________________
૨૩૦
સમાધિમરણ
(એક નવા ભાઈ આવેલા હતા તેમને સંબોધીને).
આજ તો ધર્મ-તેરસનો દિવસ છે. આજે જો તમે ભક્તિ કરવાનો નિયમ લો તો ઘણો લાભ થાય એવું છે. કાળની પણ કેટલીક અસર થાય છે. જો તમારે નિયમ લેવો હોય તો નીચે ઓફિસમાંથી તત્ત્વજ્ઞાન અને ચિત્રપટ લઈ આવો.
(તે ભાઈ તત્વજ્ઞાન તથા ચિત્રપટ લેવા નીચે ગયા તે વખતે) પૂજ્યશ્રી–જીવોનું કેટલું પુણ્ય ચઢ્યું હોય ત્યારે આ દરવાજામાં પગ મુકાય છે. અહીં આવે અને સદ્ભાવના થઈ જાય તો કામ થઈ જાય. ક્યાંથી ક્યાંથી જીવો આવી ચઢે છે! હું તો હમણાં દિશાએ જ જવાનો હતો, પણ મનમાં એમ થયું કે ઉપર જઈને દર્શન કરી પછી દિશાએ જઉં. આટલામાં આ જીવ આવી ચઢ્યો. પુણ્ય ચઢે ત્યારે એવો યોગ બની આવે છે.” (બો.૧ પૃ.૯૯૦)
મરણ ગમે ત્યારે આવે માટે પરભવનું ભાથું બાંઘી તૈયાર રહેવું મુમુક્ષુ-એક ચૌદ-પંદર વર્ષનો યુવાન છોકરો મદ્રાસ હતો ત્યાં તેનું મરણ થયું છે. અકસ્માત મરણ થયું છે. કંઈ રોગ વ્યાધિ જેવું ન હતું.
પૂજ્યશ્રી–મરણ તો ગમે ત્યારે આવે છે. એને ક્યાં એવું છે કે વ્યાધિ હોય તો જ આવવું, નીરોગી હોય તો ન આવે? કોઈનો ચાલતાં ચાલતાં દેહ છૂટી જાય છે, ખાતાં ખાતાં દેહ છૂટી જાય છે. કોઈને રોગના નિમિત્તથી દેહ છૂટી જાય છે. માથે મરણ છે એ વારંવાર સંભારવું. (બો.૧ પૃ.૯૯૦) સમ્યકજ્ઞાનદર્શનચારિત્ર અને તપ એ સમાધિમરણની ચાર આરાઘના
પૂજ્યશ્રી-“મરણ વખતે બહુ સાચવવાનું છે. ચાર દિવસમાં જેટલી માળા ફેરવે તેટલું સમાધિ ખાતે જમે થયું કહેવાય. ભગવાને સમાધિમરણ કર્યું તેથી આ દિવાળી પર્વ થયું, પણ પછી લૌકિક થઈ ગયું; પણ પ્રભુશ્રીજીએ પાછું તાજું કરાવ્યું. મુમુક્ષુ જીવને ચેતવાનું છે. એક આત્માર્થે જ જીવવું છે. એમ કરતાં કોઈક વખતે સમ્યકત્વ થઈ જાય. એકનો એક ભાવ એકતાર રહે એવું કરવાનું છે. જીવ જો વિચાર કરે તો ઘણો લાભ થાય. આત્મસિદ્ધિનો દિવસ, દિવાળીપર્વ એ દિવસો એવા છે કે જીવ રંગાઈ જાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ
સમાધિમરણની ચાર આરાધના કહેવાય છે. કર્મ તો છૂટવા આવે છે. કર્મ તો “અમને છોડો અમને છોડો’ એમ કહે છે, પણ જીવ કર્મના ઉદયે ગભરાઈ જાય છે. પહેલાં કંઈ કરી મૂક્યું હોય તો વેદના સમભાવે વેદાય. ઉપશમ એટલે કષાયનો અભાવ. વૈરાગ્ય એટલે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રાગ ન થાય. મારું તારું વગેરે ક્લેશ સમાય ત્યારે ઉપશમભાવ થાય. વૈરાગ્ય ઉપશમ હોય તો જીવની બુદ્ધિ નિર્મળ થાય. એ થાય તો પછી જેમ છે તેમ સમજાય. કષાય વધારવા હોય તો વધે અને ઘટાડવા હોય તો ઘટે.” (બો.૧ પૃ.૬૯૧)