________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૧'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૨૨૧
શરીર તો ઘણાય સુકવે પણ કષાય સુકવે તે ખરું તપ “કાયસલ્લેખનામાં ભગવાનને શરણે ચિત્ત રાખવું. ધર્મ સધાતો હોય તો દેહને પોષવો. જેનાથી ધર્મ થાય તેવાને સલ્લેખના કરવા નથી કહ્યું. સ્યાદ્વાદ માર્ગ છે. શરીરને નાખી દેવું નથી, પણ તેનાથી ધર્મનું કામ લેવું છે. મનુષ્યદેહ વિના ધર્મનું કાર્ય ન થાય. ધર્મમાં જેની કાયા મદદ ન આપતી હોય તેણે તેને કૃષ કરવી. ઉપવાસ આદિ, કષાયનો જય કરવા માટે છે. ઉપવાસ કરીને કષાય કરે, એમ નથી કરવાનું. જે કંઈ કરવું તેનો ઉપયોગ રાખવો કે તે શા અર્થે છે! ઉપયોગ ત્યાં ધર્મ છે. શરીર તો ઘણા સૂકવે પણ કષાય સૂકવે તે ખરું તપ છે. આ લોક, પરલોકની ઇચ્છા રહિત તપ કરવું. જન્મમરણ ટાળવાં હોય તો ઇચ્છા ન કરવી. પાંચ ઇન્દ્રિયના વિષયો, કષાય, નોકષાય બધાને જીતવાના છે. કષાયને લઈને બધાં દુઃખ ઊભાં થાય છે.” (બો.૧ પૃ.૧૯૮)
ભાવથી બંધાય અને ભાવથી છુટે. “સમાધિમરણ વખતે ઘણા ઉપદેશની જરૂર છે, નહીં તો નરકમાં જાય. જેને સમાધિમરણ કરવું હોય તેણે, પોતાથી જે વિશેષ વૈરાગ્ય અને જ્ઞાનવાળા હોય તેનો યોગ મેળવવો. વિષમકાળમાં સારો સંગ મળવો બહુ મુશ્કેલ છે. તેમ છતાં બને તેટલા સત્સંગનો યોગ મેળવવો. કર્મ બાંધતાં વાર નથી લાગતી. એક ક્ષણવારમાં સિત્તેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાઈ જાય છે, છતાં એને ભાન નથી. ચેતીને ચાલવાનું છે. “પગ મૂકતાં પાપ છે; જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે, એમ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (૨-૩૫) ભાવથી છૂટે છે. સિત્તેર કોડાકોડીનું બંધાયું હોય અને ઉદયમાં ન આવ્યું હોય તો છૂટી જાય. પાછો ફરે તો થાય. આત્મામાં અનંત શક્તિ છે. મનુષ્યભવમાં સત્સંગે જીવ કંઈક કૂણો થાય તો તેને પોતાના કર્મોનો ડર લાગે છે.”
(બો.૧ પૃ.૧૯૮) પાપનું ફળ દુખ, તે ઉદયમાં લાવી સહન કરે તો સમાધિમરણ થાય “શરીરનું તેનું સ્વરૂપ જાણી લેવું એનાથી કામ લઈ લેવું. મોહ ન કરવો. શરીરમાં વૃત્તિ રહી તો કુમરણ થાય. પણ એનાથી ધર્મ થઈ શકે છે. ધર્મને માટે દેહનું પોષણ કરવું, દેહને પુષ્ટ ન કરવો. ભગવાને કહ્યું છે તેવું તપ કરવા જેવું છે. તપ એટલે ઇચ્છાનો નિરોધ. વૃત્તિ ઉપર સંયમ કરવાની જરૂર છે. મનથી ત્યાગ કરવો અઘરો છે. જે અઘરું હોય તે જ કરવાનું છે. કામનો નાશ કરવો હોય તો તપની જરૂર છે. તપથી ઇન્દ્રિયો વશ થાય. ખૂબ ખાવાથી નિદ્રા બહુ આવે. તપ કરે તો નિદ્રા ઓછી થાય. શરીરને વશ રાખ્યું હોય તો ઠંડીમાં, ગરમીમાં બધે કામમાં આવે. તપમાં જીવ સ્વાધીન છે. જેટલું કરવું હોય તેટલું થાય. તપમાં જે દુઃખ આવે છે તે જાય છે. પાપનું ફળ દુઃખ છે તે તપથી ઉદયમાં જલદી આવે છે. પહેલાંથી દુઃખ સહન કરવું, જેથી સમાધિમરણ થાય. શક્તિને ગોપવ્યા વગર સ્વચ્છેદરહિત તપ કરવું. આજ્ઞા વગર કરે તો લાંઘણ કહેવાય. મિથ્યાત્વ હોય ત્યાં સુધી એને હિતકારી હોય તે ન ગમે. આખરે એને તપ સુખકારી છે.”
(બો.૧ પૃ.૧૯૯)