________________
૨૨૦
સમાધિમરણ
એમ જાણ્યા પછી મોહ ન થાય. ચારે ગતિમાં ભમવાનું મૂળ દેહમાં મોહ છે. રોગનું કારણ દેહ છે, રાગનું ધામ છે, દુઃખ જ છે, એવું સમજાયું હોય તો દુઃખ ન થાય.
“મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય.”
પહેલાં પાપ બાંધ્યું હોય તે મંત્રથી ન જાય. વીતરાગના વચનો એવાં છે કે એના ભાવ ફરી જાય તો ઘણો લાભ થઈ જાય. મોટો રોગ મરણ છે. ફરી મરવું ન પડે એવું કરવાનું છે. જ્ઞાની પુરુષને બધું સવળું છે. તેઓ રોગથી લાભ માને છે. શરીરનો ધર્મ રોગ છે. આત્માનો ધર્મ અવિનાશી છે. કાયરને જરાક દુઃખ તોય વધારે દુઃખ લાગે છે અને આ ભવ પરભવમાં દુઃખી થાય છે. જેટલી સહનશીલતા હોય તેટલા કર્મ ઓછા બંધાય. એક વાર સમાધિમરણ કરે તો ફિકર નથી.” (બો.૧ પૃ.૧૯૭) જ્ઞાનીનો દૃઢ વિશ્વાસ એ જ સમાધિમરણનું કારણ છે
“પ્રશ્ન–સમાધિમરણ કેમ થાય? જ્યાં સુધી શ્વાસોચ્છવાસ હોય ત્યાં સુધી સ્મરણ કરવું. જ્ઞાનીનો વિશ્વાસ તે જ સમાધિમરણનું કારણ છે. કંઈક સાંભળ્યું હોય તો લક્ષ રહે. ધીરજ રાખી “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે અને અમે પણ એજ કહીએ છીએ.”...“કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) એટલું થયું હોય તો સમાધિમરણ થાય. એકનું એક કપડું હોય તેનો બહુ પરિચય થાય ત્યારે તેના ઉપર અભાવ આવે છે, પણ આ દેહ તો ઘણા કાળ સુધી ભોગવતાં અભાવ આવતો નથી!
(બો.૧ પૃ.૧૯૮) દેવલોકમાં સાગરોપમના સુખથી વૃતિ નહીં, પણ વિચારથી તૃપ્તિ થાય
(‘સમાધિસોપાનમાંથી સલ્લેખનાના વાંચન પ્રસંગે) પૂજ્યશ્રી–“શરીરને કૃષ કરવું તે સલ્લેખના. શરીરનું લાલનપાલન કરે તો દોષનું ઘર થઈ જાય. જેને કાયા પરથી વિશ્વાસ ઊઠી ગયો હોય તેને સલ્લેખના છે. કષાય ઓછા થાય તે અંતરસલ્લેખના છે. કાયામાં વૃત્તિ રહી તો આત્માનું હિત થવાનું નથી. ખૂબ ખાય અને પ્રમાદ કરે તો મન બીજે જતું રહે. કાયસલ્લેખના અનુક્રમે થાય છે. મનને જેવું કેળવ્યું હોય તેવું થાય. જ્યારે સમજણ આવે ત્યારે ફરે. ઋષભદેવ ભગવાને પોતાના અઠ્ઠાણું પુત્રોને બોધ કર્યો હતો કે દેવલોકમાં સાગરોપમનાં સુખો ભોગવ્યા. છતાં તૃપ્તિ નથી થઈ. વિચારથી તૃપ્તિ થાય છે.
(બો.૧ પૃ.૧૯૮)