________________
સમાધિમરણ
પોતે હાથ ઉંચા કરી દર્શન કરતા હતા. ધીમે ધીમે હાથ ઉંચા થતાં ધીમા પડી ગયા. છેલ્લે સદ્ગુરુપ્રસાદમાંથી કૃપાળુદેવની પદ્માસનવાળી અંતિમ મુદ્રાના દર્શન કરતાં એમના આંખની કીકીઓ સ્થિર થઈ ગઈ. અને દેહમાંથી જીવ નીકળ્યો ત્યાં સુધી તે આંખની કીકીઓ એમ જ સ્થિર રહી. આવું સમાધિમરણ તેમણે આશ્રમમાં સાધ્ય કર્યું.
૨૨૪
“સહજાત્મસ્વરૂપ” એ જ સદ્ગુરુનું ખરું સ્વરૂપ છે “આપણે ચિત્રપટનાં દર્શન કરી વીશ દોહરા, યમનિયમ, ક્ષમાપના વારંવાર બોલવાં અને ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'નું વારંવાર સ્મરણ કરવું. જગતને તો ઘણું જોયું છે. હવે આ જગત ભણી ન જોવું. ભાવના પ્રમાણે બધું થાય છે. આટલો ભવ સંભાળીને સ્મરણમાં ગાળવો. ‘‘સહજાત્મસ્વરૂપ’” એ જ સદ્ગુરુનું ખરું સ્વરૂપ છે, એ જ ઇચ્છવું. બીજું કશું ઇચ્છવું નહીં. મનુષ્યભવમાં ઘણું કામ થાય એવું છે. મોતની ઇચ્છા ન કરવી અને જીવવાની ઇચ્છા પણ ન કરવી. જે થવાનું હોય તે થાઓ, આપણે તો સ્મરણ કર્યા કરવું. બીજા ભવમાં એ ન થાય. આ તો મનુષ્યદેહ છે. આમાં બધું થાય. મરવું તો બધાને છે જ, પણ ‘જીવીશું ત્યાં સુધી ભક્તિ કરીશું’ એમ રાખવું. જે થવાનું હોય તે થાઓ. આપણે તો જે વેદના આવે, દુઃખ આવે તે બધું ખમી ખૂંદવાનું છે, સહન કરવાનું છે.’’ (બો.૧ પૃ.૩૧૨)
અંત સમયે ચિત્રપટ મંગાવી એક ધ્યાનથી દર્શન કરી દેહત્યાગ કર્યો
શ્રી સાકરબેનનું દૃષ્ટાંત– બાળ બ્રહ્મચારી શ્રી સાકરબેન ભક્તિ સ્વાધ્યાય અર્થે કાયમ આશ્રમમાં જ રહેતા હતા. તેમણે ‘સમયસાર’, ‘ધર્મામૃત’ આદિ ગ્રંથોના અનુવાદ પણ કર્યાં હતા. જેમને પ.પૂ.પ્રભુશ્રીજીએ સતિ થશે એવા આશીર્વાદ આપ્યા હતા અને પૂ.શ્રી બ્રહ્મચારીજીએ માર્ગ પામેલા બહેન કહ્યાં હતા. અંત સમયમાં તેઓ ૨-૩ મહીના બીમાર રહ્યા હતા. તેમણે બાર મહીના પહેલાથી જ પોતાના ગરમ કપડાં, વાસણ વગેરે બધું આપવા માંડ્યું હતું. ત્યારે ભાવનાબેને કહ્યું કે આવતા વર્ષે ગરમ કપડાં તો જોઈશેને. ત્યારે સાકરબેને કહ્યું—આવતા વર્ષે કપડાંની જરૂર નહીં પડે; હું ત્યાં સુધી જીવવાની નથી.