________________
સમાધિમરણ માટે ‘પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ
આઠેય કર્મોમાં મોહનીય કર્મ તે સહજાત્મસ્વરૂપને સંપૂર્ણ પ્રગટવામાં બાધક
હવે આત્માના મુખ્ય ગુણ જે સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રય છે. તેની પ્રાપ્તિને રોકનાર આઠેય કર્મોમાં મુખ્ય એવું મોહનીય કર્મ છે. તે પોતાના ‘સહજાત્મસ્વરૂપ’ને સંપૂર્ણ પ્રગટવામાં બાધા ઉપજાવે છે. માટે સર્વ કર્મોમાં રાજા સમાન એવા આ મોહનીયકર્મનો જો સર્વથા નાશ કરવામાં આવે તો અનંત શાશ્વત સુખસ્વરૂપ એવો પોતાનો આત્મસ્વભાવ પ્રગટ થાય.
૨૪૫
મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને મોક્ષ મેળવવા માટે હણવી જરૂરી
આ મોહનીયકર્મની કુલ ૨૮ પ્રકૃતિઓ છે. તે ૨૮ પ્રકૃતિઓ રણસેનાના મહાન યોદ્ધાઓ સમાન છે. એ અઠ્ઠાવીસ દુર્ધર યોદ્ધાઓને ક્ષય કરવા માટે “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ” મંત્રની ૨૮ માળા ફેરવાશે. એ ૨૮ મોહનીયકર્મની પ્રકૃતિઓ જેમ જેમ ક્ષય થતી જશે તેમ તેમ આપણો આત્મા ‘પરમગુરુ’ એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એવા પંચ પરમેષ્ઠિ પદને પામતો જશે. તેમાં ક્રમશઃ આગળ વધતા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાય ક્ષય થયે આપણો આત્મા નિગ્રંથ એટલે મુનિપદને પામશે. પછી ઉપાધ્યાય અને આચાર્ય પદવીને પણ પામી શકશે. મુનિ, ઉપાધ્યાય અને આચાર્ય એ બધા સાધક નિગ્રંથ કહેવાય છે. એ નિગ્રંથો પોતાના આત્માના જ્ઞાનઘ્યાનના બળે કર્મમળની શુદ્ધિ કરતા કરતા કેવળજ્ઞાન અથવા અરિહંતપદને પામશે. પછી દેહનું આયુષ્ય પૂરું થયે તે સંપૂર્ણ શુદ્ધસ્વરૂપને પામેલા પરમાત્માઓ સિદ્ધ પદને પામશે અથવા સિદ્ધગતિ એવા મોક્ષપદને પામશે. તે ફરી મોક્ષમાંથી કદી પાછા આ ચારગતિમાં જન્મમરણના ફેરા ફરવા આવશે નહીં.
પાંચેય પરમગુરુમાં ત્રણ નિગ્રંથ અને બે સર્વજ્ઞદેવ છે
આ ત્રીજા મંત્રનું નામ ‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ' છે. પરમગુરુ એવા પંચપરમેષ્ઠિ તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. એ પંચપરમેષ્ઠિમાં સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય ભગવંત એ નિગ્રંથ કહેવાય છે અને અરિહંત અને સિદ્ધ તે સર્વજ્ઞની કોટીમાં ગણાય છે. હવે આ મોહનીયકર્મની ૨૮ પ્રકૃતિઓને ક્ષય કરવા માટે ૨૮ માળા આ ‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ’ મંત્રની ફેરવાશે.
મોહનીયકર્મના મૂળ બે ભેદ–દર્શનમોહ અને ચારિત્રમોહ
આ મોહનીયકર્મના બે ભેદ છે—એક દર્શનમોહનીય કર્મ અને બીજું ચારિત્રમોહનીય કર્મ. “દર્શનમોહનીયકર્મ જીવને, જ્ઞાનીએ જેમ કહ્યું છે તેમ, સમજવા દેતું નથી, વિપરીતતા કરાવે છે અને ચારિત્રમોહનીયકર્મ જ્ઞાનીએ જણાવ્યા પ્રમાણે વર્તવા દેતું નથી. દર્શનમોહનીયના ત્રણ ભેદ છે.’’ (બો.૩ પૃ.૭૩૧)
દર્શનમોહના ૩ ભેદ મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, ચારિત્રમોહનીય
દર્શનમોહનીયકર્મની ૩ પ્રકૃતિ છે અને ચારિત્રમોહનીયકર્મની ૨૫ પ્રકૃતિ છે. તેમાંથી પ્રથમ દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિઓ ક્ષય થવા માટે ત્રણ માળા ગણાશે. તેમાંથી પ્રથમ માળા