________________
૨૩૨
સમાધિમરણ
ખ્યાલમાં નથી. સમકિતી વધારે પુરુષાર્થ કરે તો આઠ સમયમાં મોક્ષે જાય. જીવને સાચી વસ્તુ પ્રાપ્ત થઈ તો મોક્ષ દૂર નથી. “તું છો મોક્ષસ્વરૂપ” જ્ઞાનદર્શનાદિ બધા ગુણો પોતાની પાસે જ છે. મોક્ષ અહીંથી સાત રાજ અળગો છે એમ કહે છે તે કલ્પના છે. મહાપુરુષોને તે મૃત્યુ - મહોત્સવ જેવું લાગે છે. દવા જેમ કરે છે, એવી સમાધિમરણ માટે ખરી દવા કરવાની છે. તૈયારી કરી રાખવી. દેહનું મમત્વ ઓછું થાય એવું કરવાનું છે. સમજણ કરવાની છે. પોતાનું નહીં તે નહીં. દેહ પોતાની સાથે આવતો નથી. અવળી સમજણ છે તે જ મિથ્યાત્વ છે. એને પહેલાં ખસેડવાનું છે. ક્લેશમાં વર્તવા જેવું નથી. ચેતતા રહેવું. મનુષ્યભવ મળ્યો છે, માટે મોહ ન કરવો. દેહનો મોહ છૂટે તો બધુંય છૂટે.” (બો.૧ પૃ.૧૭૯) જીવને મોહને લઈને મરણનો વિચાર જ આવતો નથી
- પૂજ્યશ્રી–“સંસારનું સ્વરૂપ વિચારે તો વૈરાગ્ય થાય એવું છે. સંસારમાં જેટલી આસક્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. જેમ કોઈ માણસને કોઈ રાજાએ ફાંસીએ ચઢાવવાનો હુકમ આપ્યો હોય કે અમુક દિવસે તને ફાંસીએ ચઢાવવામાં આવશે અને પછી તે માણસને સારા મહેલમાં રાખે, સારું ભોજન આપે, સારું પહેરવા આપે, તો તેને એ ગમે? ન ગમે; કેમકે તે જાણે છે કે મારે હવે મરવાનું છે, એવો ભય રહે છે; તેથી તેને કંઈ ન ગમે. એવું આ બધાને માથે મરણ છે. તે ફાંસી ચઢાવવા જેવું છે. કોણ જાણે ક્યારે મરણ આવશે. ફાંસીએ ચઢાવે ત્યારે તો અમુક દિવસ નક્કી કરેલો હોય અને આ મરણ
તો રાત-દિવસ માથે જ ભમી રહ્યું છે. છતાં મોહને લઈને એને વિચાર નથી આવતો. એકલું મરણ હોય તોય કંઈ નહીં, પણ પાછળ પાછું જન્મવું, ફરી મરવું; એમ અનાદિ કાળથી થઈ રહ્યું છે.” (બો.૧ પૃ.૧૬૨)
સંસાર કેદખાના જેવો હોવા છતાં સુખ માને, કેવી મૂઢતા! “સંસાર કેદખાના જેવો છે. એમાં સુખ માને છે તે મૂર્ખતા છે. હું સુખી છું કે દુઃખી? એનો વિચાર કરવાનો અવકાશ જ નથી મળતો. શું કરવાથી હું સુખી થઉં? એનો વિચાર અવકાશ હોય તો થાય. વિચાર નથી. જો વિચાર કરે તો સંસાર જાજરા જેવો છે, છતાં એને ગમે છે. રાજાને નજર-કેદ આપે ત્યારે ખાવાનું, પીવાનું બધુંય આપે, અને મહેલમાં જવા દે, પણ રાજગાદી ઉપર ન બેસવા દે. જો ખરો ક્ષત્રિય હોય તો એને નજરકેદ ન ગમે અને કોઈ નીચ જાતિવાળો રાજા