________________
૨૨૨
સમાધિમરણ
તપથી જીવને ઘણો લાભ છે. તપ આગળ વિષયકષાયનું બળ ન ચાલે
“આત્માના દશ ધર્મ છે એને લૂંટી લેનાર વિષયકષાય છે. તપ હોય તો એનું બળ ન ચાલે. વિષયકષાયમાં મનુષ્યભવ છૂટી જાય તો એકેન્દ્રિયાદિકમાં ભટકે. જે તપ કરવાથી રોગ થાય; ઇન્દ્રિયો મંદ પડે, ઇન્દ્રિયોને હાનિ પહોંચે, એવું તપ ન કરવું. તપ કલ્યાણ ભગવાનનું કહેવાય છે. મોક્ષે જવા માટે કઠણાઈ વેઠવી પડે છે. પોતાનું સ્વરૂપ ભૂલીને પરમાં રાજી થાય છે. તપથી ઘણો લાભ છે. સર્વસંગપરિત્યાગ એ તપ છે. પરિષહ જીતવા એ તપ છે. કોઈ વસ્તુ ન ઇચ્છવી તે તપ છે. ઇચ્છાનો અભાવ એ તપ છે. બાહ્ય અત્યંતર એ બન્ને પ્રકારના પરિગ્રહમાં મમતા ન રાખે તે તપ છે... સમભાવ રાખવો એ તપ છે. દુઃખ આવે છે તેમાં કોઈનો વાંક નથી. પોતાનો જ વાંક છે. પાર્શ્વનાથ ભગવાનને કમઠે એક બાજા ઉપસર્ગ કર્યા ને બીજી બાજા ધરણેન્દ્ર અને પદ્માવતીએ આવીને પૂજા કરી. એ બન્નેમાં ભગવાને સમભાવ રાખ્યો, તેથી કેવળજ્ઞાન થયું.
જ્યાં ત્યાંથી છૂટવું છે. પુણ્ય સારું અને પાપ ખોટું, એમ ન કરવું. બધુંય છોડવાનું છે.” (બો.૧ પૃ.૧૯૯)
મંત્ર મરણ વખતે યાદ રહે તો સમાધિમરણ કરાવે પૂજ્યશ્રી–“સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એ મંત્ર સમાધિમરણ કરાવે તેવો છે. હરતાં, ફરતાં, ગમે ત્યારે યાદ આવે એવો અભ્યાસ પાડી લેવાનો છે. મરણ વખતે યાદ રહેશે તો સમાધિમરણ કરાવે તેવો છે.” (બો.૧ પૃ.૨૦૧)
આત્માની આદિ નથી, અંત નથી; એ તો ચેતન્ય સ્વરૂપે છે. “આત્મા જન્મતો નથી, મરતો નથી; સંયોગને લઈને જન્મ્યો અને મર્યો કહેવાય છે. પણ આત્મા તો જીવતો જ છે. ગમે તેટલું કરે પણ મરવું એક વાર છે પણ સમજણ નથી તેથી ઘણીવાર ડરે છે. સાપને દેખે તો ડરે કે મરી જવાશે. મરણથી બચવા કોઈ કોઈ કિલ્લા બનાવે છે પણ તેય મરી ગયા. ઇન્દ્ર મોટો કહેવાય છે, તેને પણ કોઈ બચાવી શકે નહીં; મરણ આવ્યા પછી એક સમય પણ ન જિવાય અને આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ઝેર ખાય તોય ન મરે. દેહ તો પડવાનો છે, કંઈ અમર નથી. આત્મા નિત્ય છે, દેહ અનિત્ય છે; દેહને દેહ અને આત્માને આત્મા જાણે તો ભય ન લાગે. આત્મા દેહ નથી, મનુષ્ય નથી, દેવ નથી, નારકી નથી, તિર્યંચ નથી, બ્રાહ્મણ નથી, વાણિયો નથી, કાંઈ નથી. હું તો આત્મા છું મારો આદિ. અંત નથી. ચૈતન્ય દ્રવ્ય છું. પર્યાય પલટાય છે. મનુષ્યદેહ કપડાં જેવો છે. એ છૂટે પણ આત્માને નુકસાન ન થાય. એમ થાય તો ભય ન લાગે.”
“દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ.” (બો.૧પૃ.૨૪૦)