________________
‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
૧૨૭
હમણાં ઘન કમાવો, વૃદ્ધાવસ્થામાં ઘર્મ કરીશું તાત્પર્ય એ છે કે, મોક્ષના કારરૂપ આ મનુષ્યદેહ મળ્યો છતાં ઘણા લોકો પોતાના અસ્તિત્વને શાશ્વત માનીને એમ વિચારે છે કે, હમણાં તો સંસાર સુખ ભોગવો-છોકરા પરણાવો-પૈસા કમાઓ; પછી ઘરડાં થઈશું ત્યારે પ્રભુનું ભજન-ભક્તિ કર્યા કરીશું. શી ઉતાવળ છે?” પણ ખરેખર એમ માનવું ભૂલભરેલું છે. મૃત્યુ ઉપર કોઈની સત્તા ચાલતી નથી. કઈ ક્ષણે, કયે સ્થળે મૃત્યુ આવશે તેની કોઈને ખબર નથી. હું કંઈ ઘરડો થયો નથી, કે મરણને હજી ઘણીવાર છે એમ જાણી મનુષ્ય ધન પ્રાપ્ત કરવામાં સમય ગાળવા યોગ્ય નથી. કેમકે મૃત્યુએ માથાનાં લટિયાં ઝાલી રાખ્યાં છે એમ માની ધર્મકાર્ય કરવામાં ક્ષણમાત્ર પણ વિલંબ કરવો નહીં.” (બોધક વાર્તાઓમાંથી)
ઉધ્યાધિન શાતા - અશાતા જીવને ભોગવવી પડે “અશાતાનો જ્યાં સુધી ઉદય છે ત્યાં સુધી અકસીર દવાઓ પણ અસર કરતી નથી. વળી રોગ કોઈ બીજો હોય અને દવાઓ બીજા જ પ્રકારની થયા કરે છે. અને શાતાનો ઉદય થવાનો હોય ત્યારે જે રોગ હોય તેને લાગુ પડી જાય તેવી દવા પણ મળી આવે તેવો જોગ બને છે. આપણે તો સેવાબુદ્ધિએ જે ઠીક લાગે તે જણાવીએ કે કરીએ, પણ આપણાથી કંઈ બની શકે તેમ નથી. કરવા યોગ્ય શું છે તેનું ભાન પણ આપણને નથી.” (ઉ.પૃ.૧૨૪)
આત્માની માન્યતા કરો, તેની સંભાળ લો આ જીવ માયાના સ્વરૂપમાં કેવી રીતે ફસાઈ જાય છે ! માયાના સ્વરૂપમાંથી પાછો વળ. બધાનો વિચાર કર્યો, પણ મરણ ક્યારે આવશે તેનો વિચાર કર્યો ? આ જીવ ઘડી નવરો પડતો નથી. સંકલ્પવિકલ્પમાંથી નવરો થતો નથી. આત્માને સંભાળતો જ નથી. બધે આત્મા આત્મા છે. આત્મા દેખાતો નથી; પણ ભાવ કર. તેમાં કંઈ મહેનત નથી. તે જોવા માંડ. તેની શ્રદ્ધા કરવાની છે. સત્ અને શીલ : સત્ તે આત્મા, શીલ તે ત્યાગ. બધું મૂકીને હવે આ લક્ષ રાખો. માયાના સ્વરૂપમાં ખળી જઈ શું થાય છે તે જોયું ? આ મનુષ્યભવ જશે, પછી શું કરશો ? હવે બીજું બધું મૂકી દો. આનો વિચાર કરો. રાજા મરીને કીડો થાય, કીડો ઇન્દ્ર થાય, ઇન્દ્ર વનસ્પતિમાં પણ જાય! બધું દુઃખ, દુઃખ ને દુઃખ છે. આત્માની માન્યતા કરવામાં કંઈ આપવું પડતું નથી. હવે ચેતી જાઓ, જાગૃત થઈ જાઓ. કહેવામાં બાકી રાખી નથી, ચેતાવ્યા છે. બુદ્ધિમાન ચેતી જશે.” (ઉ.પૃ.૪૫૯),