________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
ચાલે એવું નથી ? મરતી વખતે મને શું આડું આવે એવું છે ? શામાં મારું મન વારંવાર ભમ્યા કરે છે ? એના વિચાર કરી મરણ આવ્યા પહેલાં, મરણ બગાડી અધોગતિ કરાવે એવી વૃત્તિઓને શોધી શોધીને હવે દૂર નહીં કરું તો અચાનક મરણ આવી પહોંચશે ત્યારે મારાથી એકાએક એટલો બધો પુરુષાર્થ નહીં થાય કે તેમાં મારું મન ન જ જવા દઉં. માટે પહેલેથી વિચારી વિચારી દોષોને ઓળખી તે દોષો દૂર કરવા સદ્ગુરુશરણથી આજે જ કેડ બાંધવી છે એવો નિર્ણય કરી જીવન સફળ થાય તે માટે પુરુષાર્થ કરવાનો ક્રમ આરંભશો તો પુત્રવિયોગની વાત વિસારે પડશે, અને આ જીવની શી વલે થશે ? એ વાત મુખ્ય થશે, અને એ જ હવે તો કર્તવ્ય છેજી.’’ (બો.૩ પૃ.૨૭૪)
૧૮૩
બીજાનું જોઈ આપણું મરણ સુધારવા જરૂર ચેતવું
“બીજાનું ભલું કરવા આપણે સમર્થ નથી, પણ આપણા જીવને અધોગતિના મહાદુઃખોમાંથી બચાવી લેવા સદ્વિચાર કરી સદાચારમાં આવી આપણું હિત કરવું તે તો આપણા જ હાથની વાત છે. સુપુત્રે તો પોતે મરીને શિખામણ આપી કે આમ સર્વને વહેલા-મોડા જવાનું છે, માટે જરૂર જરૂર જરૂર ચેતજો. જાતે જોયેલી વાત ભૂલી ન જતાં આપણે માથે મરણની ડાંગ ઉગામેલી જોતાં રહી સત્કાર્યોમાં વધારે ચિત્ત દઈ પાપથી બીતા રહેવા વિનંતી છેજી.” (બો.૩ પૃ.૨૭૪)
,,
પોતાના કરેલા કર્મથી દુઃખ આવે, બીજા તો નિમિત્ત માત્ર છે
“જગતમાં કોઈ કોઈનું નથી. કોઈ કોઈનું દુઃખ લઈ શકતું નથી. કોઈ કોઈને સુખ આપી શકતું નથી. જીવ એકલો જ આવે છે અને એકલો જ પોતાનાં કરેલાં કર્મ ભોગવવા પરલોક જાય છે. માટે આણે મારું બગાડ્યું કે આ મારો શત્રુ છે, આ મને હિતકારી છે કે આનું તો મોં મને આખરે અવગતિ કરાવશે એવા રાગદ્વેષનાં ભાવો જીવન અને મરણને બગાડનારા છે. માટે પૂર્વે કરેલાં કર્મથી સુખદુઃખ આવે છે તેમાં કોઈનો દોષ નથી; માત્ર અણસમજથી બીજાના નિમિત્તને લક્ષમાં રાખી જીવ આકુલવ્યાકુલ થાય છે. ભલે કોઈ ચાકરી કરનાર હોય કે ન હોય; કોઈ આપણાં કામ ચલાવનાર પાછળ હોય કે ન હોય; કોઈ નિંદા કરે કે કોઈ વખાણ કરે તે તરફ લક્ષ ન રાખતાં આ જીવે કરેલાં કર્મ તેને અવશ્ય ભોગવ્યા વગર છૂટકો નથી. તેમાં કોઈનો વાંક નથી. હાથનાં કર્યાં હૈયે વાગે છે; માટે સમતા રાખી, સદ્ગુરુનું શરણું મળ્યું છે તે મહાભાગ્ય માની, તેને આશરે હવે દેહ છોડવો છે એવો પાકો નિર્ણય કરી, રોજ તે નિર્ણય પ્રમાણે વર્તાય છે કે બીજો આશરો શોધવા જીવ મોહવશ ભટકે છે તે તપાસતા રહેવા વિનંતી છેજી. આ પુરુષાર્થ જરૂર જીવને ઊંચો આણે એવો છે. માટે હવે બાહ્ય વસ્તુઓનું, બીજા જીવોનું અવલંબન છોડી સ્મરણ નિરંતર રહે અને સમભાવ રાખી સર્વ પ્રત્યે મૈત્રીભાવના અને સદ્ગુરુપદમાં અભેદભાવના જેમ