________________
સમાધિમરણ
ઝપાટા દઈ રહ્યું છે તે ક્યારે ઝડપી લેશે તેનો નિર્ણય નથી, છતાં જીવ નિરાંતે ઊંઘે છે એ કેટલું મૂઢપણું છે ? સાપના મુખમાં પકડાયેલો દેડકો પાસે ઊડતા મચ્છરને પકડવા મોં પહોળું કરે છે, તેમ આ જીવ મરણના વિચાર ભૂલી ભોગમાં વૃત્તિ રમાડ્યા કરે છે એનો વારંવાર વિચાર કરી જ્ઞાનીપુરુષોએ આદરેલો પુરુષાર્થ, સહન કરેલા પરિષહો અને આપેલા ઉપદેશો તથા સત્સાધનો, તેનું માહાત્મ્ય વારંવાર હૃદયમાં લાવી, તેમને પગલે પગલે ચાલવાની ભાવનાથી તેમણે બોધેલે માર્ગે હવે તો નિરંતર વૃત્તિ રહે અને તે લક્ષ ચુકાતાં મૂંઝવણ
આવે, ન ગમે તેવું વર્તન કરવું ઘટે છેજી. હવે તો ઇંદ્રિયોનાં તુચ્છ સુખોમાં વૃત્તિ જતાં મન ગ્લાનિ પામે, જાણે શરમાવું પડે તેવું મનમાં થાય તેમ કર્તવ્ય છેજી.’’ (બો.૩ પૃ.૪૮૪)
૧૯૪
દેવલોકના સુખ ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નહીં માટે સંતોષ એજ સુખનો સાચો ઉપાય
“અનંત ભવોમાં ભમતાં આ જીવે એટલું બધું અનાજ ખાધું છે કે દરેક ભવના ભોગવેલા દાણામાંથી એક એક દાણો લઈએ તો મોટો પર્વત જેવડો ઢગલો થાય. દરેક ભવમાં જે પાણી પીધું છે તેમાંથી દરેક ભવનું એક એક ટીપું ભેગું કરીએ તોપણ દરિયો ભરાય. એટલા બધા ભવ સુધી જીવે ખા ખા અને પાણી પી પી કર્યું છે તોપણ હજી તેને તૃપ્તિ થઈ નથી તો આ મનુષ્યભવમાં ગમે તેટલું ખાય, પીએ કે ભોગ ભોગવે તોપણ તેની તૃષ્ણા મટે તેમ નથી એમ વિચારી, સંતોષ સિવાય હવે તૃષ્ણા ટાળવાનો બીજો કોઈ ઉપાય નથી. માટે હવે તો ખાવા, પીવા, ભોગ ભોગવવાથી વૃત્તિ પાછી વાળી, જે સુખ અનંત ભવ થયાં છતાં જાણ્યું નથી, ભોગવ્યું નથી એવું આત્માનું સુખ પ્રાપ્ત કરવા જ્ઞાનીની આજ્ઞા આરાધવી છે, આટલો લક્ષ રહ્યા કરે તો જીવને વૈરાગ્યની વૃત્તિ પોષાય અને જ્ઞાનીપુરુષની આજ્ઞાના આરાધનમાં ઉત્સાહ રહે તથા સત્સુખને યોગ્ય જીવ થાય. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૪૮૪)
હું સહજાત્મસ્વરૂપી આત્મા છું એ ભાવ સાથે મરણ તે સમાધિમરણ
“સંયોગ સંબંધ, સ્ત્રી, પુત્ર, માતા, પિતા, ભાઈ આદિ સર્વ પર્યાય છે; કર્મજન્ય વિભાવિક પર્યાય છે અને નાશવંત છે, માટે તે કોઈ મારાં નથી. મારા તો એક સત્સ્વરૂપી પરમકૃપાળુદેવ છે અને તેમણે જે આજ્ઞા કરી છે અને કહ્યો છે તેવો સહજાત્મસ્વરૂપી એક આત્મા જ છે. તે આત્મસ્વરૂપ—આત્મા છે, નિત્ય છે એ આદિ છપદને પરમકૃપાળુદેવે કહ્યા છે, તે સ્વરૂપવંત છે— એ મારો છે એમ માનવું. અત્યારથી તૈયારી કરી રાખવી અને ભાવના રાખવી કે હું મરણ સમયે આ આજ્ઞા જ માનીશ, બીજું કંઈ નહીં માનું. અને એમ માનવાથી જ, એ માન્યતા ૨હેવાથી—તે સાથે જે મરણ છે તે—સમાધિમરણ છે.’’ (પ્રભુશ્રીજીનો બોધ) -બો.૩ (પૃ.૪૮૫)