________________
૨૩૬
સમાધિમરણ
પૂ.શ્રી બ્રહાચારીજીએ સામા જીવના ભાવ જાણી વિના આમંત્રણે
ઘરે પદારી સ્મરણમંત્ર આપ્યો “પૂજ્યશ્રી બ્રહ્મચારીજી સ્વયં સંઘ સાથે કુચેદના લલ્લુભાઈ વગેરેના આમંત્રણથી પૂજા નિમિત્તે ત્યાં પધારેલા. ત્યારે પૂ. શંકર ભગત સાથે અમો મારા માસીને મંત્ર અપાવવા માટે માસાની રજા લેવા માટે ગયા, પણ તેમણે માન્યું નહીં. ત્યારે શંકર ભગત વગેરે, પૂજા ચાલુ થઈ એટલે પૂજામાં જતા રહ્યા. હું બેસી રહેલો. માસી અને હું બન્ને આ સંબંધી વિમાસણમાં હતા કે હવે કેમ કરવું? તેટલામાં પૂજ્યશ્રી વગર આમંત્રણે માસીને સ્મરણ મંત્ર આપવા પધાર્યા. પૂ.શ્રી બ્રહ્મચારીજીને કોઈએ પણ આ વાતની જાણ કરી નહોતી. છતાં તેઓ નિવાસસ્થાનેથી નીચે ઊતરી સડોદરાના શ્રી હરિભાઈ તથા પોતાની સાથે જે આશ્રમના ભાઈઓ હતા તેમને સાથે લઈ કોઈના પણ આમંત્રણ વિના માસી પાસે આવી પહોંચ્યા. તેમને નિત્યનિયમ સંબંધી વાત કરી અને મંત્ર સ્મરણ આપ્યું.
દર્શનમાત્રથી ભાવમાં પલટો પૂજ્યશ્રીએ જ્યારે ઘરમાં પ્રવેશ કર્યો તે વખતે તેમના દર્શન માત્રથી જ માસાને તેમના પ્રત્યેનો અનાદર ભાવ મટી જઈ આદરભાવ થયો, અને પોતે જાતે જ ખુરશી લાવી તેઓશ્રીને બેસાડ્યા હતા. થોડીવાર પછી પૂજ્યશ્રીએ માતાને પૂછ્યું : “તમે ભણેલા છો?” તેમણે હા કહી. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું: “આ બાઈ ભણેલા નથી માટે તમે આ ભક્તિના પાઠો તેમને વાંચી સંભળાવશો?” જવાબમાં તેમણે કહ્યું : “મહારાજ, તમે કહ્યું એટલે તો મારે એ કરવું જ પડશે.” પછી માસીના મરણ વખતે પણ માસાએ તેમને સ્મરણ કરાવ્યું, ચિત્રપટના દર્શન કરાવ્યા અને નિત્ય નિયમના પાઠ વાંચી સંભળાવ્યા હતા. અંતે તેમનો દેહત્યાગ પણ સ્મરણ કરતાં કરતાં થયો હતો.” (પૃ.૭૯) * * *