________________
૧૦૨
સમાધિમરણ
હવે તે ગામમાં એક મહાત્મા પધાર્યા. તે હમેશાં વ્યાખ્યાનમાં કથાવાર્તા કહે. તેમની કથા કરવાની શૈલી તથા વાણીની મધુરતા અદ્ભુત હોવાથી શ્રોતાઓને કથાનું શ્રવણ કરવામાં અતિ આનંદ આવતો. તે સમયે ગામના પ્રતિષ્ઠિત નાગરિકો સદ્ભાવથી સંતસમાગમ કરવા માટે આવતા. એક દિવસ પેલો શ્રીમંત વણિક પણ કથા સાંભળવા આવ્યો હતો, પણ તે સમયે કથાની પૂર્ણાહુતિ થતી હતી. એટલે તે શ્રીમંતે ધાર્મિક પુસ્તક પર સવા રૂપિયો મૂક્યો.
તે વખતે મહાત્માએ તે શ્રીમંતના ઘણા વખાણ કર્યા તથા તેને બે ઘડી બેસવાનું કહ્યું. ત્યારે શ્રીમંત વણિક કહે : “મહારાજ ! માફ કરો, મને અત્યારે અહીં બેસવાનો સમય નથી. પરગામથી હૂંડીઓ આવેલી છે તેનો નિકાલ કરવાનો છે, બેંકમાં નાણાં ભરવાનાં છે, વેપારીઓ પાસેથી લેવાનાં છે, હૂંડીઓ વટાવવાની છે, આવેલી ટપાલમાં દેશાવરના ભાવ-તાલ જોવાના છે, ખરીદી અને વેચાણનું કામ હજી બાકી છે. મહારાજ! બજાર અત્યારે ખૂબ જ અસ્થિર છે. માટે મારે જવું જ પડશે. માફ કરો, મહારાજ! અહીં બેસવામાં મારું મન લાગે એમ નથી. હું જાઉં છું મહારાજ! મને રજા આપો.