________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૧૮૫
કુટુંબરૂપ પંખીના મેળામાંથી વિખરાઈ કઈ ગતિમાં જવું છે? તેની વિચારણા જરૂર કરવી
આપનો પત્ર મળ્યો. અનેક પ્રકારની આફતોમાં પરમપુરુષનાં વચનો આપને ધીરજનું કારણ બન્યાં છે એમ જાણી સંતોષ થયો છે. આપણી સાથે એક જ કુટુંબમાં વસનાર મરણને શરણ થાય
ત્યારે સ્વાભાવિક રીતે ખેદ અને શોકનું કારણ બને; તોપણ વિચારવાન જીવ તે ખેદ અને શોકને વૈરાગ્યભાવમાં પલટાવી દે છે અને વિચારે છે કે મોટા પુરુષો પંખીના મેળા જેવાં સગાંસંબંધીઓનું વર્ણન કરે છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. પૂર્વ, પશ્ચિમ આદિ દિશામાંથી આવી એક વૃક્ષ ઉપર રાત્રિ ગાળવા પક્ષીઓ એકઠાં થાય છે, પણ પ્રાતઃકાળ થતાં પાછાં જુદી જુદી દિશામાં ઊડી જાય છે; તેમ ચાર ગતિમાંની કોઈ કોઈ ગતિમાંથી કુટુંબીઓ એકઠાં કુટુંબમાં મળે છે અને આયુષ્ય પૂર્ણ થતાં કર્મ પ્રમાણે જુદી જુદી ગતિઓમાં વીખરાઈ જાય છે.
આપણે પણ આયુષ્ય પૂર્ણ થયે અહીંથી અવશ્ય ચાલ્યા જવાનું છે, અને પરભવને વિષે કેવા હાલ થશે તેનો આધાર, આ ભવ જે પ્રકારે ગળાય છે તેના ઉપર છે. માટે બહુ વિચારપૂર્વક વર્તન આ ભવમાં રાખ્યું હશે તો પરભવમાં તેનું ફળ સારું આવશે. હજી આપણા હાથમાં આ મનુષ્યભવના આયુષ્યનાં જે વર્ષ બાકી છે તેનો ઉત્તમ ઉપયોગ થાય તેમ ગળાય તેવી વિચારણા મારે જરૂર કરી લેવી એવી પ્રેરણા આ પ્રસંગ કરી રહ્યો છે. પત્રાંક ૬૮૯ વારંવાર વિચારવા ભલામણ છે'.” (બો.૩ પૃ.૨૯૫)
આજે મોંઘા મહેમાનને વળાવ્યો પંડિતજીનું દ્રષ્ટાંત– “એક સ્થળે શ્રીરામ જેવા શ્રોતા અને વસિષ્ઠ જેવા વક્તા તથા યોગવાસિષ્ઠ જેવા ગ્રંથની કથા થતી હતી. ત્યાં કોઈ મોડું આવતું નહોતું. બધા કથાને મુખ્ય જીવન માનતા હતા. ખાવાનું ભૂલે પણ કથામાં જવાનો સમય ન ભૂલે. તે વક્તા ‘પોથીમાંનાં રીંગણાં” જેવા નહોતા; તેમ જ શ્રોતાઓ પણ ‘તુમ બકતે હો ઔર હમ સુનતે હૈં!” જેવા નહોતા. તે સ્થળ વૈકુંઠ આદિને વીસરાવી દે એવું સાત્ત્વિક હતું. ગમે તેવો તપ્ત થયેલો મનુષ્ય ત્યાં આવી શાંત થાય. કોઈ મોડું આવે તો પંડિતજી સારી રીતે ટોકે. જેને ટોકે તે પોતાના હિતનું માની રાજી થાય.