________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૧૭૯ દેહની સંભાળ કરે પણ આત્માની નહીં કરે તો જીવ પશુગતિમાં જાય ક્ષુલ્લક શિષ્યનું દૃષ્ટાંત– “વસંત-પુરમાં દેવપ્રિય નામે શ્રેષ્ઠી રહેતો હતો. યુવાવસ્થામાં તેની ભાર્યા મરણ પામવાથી તેને વૈરાગ્ય થયો. તેથી પોતાના આઠ વર્ષના પુત્ર સહિત તેણે દીક્ષા ગ્રહણ કરી.
ક્ષુલ્લક શિષ્ય પરિષહોને સહન કરી શક્તો નહીં, તેથી પિતાને કહ્યું કે હે પિતા! મારાથી જોડા વિના ચાલી શકાય નહીં; છત્રી વગર પણ મારે નહીં ચાલે, વળી હે તાત! ભિક્ષા માટે હું ઘરે ઘરે ફરું નહીં. તેથી પિતા ભિક્ષા લાવી આપે છે. સુવા માટે પલંગ માગ્યો, સ્નાન વગર નહીં ચાલે, લોચને સહન નહીં કરી શકું.
બધી ઇચ્છા પિતાએ પૂરી કરી ત્યારે છેલ્લું કહે હે પિતા! હું બ્રહ્મચર્ય પાળી શકું એમ નથી; એ સાંભળી પિતાએ તેને અયોગ્ય જાણી ગચ્છની બહાર કર્યો. અનુક્રમે તે મૃત્યુ પામી પાડો થયો અને તેના પિતા સ્વર્ગલોકમાં દેવતા થયા.
દેવલોકથી આવી પૂર્વભવની સ્મૃતિ આપી પુત્રને ઠેકાણે લાવ્યો તે દેવતાએ અવધિજ્ઞાન વડે પુત્રને પાડો થયેલો જાણીને સાર્થવાહનું રૂપ ધારણ કર્યું અને તે પાડાને પોતે ખરીદ કર્યો. તેના ઉપર ઘણું પાણી ભરીને તેને ચલાવે. ઉપરથી કોરડાનો માર મારે તેથી તે પાડો બરાડા પાડવા લાગ્યો.