________________
૧૮૪
સમાધિમરણ
વિશેષ રહે તેમ કરતા રહેવા સર્વ આત્મહિતેચ્છુઓને વિનંતી છેજી. થોડું લખ્યું ઘણું માનજો; વિશેષ વિચાર કરજો; અને કંઈ પણ આચરણ થાય છે કે નહીં તેની તપાસ રાખશોજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૨૭૫)
જ્ઞાન ઉપર આવરણથી મૂઢ બનેલ આત્મા જાણી શકે નહીં “પ્રશ્ન–માણસ મરી જાય છે તે કેવી રીતે અંદરથી આત્મા જતો રહે છે ? કંઈ ખબર કેમ પડતી નથી ?
ઉત્તર–ઉપરના પ્રશ્નમાં ઉત્તર ઘણોખરો આવી ગયો છે પણ ફરી સ્પષ્ટ થવા લખ્યું છે. આયુષ્યકર્મને આધારે આ દેહ ટકતો હતો તે જેમ દીવામાં દિવેલ કે ઘાસતેલ થઈ રહે એટલે દીવો બુઝાઈ જાય છે અને જ્યોતિ વગરનું ફાનસ કે કોડિયું પડ્યું રહે છે તેમ દેહમાંથી અરૂપી (આંખે ન દેખાય તેવો) આત્મા કર્મ જ્યાં લઈ જાય ત્યાં ચાલ્યો જાય છે એટલે તેના આધારે શ્વાસોચ્છવાસ, લોહીનું ફરવું, ગરમી વગેરે નિશાનીઓથી જીવ જણાતો હતો તે ન દેખાવાથી આત્મા ચાલ્યો ગયો એવું નક્કી થાય છે. પવન વાતો હોય ત્યારે જેમ ઝાડનાં પાન હાલતાં જણાય છે, પણ સ્થિર પાન જણાય તો પવન પડી ગયો છે એવું લાગે છે તેમ આત્મા આંખે દેખાય તેવો પદાર્થ નથી અને કર્મો જે સાથે જાય છે તે પણ પવનની પેઠે દેખાય તેવાં નથી. એટલે જતો કેમ કરીને ભળાય ? પણ જેનો આત્મા નિર્મળ હોય છે તે તો મરતાં પહેલાં પણ જાણે છે કે છ મહિના પછી આનો દેહ છૂટી જશે. પરમકૃપાળુદેવ ઘણાને કહેતા કે અમુકનું આટલું આયુષ્ય છે. જ્ઞાન ઉપર આવરણ હોવાથી તે શક્તિ ઢંકાઈ ગઈ છે, તેને ખબર નથી પડતી. અરીસા ઉપર કચરો બહુ ઠર્યો હોય તો મુખ અંદર દેખી શકાતું નથી; તેમ જ્ઞાનાવરણીય કર્મના થરથી બધું જાણી શકે તેવો આત્મા મૂઢ જેવો બની કિંઈ જાણી શકતો નથી.” (બો.૩ પૃ.૨૮૯) જિંદગીનો છેલ્લો ભાગ સુઘારે તો અનંતકાળના દોષોનું સાટું વળી રહે
પ.ઉ.૫.પૂ.પ્રભુશ્રીજી વારંવાર કહેતા હતા કે “ભૂલ્યો ત્યાંથી ફરી ગણ, જાગ્યા ત્યાંથી, સમજ્યો ત્યાંથી સવાર” ગણીને હવે જેટલું થોડું જીવવાનું બાકી રહ્યું છે તે એવું જીવવું કે જેથી સર્વને સંતોષ થાય અને આપણું કલ્યાણ થાય. વળી કહેતા કે પાઘડીને છેડે કસબ આવે છે તેમાં બધી પાઘડીની કિંમત આવી
જાય છે; તેમ જિંદગીનો છેલ્લો ભાગ જે સદ્ગુરુને શરણે સુધારી સમાધિમરણ કરવા કેડ બાંધી પુરુષાર્થ કરે અને સમાધિમરણ કરે તો જિંદગીના બધા દોષોનું અને અનંતકાળમાં થયેલા દોષોનું સાટું વળી રહે તેમ છેજી. આશ્રમમાં જેનો દેહ છૂટશે તેને સમાધિમરણ થશે એમ પણ તેમને બોલતા સાંભળેલ છેજી. અને આપને તો હવે સર્વ પ્રકારે તેવી અનુકૂળતા મળી છે કે કોઈની ચિંતા-ફિકર કરવાનું રહ્યું નથી. છોકરા છોકરાનું કરી લે છે. એક તમારે તો ફકત સત્સંગ અને સદ્ગુરુની આજ્ઞામાં હવે પાછલા દિવસો ધર્મધ્યાનમાં ગળાય તેવી ભાવના હોય તો સહેજે બને તેવું છે તે કરી લેવા વિનંતી છેજી. ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૨૮૯),