________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૨૦૩
જ્ઞાનીપુરુષના વચનબળે ખેદને વિસ્તૃત કરવો એ જ યોગ્ય
“વિ. આપના તરફથી કાર્ડ અશુભ આવ્યું તે વાંચ્યું. સદ્ગત ભાઈ...ના વિયોગે આઘાત લાગવા યોગ્ય છે, પરંતુ તે ખેદ અને લાગણી પલટાવી વૈરાગ્યમાં વૃત્તિ આપ સર્વ સમજુ જનોએ વાળવા યોગ્ય છે, કારણ કે જે આપણા હાથની વાત નથી અને અવશ્ય બનનાર તેમ જ બન્યું છે. ક્લેશ કરી કોઈ આપઘાત કરે તોપણ તે વિયોગ ટળી સંયોગનો યોગ બને તેમ રહ્યું નથી, તો સમજુ જીવે તો કોઈ જ્ઞાનીપુરુષનાં વચનનું અવલંબન ગ્રહી, વારંવાર થતા ખેદને વિસ્તૃત કરવો યોગ્ય છેજી. આપ તો સમજુ છો, છતાં નાનાં મોટાં સર્વ આપનાં કુટુંબીજનોને સમજાય અને વારંવાર યાદ આવે એવી એક નિર્મોહી કુટુંબની કથા પ્રાતઃસ્મરણીય પૂજ્ય સ્વામી શ્રી લઘુરાજ મહારાજના મુખથી સાંભળેલી અત્રે લખી જણાવું છું, તે વારંવાર વાંચી, વંચાવી તેનો પરમાર્થ સર્વના હૃદયમાં ઘર કરે તો ભવિષ્યમાં પણ આવા પ્રસંગો જીવને જોવામાં આવે તો કંઈ પણ ક્લેશ થવાને બદલે પરમકૃપાળુદેવનું શરણ બળવાનપણે ગ્રહણ કરવાનું બનશેજી.
રાજા, રાણી, પુત્ર, પુત્રવધૂ, સદ્ગુરુના સંગથી નિર્મોહી બની ગયા
નિર્મોહી કુટુંબની કથા —‘એક રાજા મોટું રાજ્ય સંભાળતો હતો, છતાં તેને સદ્ગુરુનો અપૂર્વ યોગ થયેલો તેથી તેનું ચિત્ત તો આત્મહિત થાય તેવું જ્ઞાનીએ જણાવેલું તેમાં જ મગ્ન રહેતું. તેના આત્માને શાંતિ રહેતી. તે લાભ રાણીજીને પ્રાપ્ત થાય તે અર્થે તેણે રાણી આગળ તે મહાત્માના ગુણગ્રામ કર્યા અને પોતાને તેમનો યોગ થયો ત્યારથી તે ભવ ફરી ગયા જેવું થયું, તે કહ્યું. તેથી રાણીજીને પણ તે સદ્ગુરુનું સ્મરણ ગ્રહણ કરવા ભાવના થવાથી તે સદ્ગુરુનો યોગ મેળવી તેમણે તે જણાવેલું સાધન તે કરવા લાગ્યાં. તેમને પણ તે સાધનનો પ્રગટ અનુભવ થયો એટલે કુંવર યુવાન હતો છતાં તેને સદ્ગુરુનો સમાગમ કરાવ્યો અને તેને પણ ધર્મની લગની લાગી. કુંવરે તેની સ્ત્રીને સમજાવી તેથી તેણે પણ સદ્ગુરુની ઉપાસના કરી શાંતિ મેળવી. આ પ્રમાણે આત્માર્થે બધાં સત્સાધન આરાધતાં અને પૂર્વકર્મના યોગે સુખદુઃખ ભોગવવાના પ્રસંગો આવે તેમાં ઉદાસીન રહેતા, તેનું માહાત્મ્ય કોઈને લાગતું નહીં.”
દેવલોકથી દેવે આવી રાજાની પરીક્ષા કરી
‘દેવલોકમાં ઇન્દ્રે એક વખત આ રાજાના આખા કુટુંબના વખાણ કર્યા. તે સાંભળી એક દેવને થયું કે ઇંદ્રનું કહેવું ખરું લાગતું નથી. પુરુષો તો કંઈ સમજે, પણ બૈરાંમાં ધર્મ સમજવાની બુદ્ધિ ક્યાંથી હોય ! તે તો મોહમાં જ આખો ભવ ગાળે છે. તેથી પરીક્ષા કરવા તે રાજાની રાજધાનીને દરવાજે આવી ઊભો રહ્યો. થોડી વારમાં રાજકુમાર વનક્રીડા કરવા એક ટુકડી