________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૧'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૨૩૩
હોય તો તેને લાગે કે સારું સારું ખાવાનું, પીવાનું, પહેરવાનું મળે છે ને? રાજગાદી ઉપર ન બેસવા દે, તો શું? આપણે ઘેર ક્યાં એવું ખાવા-પીવાનું મળતું હતું? તેમ આ જીવની પાસે કેવળજ્ઞાન છે, તેને કર્મે ઢાંકી દીધું છે અને થોડું દેખવાનું, સુંઘવાનું, સાંભળવાનું, સ્પર્શ કરવાનું, ચાખવાનું મળ્યું છે, તેમાં સુખ માની રહ્યો છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પડ્યો છે તેથી આત્મામાં સુખ છે એવો ખ્યાલ આવતો નથી. વિરલા પુરુષો જાગ્યા છે. સંસાર દુઃખરૂપ છે એમ નથી લાગ્યું. વૈરાગ્ય હશે ત્યારે સમજાશે.” (બો.૧ પૃ.૧૬૨)
“મંત્રનું ભાતું સાથે લઈ ગયો' મુમુક્ષુ-હું અહીં આપની પાસે એક બાર વર્ષના છોકરાને મંત્ર અપાવી ગયો હતો. તે છોકરાએ આજે દેહ છોડ્યો છે. તે રોજ ત્રણ પાઠ કરતો હતો. ગમે તેવું કામ આવી પડે તો પણ તેને એટલી ટેક હતી કે મારે ત્રણ પાઠ કરવા જ અને પછી જ તે ઊંઘતો. મરણના દિવસે તેને તાવ હતો છતાં તે સવારના ઊઠીને સગડી પાસે આવ્યો અને ભક્તિ કરવા લાગ્યો, ત્યારે તેની મા બોલી કે આજે હમણાં ભક્તિ કેમ કરે છે? રોજ તો સાંજે કરે છે. છોકરાએ કહ્યું-હમણાં જ મારે કરવી છે. પછી ભક્તિ કરીને તે સૂઈ ગયો અને મંત્ર બોલતાં બોલતાં દેહ છોડ્યો. પૂજ્યશ્રી–આયુષ્ય જેટલું થવાનું હોય તેટલું થાય. પણ આટલું ભાતું સાથે લઈ ગયો.
| (બો.૧ પૃ.૨૩૨) “હું તો નહીં જ મ” એમ હૃઢ કરવાનું છે” “એક એક વચન જેમ જેમ દૃઢ થાય તેમ કામ આવે. મંત્ર મળ્યો છે, તે ગાડીમાં કે ગમે ત્યાં ફેરવવો, શુચિ-અશુચિ ગણવાની નથી. બધી વખત બોલાય એવો મંત્ર છે. કોઈ સાચી વસ્તુ કહે છે, તે સાથે લઈ જવાની છે. જન્મ થયો તેથી સુખદુઃખ થયાં છે, પણ બધાથી સ્નાનસૂતક કરીને ચાલી જવાનું છે. અવિનાશી આત્મા છે. મરે એવો નથી. હું તો નહીં જ મરું', એમ દૃઢ કરવાનું છે. આ પકડવાનું કહ્યું છે કે જ્યાં સુધી ભાન હોય, શ્વાસ હોય, ત્યાં સુધી સહજાત્મસ્વરૂપ પરમગુરુ જપવું. ગમે તેટલું દુઃખ હોય પણ એમાં વૃત્તિ રાખવી. ભાન હોય ત્યાં સુધી એમાં જ ચિત્ત રાખવું. પૈસા-ટકા કોઈમાં ચિત્ત નહીં રાખવું. ખરેખરી ઉપયોગી વસ્તુ છે. મરતાં સુધી યાદ રાખવાનું છે. મારે એ જ કરવું છે. અત્યારે ભાન છે તો આત્માનું કલ્યાણ થાય તેમાં વૃત્તિ રાખવી. સમાધિમરણ થાય એવું છે. જ્ઞાનીનું કહેલું કાનમાં પડે તો પણ મહાભાગ્ય છે. સાંભળતા પણ જીવને ભાવ થાય છે. જ્ઞાનીએ કહ્યું તે સાંભળવું.
‘સહજાત્મસ્વરૂપ' એ ઓળખવું છે. બીજું તો ઘણુંય જોયું, ઓળખ્યું. આટલી વસ્તુ માન્ય કરી તો સમાધિમરણ થાય. મરતી વખતે એક સ્મરણમાં ચિત્ત રાખવું એ નક્કી કરી દેવું. શ્રદ્ધા હશે તેટલું રહેશે. બધાનો આધાર શ્રદ્ધા છે. એક કૃપાળુદેવને માનવા. સાચી વસ્તુ માન્ય થઈ તો કલ્યાણ થઈ જાય.” (બો.૧ પૃ.૩૨૧)