________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
આથી વધારે આવી પડશે ત્યારે શું કરીશ ? તે વખતે તેમને લાગેલું કે આથી વધારે દુઃખ વળી કેવું આવી શકે? પછી તે પોતાને ગામે ગયાં. થોડાં દિવસમાં તેમનાં ઘર લાગ્યાં એટલે તે તો ચિત્રપટ તથા પુસ્તકો વગેરે લઈને બહાર નીકળી ગયાં અને પૂ. પ્રભુશ્રીજીએ કહેલું તે સંભારવા લાગ્યાં કે થવાનું હોય તે જરૂર થાય છે, શોક કર્યે કંઈ લાભ નથી. દૂર રહ્યે રહ્યે ઘર લાગતાં જોયા કર્યું પણ હિંમત છોડી દઈ ગભરાઈ ન ગયાં. પતિનો દેહ છૂટી ગયો, ઘર બળી ગયાં, છોકરાં નાના હતાં; છતાં જે થવાનું છે તે મિથ્યા કેમ થાય ? એમ વિચારી હિંમત રાખી.
તેમ તમારે પણ ગંભીરતાથી સર્વનું સાંભળ્યા કરવું. ભલે લોકો કહે કે એને છોકરા ઉપર ભાવ નહીં તેથી રડતી નથી કે કંઈ ગણતી નથી, પણ તેથી નુકસાન નથી. પણ જો આર્ત્તધ્યાનમાં ચિત્ત રહેશે અને રોવા-કકળવામાં જેટલો કાળ ગાળશો, તે વખતે કર્મ બંધાશે તે ભોગવતી વખતે આકરાં લાગશે. અને લોકો સારાં સારાં કહેશે તેથી કંઈ કર્મ ઓછાં નહીં બંધાય. માટે જ્ઞાનીપુરુષની આજ્ઞામાં ચિત્ત રાખી સદાચાર અને નીતિપૂર્વક વર્તવાનું રાખવું. કોઈના ઉપર દ્વેષબુદ્ધિ ન આવે તેમ જ કોઈ પ્રત્યે કિંચિત્માત્ર પણ રાગવડે પ્રતિબંધ ન થાય તેવું વર્તન રાખવાનો અવસર આવ્યો છે. તેનો વારંવાર વિચાર કરી જેટલી સમતા સેવાશે તેટલી સમાધિમરણની તૈયારી થાય છે એમ જરૂર માનશો. જે ભાવ મરણ વખતે આખરે રાખવાના છે તે અત્યારથી જ સેવવા જે કેડ બાંધી પુરુષાર્થ કરશે તેને સમાધિમરણ મહોત્સવરૂપે લાગશે. મરણપ્રસંગ વિકટ દુ:ખદાયી નહીં લાગે. માટે શાંતિ સ્વસ્થતા આત્મામાં વર્તે તે અર્થે મંત્રસ્મરણ, ભક્તિ, સત્સંગની ઉપાસના કરવી.’’ (બો.૩ પૃ.૩૪૭)
૧૮૯
મરી ગયા પછી ઘર્મ થાય નહીં માટે જીવતા ભક્તિ સત્સંગવડે આત્મધર્મ જાણી લેવો
એક વણિકનું દૃષ્ટાંત–“એક વણિક ધન કમાવામાં કુશળ હતો, પણ વાપરતાં તેનું ચિત્ત ચાલે નહીં. તેની સ્ત્રી વિચારવંત હતી. તે વારંવાર કહ્યા કરતી કે આપણે જેમ ધન વડે કપડાં, ખોરાક આદિ અનુકૂળતા મેળવી સુખી થઈએ છીએ તેમ બીજા જેમને જરૂર હોય તેમને માટે આપણું ધન વપરાય તો ઠીક તથા આપણું ખાસ ધન કે મૂડી તો મનુષ્યભવ છે તે દિવસે દિવસે ખૂટી જતું રહે છે તેનો સત્સંગ, સત્શાસ્રશ્રવણ, સત્યમાગમ તથા સત્યવ્રત આદિ અર્થે ઉપયોગ થાય તો ઉત્તમ ગણાય. પણ બૈરીનું કહેલું કોણ માને? તે કહે, “ઠીક, ઠીક, એનો વખત આવશે ત્યારે એ કરીશું. એની શી ઉતાવળ છે?’’
તે સાંભળી તે સ્ત્રીએ વિચાર્યું કે પ્રયોગ-યુક્તિ વિના તે માનશે નહીં, પણ તેવો પ્રસંગ આવ્યે તેનો અમલ કરવા તેણે વિચાર કરી રાખ્યો. થોડા દિવસો પછી તે ભાઈ બહુ માંદા થઈ ગયા એટલે દાક્તરને બોલાવી દવા લખાવી તથા દવાખાનામાંથી દવા મંગાવી કબાટમાં રાખી મૂકી, પણ દરદીને આપી નહીં. એટલે તે વણિકે ઉતાવળ કરતાં કહ્યું કે દવા આણી છે કે નહીં? તે બાઈએ કહ્યું કે હા, આણી છે. તો કેમ પાવી નથી? એમ તેણે કહ્યું. એટલે બાઈ બાલી, “હમણાં ને હમણાં શી ઉતાવળ છે ?’” તેથી તેણે કહ્યું, “કેમ મરી ગયા પછીથી પીવાની દવા છે?’’