________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૧૬૩
પૂ. સ્વ. ત્રિકમભાઈ દંતાલીવાળાનો આશ્રમમાં દેહ છૂટી ગયો તે પ્રસંગે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું હતું કે પરમકૃપાળુદેવનું અલૌકિક યોગબળ અહીં વર્તે છે. જેમનો દેહ આ આશ્રમમાં છૂટ્યો છે તે સર્વની દેવગતિ થઈ છે. પરમકૃપાળુદેવની શ્રદ્ધા વધે અને આત્મહિત થાય તેવું અલૌકિક આટલું સ્થળ બન્યું છે. મહાભાગ્યશાળી હશે તેનો દેહ અહીં છૂટશે.
જો આજીવિકાની અડચણ ન હોય તો અહીં જ આયુષ્ય ગાળવા યોગ્ય છે. ધર્મ, ધર્મ અને ધર્મના જ સંસ્કાર રાતદિવસ પડ્યા કરે એમ અહીં બધું વર્તન છે. નિમિત્તાધીન જીવની વૃત્તિ છે તેથી સારાં નિમિત્ત મેળવવા પુરુષાર્થ કર્તવ્ય છે. ક્ષણ લાખેણી જાય છે. આવો જોગ ફરી મળવો દુર્લભ છે.” (બો.૩ પૃ.૭૭)
આત્મકલ્યાણનો લક્ષ રાખી દેહત્યાગ કરે તેનો ખેદ કરવો નહીં “પૂ. અખેચંદભાઈએ દેહ છોડ્યાના ખેદકારક સમાચાર આપના કાર્ડથી જાણ્યા. અત્રે તેઓ મુશ્કેલી વેઠી આવી ગયા તો પ. પૂ. પ્રભુશ્રીજીનાં દર્શનનો લાભ, સમાગમનો લાભ છેલ્લે છેલ્લે લઈ શક્યા અને છેવટના સંસ્કારો તેમની શુભ લેશ્યા તથા સદ્ગતિ થયાની સાબિતી છે જી. એ સદ્ગત વયોવૃદ્ધ મુમુક્ષુ તો પોતાની ધર્મભાવના વધારી આત્મકલ્યાણના લક્ષસહિત પરલોકવાસી થયા છે, તેથી ખેદનું કારણ નથી. માત્ર આપણને તેમના સમાગમનો યોગ ન રહ્યો એ લાગી આવે તે સ્વાભાવિક છે. પણ જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા એ ઉત્તમ માર્ગ જ્ઞાની પુરુષોએ જણાવ્યો છે. એ થતાં ખેદને વૈરાગ્યમાં પરિણમાવવો ઘટે છે.” (બો.૩ પૃ.૯૧)
કુટુંબમાં વઘારેલો મોહ, મરણ વખતે આડો આવી અધોગતિમાં લઈ જાય
એક ધર્મશાળામાં જેમ અનેક ગામથી મુસાફરો આવીને રાત રહે છે અને સવાર થતાં પોતપોતાને રસ્તે ચાલ્યા જાય છે તેમ અનેક ગતિમાંથી જીવો આવી એક કુટુંબમાં થોડો કાળ સાથે રહે છે તેટલામાં તો એટલો બધો મોહ વધારી દે છે કે મરણકાળે તે પ્રતિબંધ આડા આવી જીવને અધોગતિએ લઈ જાય છે. એ વિચારી જેમ બને તેમ આજથી સગાં, મિત્ર, મળતિયા કે પાડોશીના પ્રતિબંધ ઓછા કરી જેમ બને તેમ વાસના, મોહ, મમતા કે દેહાધ્યાસ ઘટે તેવા વૈરાગ્યમાં વૃત્તિ રાખી, સત્પરુષે જે આજ્ઞા કરી છે એવા વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ, આત્મસિદ્ધિશાસ્ત્ર, છ પદનો પત્ર, અપૂર્વ અવસર, મહામંત્ર, આલોચના, સામાયિક, આઠ દૃષ્ટિની સક્ઝાય આદિ ઉત્તમ સાધનોમાં મનને જોડી રાખવા ઉદ્યમ કર્તવ્ય છેજી.