિ પદાર્થો પ્રત્યે વૃત્તિ રહ્યા કરે તો આવો યોગ આ ભવમાં મળેલો વ્યર્થ વહી જવા દેવા જેવું થાય. એકાંત જગ્યા અને અવકાશ હોય તો બધે જવા-આવવાનું ઓછું કરી પરમકૃપાળુદેવના વચનામૃતના અભ્યાસમાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છેજી. અંતરમાં શીતલીભૂત રહેવાનો અભ્યાસ વિશેષ વિશેષ કર્તવ્ય છેજી.” (બો.૩ પૃ.૬૨૧)
*
*
*